18 September, 2026 12:54 PM IST | Mumbai | Heena Patel
AI ઇમેજ
સવાલ એ થાય કે નિયમિત દારૂ પીનારાઓને જો ૧૦-૧૨ દિવસ દારૂ ન મળે તો શું ખરેખર ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ શકે? શું આ અતિશયોક્તિ છે કે હકીકત? દારૂની અવેલેબિલિટી જ ન હોય તો કેટલાક લોકો માટે વ્યસન છોડવું સરળ બની શકે, પરંતુ જે સતત દારૂની અસર હેઠળ જ રહેવા ટેવાયેલા છે તેમના માટે કેવાં-કેવાં જોખમો ઊભાં થાય એ વિશે સાઇકિયાટ્રિસ્ટ પાસેથી સમજવાનો પ્રયત્ન કરીએ
ગણેશોત્સવ દરમ્યાન પુણેમાં સળંગ ૧૨ દિવસ માટે દારૂના વેચાણ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેવાયેલો એ સમયે મામલો કોર્ટમાં જતાં મુંબઈ હાઈ કોર્ટે એવું કહ્યું હતું કે આટલો લાંબો સમય પ્રતિબંધ મૂકવાથી નિયમિત દારૂ પીનારા લોકોની તબિયત લથડી શકે છે અને હૉસ્પિટલમાં ભીડ વધી શકે છે. જોકે હાઈ કોર્ટની ફટકાર બાદ પુણે પ્રશાસને દારૂબંધીના નિર્ણયમાં ફેરફાર કર્યો છે. જોકે અહીં સવાલ એ છે કે શું નિયમિત દારૂનું સેવન કરતી વ્યક્તિને અચાનક દારૂ ન મળે તો તેને હૉસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી શકે? આપણે સાઇકિયાટ્રિસ્ટ ડૉ. નિકુંજ ગોકાણી પાસેથી જાણીએ કે દારૂ અચાનક બંધ થાય ત્યારે મગજ અને શરીરમાં શું થાય છે અને ક્યારે આ સ્થિતિ ગંભીર બની શકે છે.
દારૂ વગર મગજ કેમ બેકાબૂ થાય છે?
આખી વાતને ગાડીના એક સાદા ઉદાહરણથી સમજો. આપણું મગજ બે પૅડલના સંતુલન પર ચાલે છે. એક છે બ્રેક જે મગજને શાંત રાખે છે અને બીજું છે ઍક્સેલરેટર જે મગજને સક્રિય રાખે છે. દારૂ મગજ પર સતત બહારથી લાગતી કેમિકલ બ્રેક જેવું કામ કરે છે. કોઈ માણસ જ્યારે મહિનાઓ કે વર્ષો સુધી રોજ ભારે દારૂ પીએ છે ત્યારે મગજ એ સતત લાગતી બ્રેક સાથે પણ ગાડી ચલાવવાની ટેવ પાડી લે છે. માણસ બેભાન ન થઈ જાય, બોલતો-ચાલતો રહે અને કામ કરી શકે એ માટે મગજ ધીમે-ધીમે પોતાની કુદરતી બ્રેકની અસર ઓછી કરે છે અને બીજી તરફ મગજની ઉત્તેજક સિસ્ટમ વધુ સક્રિય રાખે છે. હવે જ્યારે દારૂ અચાનક બંધ થઈ જાય છે ત્યારે પેલી બહારથી લાગતી કેમિકલ બ્રેક એક જ ઝાટકે હટી જાય છે, પણ મગજની ઉત્તેજક સિસ્ટમ તરત સામાન્ય સ્થિતિમાં પાછી આવતી નથી. પરિણામ એ આવે છે કે મગજ અને આખી નર્વસ સિસ્ટમ અતિશય સક્રિય થઈ જાય છે. આ અચાનક સંતુલન બગડવું એ જ દારૂ છોડતી વખતની તકલીફોનું મુખ્ય કારણ છે. આખું શરીર એકાએક જોરદાર આંચકામાં આવી જાય છે અને જાણે બેકાબૂ સ્પીડમાં દોડવા લાગે છે.
કયા લોકો માટે જોખમ વધુ?
દારૂ પીનારા બધા લોકોને ગંભીર વિધડ્રૉઅલની તકલીફો થતી નથી.
ક્યારેક-ક્યારેક કે શનિ-રવિમાં મર્યાદામાં પીતા લોકોને દારૂ બંધ કર્યા પછી સામાન્ય રીતે વિધડ્રૉઅલનાં ગંભીર લક્ષણો થવાનું જોખમ ઓછું હોય છે. આ તકલીફ ખાસ કરીને એવા લોકોને થઈ શકે છે જેમના શરીરને લાંબા સમયથી ભારે દારૂ પીવાની ટેવ પડી ગઈ હોય અને દારૂ અચાનક બંધ થવાથી મગજનું સંતુલન બગડે. રોજ વધુ પડતો દારૂ પીવો, વર્ષોથી પીતા રહેવું અને સવારે હાથ ધ્રૂજતા અટકાવવા સવાર-સવારમાં જ પેગ મારવો જેવી બાબતો વિધડ્રૉઅલના ગંભીર જોખમ સાથે જોડાયેલી છે.
સૌથી વધુ જોખમ કોને રહે છે?
જેમને પહેલાં ક્યારેય દારૂ છોડવા જતાં ખેંચ આવી હોય અથવા ડેલિરિયમ ટ્રેમેન્સ જેવી ગંભીર વિધડ્રૉઅલની સ્થિતિ થઈ હોય. અગાઉ ગંભીર વિધડ્રૉઅલ થયો હોય તો ફરી ગંભીર વિધડ્રૉઅલ થવાનું જોખમ વધી શકે છે.
જે લોકો સવારથી રાત સુધી સતત પીધા જ કરે છે અથવા લાંબા સમયથી ભારે પ્રમાણમાં દારૂ લે છે.
જેમને લિવર કે હૃદયની બીમારી હોય, શરીરમાં ભારે નબળાઈ હોય કે
ખાવા-પીવાનું પૂરતું ન મળતું હોય.
મોટી ઉંમરના વડીલો, જેમને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ હોય એમાં ગંભીર વિધડ્રૉઅલનું જોખમ વધી શકે છે.
અચાનક દારૂ બંધ થાય તો શું થાય?
છેલ્લો પેગ પીધા પછી ઘણી વાર છથી ૧૨ કલાકમાં શરૂઆતની તકલીફો દેખાવા લાગે છે. ચીડચીડાપણું થવું, બેચેની લાગવી, ઊબકા-ઊલટી થવી, ઊંઘ ન આવવી, ગભરામણ થવી અને દારૂ પીવાની તલપ લાગવી જેવી સમસ્યાઓ શરૂ થઈ શકે છે.
ધ્રુજારી : હાથ-પગ પોતાની મેળે ધ્રૂજવા લાગે છે. હાથ આગળ લાંબા કરો એટલે આ ધ્રુજારી સાફ પકડાઈ શકે છે, કારણ કે મગજની નર્વસ સિસ્ટમ વધુ સક્રિય થઈ જવાથી સ્નાયુઓને અસામાન્ય સિગ્નલ મળ્યા કરે છે.
પુષ્કળ પરસેવો અને ઝડપી ધબકારા : શરીરની અંદરની સિસ્ટમ સતત કટોકટી જેવી હાલતમાં આવી જાય છે. આરામથી બેઠા હોવા છતાં બ્લડ-પ્રેશર વધી શકે છે અને હૃદયના ધબકારા જોરજોરથી વધવા લાગે છે.
ભારે ગભરામણ અને અજંપો : મગજની નર્વસ સિસ્ટમ વધુ સક્રિય થઈ જવાથી ભયંકર ડર, ગભરાટ, ચીડ અને અનિદ્રા જેવી તકલીફો થઈ શકે છે.
મેડિકલ ઇમર્જન્સી પણ આવે
જો સમયસર સારવાર ન મળે અને હાલત બગડતી જાય તો વાત જીવલેણ મેડિકલ ઇમર્જન્સી સુધી પહોંચી શકે છે.
ખેંચ કે આંચકી આવવી : સામાન્ય રીતે છેલ્લો પેગ પીધા પછી ૧૨થી ૪૮ કલાકમાં આખા શરીરમાં જોરદાર ખેંચ આવી શકે છે. મગજની નર્વસ સિસ્ટમ અચાનક ખૂબ જ સક્રિય થઈ જવાથી આવું થાય છે. જેમને જિંદગીમાં ક્યારેય વાઈ કે ખેંચ ન આવી હોય તેમને પણ આ થઈ શકે છે.
ડેલિરિયમ ટ્રેમેન્સ (DTs) : આ સામાન્ય રીતે ૪૮થી ૯૬ કલાકમાં દેખાઈ શકે છે અને દારૂના ગંભીર વિધડ્રૉઅલની સૌથી ખતરનાક સ્થિતિઓમાંની એક છે. દરદી ભાન ભૂલી જાય અને તેને ક્યાં છે કે કયો સમય છે એનું ભાન પણ ન રહે. તેને વિચિત્ર ભાસ થવા લાગે. જેમ કે જીવડાં, જનાવર કે પડછાયાઓ દેખાવા અથવા શરીર પર કંઈક સરકી રહ્યું હોય એવું લાગવું. દરદી ખૂબ અશાંત કે મૂંઝાયેલો થઈ શકે છે અને ક્યારેક આક્રમક પણ બની શકે છે. સખત તાવ ચડી શકે છે, બ્લડ-પ્રેશર અને હૃદયના ધબકારા ખૂબ વધી શકે છે. આ સ્થિતિમાં ગંભીર જટિલતાઓ ઊભી થઈ શકે છે અને જો તરત સારવાર ન મળે તો જીવનું જોખમ પણ ઊભું થઈ શકે છે.
દારૂ છોડવાનો પ્રયાસ કરતા હો ત્યારે આ સંકેતોને હળવાશથી ન લેવા?
હળવી ધ્રુજારી અને ગભરામણ જેવી નાની-મોટી તકલીફો હોય તો પણ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે, કારણ કે શરૂઆતમાં હળવાં લાગતાં વિધડ્રૉઅલનાં લક્ષણો આગળ વધી શકે છે. કેટલાક એવા ખતરનાક સંકેતો એટલે કે રેડ ફ્લૅગ્સ છે જે દેખાય ત્યારે દરદીને તાત્કાલિક હૉસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં જ લઈ જવો પડે છે.
કોઈ પણ પ્રકારની ખેંચ એટલે કે આંચકી આવવી કે અચાનક ઢળી પડવું.
અચાનક મૂંઝવણ થવી, ભાનમાં ફેરફાર થવો, જીભ લથડવી કે ઘરના સભ્યોને પણ ઓળખી ન શકવા.
જે વસ્તુઓ વાસ્તવમાં છે જ નહીં એ દેખાવી, સંભળાવી કે શરીર પર અનુભવાવી એટલે કે ખોટા ભાસ થવા.
બેઠા હોવા છતાં હૃદયના ધબકારા ખૂબ ઝડપથી ચાલતા રહેવા, સખત તાવ ચડવો અથવા બ્લડ-પ્રેશરમાં ખૂબ મોટો ફેરફાર થવો.
સતત ઊલટીઓ થવી જેને લીધે પાણી, દવા કે કોઈ પ્રવાહી પેટમાં ટકી જ ન શકે અને શરીરમાં ઝડપથી પાણી ખૂટી જવાનું એટલે કે ડીહાઇડ્રેશનનું જોખમ ઊભું થાય.
જો પરિવારના કોઈ સભ્યને દરદીમાં ભારે મૂંઝવણ, નજર સામે ખોટા ભાસ કે અચાનક ખેંચ આવતી દેખાય તો તેણે ઘરેલુ નુસખા કરવાની કે ઊંઘી જશે એટલે સારું થઈ જશે એવી રાહ જોવાની ભૂલ બિલકુલ ન કરવી જોઈએ. આ સ્થિતિમાં દરદીને તાત્કાલિક ઇમર્જન્સીમાં હૉસ્પિટલ પહોંચાડવો જરૂરી છે.
દારૂ છોડવા માટે સારવાર કેમ જરૂરી?
જેને લાંબા સમયથી રોજ ભારે દારૂ પીવાની ટેવ પડી ગઈ હોય તેણે અચાનક પોતાની જાતે દારૂ બંધ કરી દેતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ગંભીર વિધડ્રૉઅલ ક્યારેક જીવલેણ બની શકે છે. ખાસ કરીને જે માણસ રોજ ભારે પ્રમાણમાં પીતો હોય, જેને સવારે ઊઠતાં જ હાથ ધ્રૂજતા હોય અને નૉર્મલ થવા માટે સવાર-સવારમાં જ દારૂ પીવો પડતો હોય કે પછી અગાઉ દારૂ છોડવા જતાં તબિયત બગડી ગઈ હોય તેણે તો ડૉક્ટરનો સંપર્ક કરવો જ જોઈએ. હૉસ્પિટલમાં ડૉક્ટરો માત્ર દારૂ બંધ કરી દો કહીને બેસી નથી રહેતા. જરૂરિયાત મુજબ તેઓ દરદીને એવી દવાઓ આપે છે જે મગજની અતિશય સક્રિયતા ઘટાડવામાં મદદ કરે છે, જેથી વિધડ્રૉઅલનાં ગંભીર લક્ષણોને કાબૂમાં રાખી શકાય. પછી દરદીની સ્થિતિ પ્રમાણે આ દવાઓ ધીરે-ધીરે ઘટાડવામાં આવે છે. સાથે-સાથે જરૂર મુજબ IV ફ્લુઇડ્સ આપીને શરીરમાં પ્રવાહીનું સંતુલન જાળવવામાં આવે છે અને વિટામિન B1 એટલે કે થાઇમિન આપવામાં આવે છે, કારણ કે લાંબા સમયથી ભારે દારૂ પીનારા લોકોમાં એની કમીનું જોખમ રહે છે. આથી મગજને થતી ગંભીર નુકસાનકારક અસરથી બચાવવામાં મદદ મળે છે. એક વાર શરીર આ મોટા આંચકામાંથી હેમખેમ બહાર આવી જાય એ પછી જ માણસ ફરી દારૂ ન અડે એ માટે આગળનું કાઉન્સેલિંગ અને વ્યસનમુક્તિની સારવાર શરૂ થાય છે.