શું કામ વધી રહ્યા છે પગની ઍન્જિયોપ્લાસ્ટીના કેસ?

07 February, 2025 07:16 AM IST  |  Mumbai | Ruchita Shah

કેટલાક સંજોગોમાં હાર્ટ-અટૅક અને બ્રેઇન સ્ટ્રોકને પણ નિમંત્રી શકે છે. આજકાલ વધી રહેલી આ સમસ્યા પાછળનાં કારણો અને એની ટ્રીટમેન્ટ વિશે વાત કરીએ. 

પ્રતીકાત્મક તસવીર

સામાન્ય રીતે ઍન્જિયોપ્લાસ્ટીને હૃદયની આર્ટરી સાથે જોડવામાં આવી છે પરંતુ નિષ્ણાતોના મતે હવે પેરિફેરલ ઍન્જિયોપ્લાસ્ટી એટલે કે પગની ધમનીઓના બ્લૉકેજને દૂર કરવાની જરૂરિયાત ધરાવતા પેશન્ટની સંખ્યા વધી રહી છે. પગમાં કાળાશ થવી, થોડું ચાલો ને પગ દુખે કે ચાલ્યા વિના પણ પગમાં દુખાવો રહે જેવાં લક્ષણો પગની ધમનીઓમાં બ્લૉકેજની નિશાની હોઈ શકે. ડાયાબિટીઝના દરદીઓમાં વિશેષ જોવા મળતી આ સમસ્યા માટે જો ઉચિત સમયે યોગ્ય ટ્રીટમેન્ટ ન લેવાય તો પગમાં ગૅન્ગ્રીનને કારણે એને કાપવાથી લઈને હાર્ટ-અટૅક કે બ્રેઇન સ્ટ્રોક સુધીની સમસ્યાઓ પણ થઈ શકે

લાઇફસ્ટાઇલ ડિસીઝના વધતા પ્રમાણ વચ્ચે સામાન્ય લાગતાં લક્ષણો પણ ઘણી વાર મોટી સમસ્યાનું કારણ બની શકે છે. પગમાં દુખાવો થવો, પગમાં ખાલી ચડી જવી, પગમાં કાળાશ થવી કે પગ ઠંડા પડી જવા જેવાં લક્ષણોને સામાન્ય રીતે લોકો ઉંમર અને રૂટીન ઍક્ટિવિટી સાથે સરખાવી દેતા હોય છે અને એને ઇગ્નૉર કરતા રહે છે. એનું લૉન્ગ ટર્મ પરિણામ જોખમી હોઈ શકે છે. એવું કહેવાય છે કે હાર્ટ-અટૅક અને બ્રેઇન સ્ટ્રોક આવે એ પહેલાં શરીરને જુદા-જુદા સિગ્નલ મળતાં હોય છે. પગમાં ઝણઝણાટી થવી કે પગ વગર કારણે ખૂબ દુખ્યા કરવાં એ લક્ષણો એ રીતે ઇગ્નૉર ન કરવાની સલાહ નિષ્ણાતો આપે છે કારણ કે એ પેરિફેરલ આર્ટરી ડિસીઝ હોઈ શકે છે જે કેટલાક સંજોગોમાં હાર્ટ-અટૅક અને બ્રેઇન સ્ટ્રોકને પણ નિમંત્રી શકે છે. આજકાલ વધી રહેલી આ સમસ્યા પાછળનાં કારણો અને એની ટ્રીટમેન્ટ વિશે વાત કરીએ. 

થવાનું કારણ શું?

પેરિફેરલ આર્ટરી ડિસીઝનું પ્રમાણ શું કામ વધી રહ્યું છે એ વિશે વૅસ્ક્યુલર ઍન્ડ ન્યુરો ઇન્ટરવેન્શનલ રેડિયોલૉજિસ્ટ, વેરિકોઝ વેઇન અને ડાયાબેટિક ફુટ સ્પેશ્યલિસ્ટ ડૉ. ધાર્મિક ભુવા કહે છે, ‘સાંભળીને કદાચ તમને એ જ રટાયેલો જવાબ લાગશે પણ પેરિફેરલ આર્ટરી ડિસીઝ પાછળ પણ જવાબદાર તો આપણી ખરાબ લાઇફસ્ટાઇલ જ છે. ઈટિંગ હૅબિટ્સ, ઍક્ટિવિટીનો અભાવ, સ્મોકિંગ, ડાયાબિટીઝ, બ્લડપ્રેશર, કૉલેસ્ટરોલ જેવી સમસ્યાઓ અને એમાં વચ્ચે મેન્ટલ સ્ટ્રેસને કારણે આર્ટરીમાં બ્લૉકેજિસ થઈ શકે છે. સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે આર્ટરીઝ એટલે ધમની તો માત્ર હાર્ટમાં જ હોય, પરંતુ એવું નથી. હાર્ટ સાથે સંકળાયેલી કૉરોનરી આર્ટરી મળીને આપણા આખા શરીરમાં ૪૧ મહત્ત્વની આર્ટરીઝ છે. કૉરોનરી આર્ટરી હાર્ટને બ્લડ પૂરું પાડે પણ એ સિવાય ગરદનને, પગને, હાથની આંગળીઓને પણ બ્લડ પૂરું પાડવાનું કામ જુદી-જુદી આર્ટરીઓ થકી થતું હોય છે. હવે જ્યારે શરીરમાં કૉલેસ્ટરોલનું પ્રમાણ વધે અને એનો ભરાવો શરીરની ધમનીઓમાં થવા માંડે ત્યારે એ કોઈ પણ ક્ષણે જોખમી પુરવાર થવા સમર્થ હોય છે.’

ડાયાબિટીઝમાં સંભાવના વધે

ધમનીઓમાં થતા બ્લૉકેજનું પ્રમાણ ડાયાબિટીઝ અને હાઈ બ્લડપ્રેશરના દરદીઓમાં વધારે શું કામ હોય છે એનું કારણ આપતાં ડૉ. ધાર્મિક કહે છે, ‘જ્યારે વ્યક્તિનું શુગર-લેવલ અને બ્લડપ્રેશર હાઈ હોય ત્યારે એ તમારી ધમનીની ઇનર લાઇનિંગને ડૅમેજ કરતાં હોય છે જેથી એમાં કૉલેસ્ટરોલ અને કૅલ્શિયમનો ભરાવો થવાની સંભાવના પણ વધે છે. બીજું, હાઈ શુગર-લેવલ ધમનીઓમાં ટાઇટનેસ વધારે, ઇન્ફ્લમેશન વધારે જેથી રક્ત પરિભ્રમણ માટેનો માર્ગ સાંકડો બનતો જાય. ડાયાબિટીઝના દરદીઓએ એટલે પણ વધારે સાવધાની રાખવી જોઈએ, કારણ કે ડાયાબિટીઝને કારણે ન્યુરોપથી ડેવલપ થાય છે જેમાં પેઇનને લગતાં સેન્સેશન ઓછાં થવા માંડે; જેથી પગમાં દુખાવો કે ઝણઝણાટીનો અહેસાસ ઘટી જાય છે. એથી નિદાન સમયસર નથી થતું. આ ઉપરાંત શુગર-લેવલ વધારે હોય ત્યારે ઘાવમાં રૂઝ આવવામાં સમય લાગતો હોય છે, જેથી પગમાં ગૅન્ગ્રીન થવાની અને પગ કાપવા સુધીની સ્થિતિ પણ આવી શકતી હોય છે.’

કેવાં લક્ષણો?

લેગ ઍન્જિયોપ્લાસ્ટી માટે કેવાં લક્ષણોને ડૉક્ટરો ધ્યાનમાં લેતા હોય છે એ વિશે ડૉ. ધાર્મિક કહે છે, ‘પગમાં ખૂબ જ પેઇન થતું હોય. અહીં ઘણા લોકોને ચાલવાથી પેઇન થાય અને ચાલવાનું બંધ કરે એટલે દુખાવો પણ બંધ થઈ જાય તો ઘણાને બેસી રહેલા હોય છતાં પગમાં દુખાવો હોય. પગમાં નબળાઈ લાગે અને વારે-વારે પગ સુન્ન પડી જતા હોય. પગ ઠંડા રહેતા હોય અને પગનો રંગ ફીકો પડી ગયો હોય, પગના પંજા રીતસરના કાળા રંગના થઈ ગયા હોય. જખમમાં રૂઝ ન આવતી હોય. અચાનક પગમાં સહી ન શકાય એવો દુખાવો ઊપડે, જેને લેગ સ્ટ્રોક તરીકે ઓળખાય છે. આવાં લક્ષણો દેખાય ત્યારે તપાસ કરાવવી જ જોઈએ.’       

ટ્રીટમેન્ટમાં શું?

ઘણી વાર પગમાં અંદરોઅંદર ઇન્ફેક્શન થયું હોય. નાનકડું ઇન્ફેક્શન ગૅન્ગ્રીનમાં ફેરવાય અને પછી પગ કાપવો પડે. જોકે સારી વાત એ છે કે હવે ટેક્નૉલૉજી એટલી આગળ વધી ગઈ છે કે બહુ જ સરળ નજીવી સર્જિકલ પ્રોસીજરથી આની ટ્રીટમેન્ટ સંભવ છે. ડૉ. ધાર્મિક કહે છે, ‘અમે કેટલાય લોકોના પગ કપાતા બચાવ્યા છે. મારી પાસે ઘનસોલીના એક રાજકારણી આવેલા. બે દિવસથી તેમને પગમાં સખત દુખાવો થતો હતો એટલે દેખીતી રીતે ફૅમિલી ફિઝિશ્યન પાસે ગયા અને એ ડૉક્ટરે તેમને પેઇનકિલર આપી. જોકે એની કોઈ અસર ન થઈ. પગ ઠંડા પડી રહ્યા હતા. મારી પાસે આવ્યા. સોનોગ્રાફી કરાવી તો એમાં પેરિફેરલ આર્ટરીનું નિદાન જ આવ્યું. પગના અંગૂઠા અને એની આસપાસની આંગળીઓ કાળી પડી ગઈ હતી. મેં તેમને લોહી પાતળું થવાની દવા આપી અને ધીમે-ધીમે પગનો દુખાવો પણ ગયો અને પગની કાળાશ પણ ઓછી થઈ. અફકોર્સ એ પછી તેમણે પણ પોતાના પક્ષે જીવનશૈલીને લગતા ઘણા બદલાવો લાવવા પડ્યા પણ ઘણી વાર માત્ર સાચા નિદાન અને ઉચિત દવાથી સર્જરી વિના પ્રારંભિક તબક્કે જ પરિણામ મળી જતું હોય છે. એક બીજા કિસ્સામાં એક મહિલાને ડાયાબિટીઝ હતો અને પગમાં ઈજા થઈ. ડૉક્ટર પાસે સારવાર માટે ગયા પણ કોઈ પરિણામ જ ન આવે. છેલ્લે પરિસ્થિતિ એવી વકરી કે પગ કાપવાની ઍડ્વાઇઝ મળી ગઈ. છેલ્લા ઓપિનિયન તરીકે મારા સુધી કેસ પહોંચ્યો. સોનોગ્રાફીમાં બ્લૉકેજ આવ્યું. અમે મિનિમલ પ્રોસીજરથી ઍન્જિયોપ્લાસ્ટી કરીને બ્લૉકેજ દૂર કર્યું. સારવાર હંમેશાં બ્લૉકેજ કેટલું ક્રિટિકલ છે એના પર નિર્ભર કરતી હોય છે.’

આ સ્થિતિમાં મુકાઓ જ નહીં એ માટે શું કરશો?

 
તમારી આહારશૈલી સુધારો. ઓછામાં ઓછો પ્રોસેસ થયેલો નૅચરલ આહાર લો. પૌષ્ટિકતા આપે એવી તમામ બાબતો એમાં ઉમેરો.

 
તમારી લાઇફસ્ટાઇલમાં કસરતને ઉમેરો. તમારી શારીરિક સક્રિયતા આજના સમયમાં ખૂબ મહત્ત્વની છે.

 
શુગર-લેવલ અને બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે એ આ પ્રકારની સમસ્યા માટે ખૂબ જરૂરી છે.

 
જીવનમાં નિયમિતતા લાવો. સવારે ઊઠવાનો અને રાતે સૂવાનો સમય નિશ્ચિત કરો.

 
આઠ કલાકની પૂરતી ઊંઘ લો.

 
ધ્યાન, પ્રાણાયામ અને યોગના નિયમિત અભ્યાસથી અથવા મનગમતી હૉબીને અનુસરીને મેન્ટલ સ્ટ્રેસને કન્ટ્રોલમાં રાખો.

life and style health tips columnists ruchita shah