World Food day:દેશની સૌથી મોટી થાળીની મિજબાની માણવી હોય તો જાણો અહીં... 

16 October, 2021 02:35 AM IST  |  mumbai | Nirali Kalani

જો તમે દિલ્હી, જયપુર અને ગુજરાત જાવ તો આ થાળીની મિજબાની અવશ્ય માણવી જોઈએ

કુંભકર્ણ થાળી

દેશના દરેક રાજ્ય પાસે પોતાની ઓળખ દર્શાવતી વિશેષતા દર્શાવતી એક ડીશ છે. જેમાં વિવિધ પ્રકારની વાનગીઓ છે, મીઠાઈઓ છે, દાળની વિવિધતા છે અને અનોખા સ્વાદ છે. જુદા જુદા રાજ્યમાં જુદી જુદી ભોજનથાળી મળી છે. આ થાળીનું નામ પડતા જ રસીકોના મોમાં પાણી આવી જાય છે. સામાન્ય રીતે એક મોટી થાળીમાં નાની વાટકીઓ હોય છે અને તેમાં વિવિધ પ્રકારની ગળી, મોળી અને તીખી વાનગીઓ હોય છે, જે જોઈને તે વાનગીઓને સીધી મોઢામાં મુકી તેનો સ્વાદ માણવાનું મન થઈ જાય છે. આપણે વિવિધ રાજ્યની વિવિધ થાળીઓ વિશે જાણીએ જે તમારે અચુક માણવી જોઈએ.

ખલીબલી થાળી (દિલ્હી)

દિલ્હીમાં મળતી આ ખલીબલી થાળીને દેશની સૌથી મોટી થાળીમાં સ્થાન આપવામાં આવ્યું છે. 56 ઈંચની થાળીમાં વેજ અને નોન વેજ એમ બંને વાનગીઓની લુફ્ત માણવા મળે છે. ખાસ વાત એ છે કે કોઈ વાનગી કે સબ્જી પૂરી થઈ જાય તો બીજી કે ત્રીજી વાર જ નહીં અનલિમિટેડ વાર ખાવા મળે છે. આ થાળીને ચાર લોકો સાથે શેર કરી શકાય છે. આ થાળીનું વજન ચાર કિલો હોય છે. થાળીને ટેબલ સુધી લાવવા માટે બે વેઈટર આવે છે. દિલ્હીના કનોટ પ્લેસ પાસે આ થાળી મળે છે. સૌથી ખાસ વાત એ છે કે અહીં રેસ્ટોરાંના રસોડામાં જઈને જોઈ શકાય છે કે આ થાળીની કેવી તૈયારીઓ થાય છે. આ થાળીનો આનંદ માણવા 1600 રૂપિયા ચુકવવા પડે છે. 

કુંભકર્ણ થાળી, જૂનાગઢ (ગુજરાત)

ગુજરાતના જૂનાગઢ શહેરની કુંભકર્ણ થાળીનો સ્વાદ રસીકોને એ હદે આકર્ષી રહ્યો છે કે ન માત્ર જુનાગઢ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અને ગુજરાતના છેવાડાના લોકો પણ જ્યારે જૂનાગઢમાં આવે છે ત્યારે પટેલ રેસ્ટોરાંની મુલાકાત લેવાનું ચૂકતા નથી. આખા પરિવારને પરવડે અને લોકોને કંઈક નવું મળે તે માટે અમે કુંભકર્ણ થાળી શરૂ કરવામાં આવી છે. તેમાં મિષ્ઠાન થી લઈને અલગ અલગ પ્રકારના શાક કચુંબર અને પાંચ પ્રકારની રોટલી પીરસવામાં આવે છે. આ થાળીની કિંમત 1000 રૂપિયા રાખવામાં આવી છે. આ થાળીમાં પીરસવામાં આવતી વાનગીઓ 4 થી લઈને પાંચ લોકો ખાઈ શકે તેટલું ભોજન હોય છે, પરંતુ નવાઈની વાત એ છે કે કોઈ એક વ્યક્તિ દ્વારા આખી થાળીને પૂર્ણ કરવામાં આવે તો તેને હોટેલ માલિક દ્વારા 11 હજારના ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. 

ગુજરાતી થાળી, વિશાલા-અમદાવાદ(ગુજરાત)

અમદાવાદમાં આવેલી વિશાલા રેસ્ટોરાંમાં ગુજરાતી થાળી ખુબ જ ફેમસ છે. પરંપરાગત રીતે ડિઝાઇન કરેલી વર્ષો જુની  રેસ્ટોરાં વિશાલા એક થીમ આધારિત રેસ્ટોરાં છે. જયાં પરંપરાગત રીતે તે એક ગામડાના ભોજનનો અનુભવ થાય છે. આ થાળીમાં વિવિધ પ્રકારની અનેક વાનગી હોય છે.  થાળીમાં કોલ્ડ્રિંકસથી ફરસાણ, સલાડ, દાળ સબ્જી સહિતની સ્વાદિષ્ટ વ્યંજન હોય છે. થાળીની પરંપરાગત સજાવટ પણ આકર્ષિત હોય છે. તદુપરાંત, રેસ્ટોરાંના વાસણો, ટેબલ અને બેસવાની શૈલી ગામડાનો અનુભવ આપવા માટે પરંપરાગત રીતે બનાવવામાં આવી છે. થાળીની કિંમત 1000 રૂપિયા છે. ઇન્દિરા ગાંધી,અમિતાભ બચ્ચન, નરેન્દ્ર મોદી,અટલ બિહારી વાજપેયી,સચિન તેંડુલકર વગેરે લોકોએ આ રેસ્ટોરાંની મુલાકાત લીધી છે.

રાજસ્થાની ડીશ, જયપુર (રાજસ્થાન)

રાજાઓની ભૂમિ રાજસ્થાન તેના રાજવી ઠાઠ-માઠ સાથે રાજવી ફૂડ પણ કંઈ અવગણવા જેવું નથી. જયપુરમાં ચૌકીધાનીમાં આવેલા ચૌપાલમાં રાજસ્થાની વાનગીઓનો ટેસ્ટ માણવાનો અનેરો આનંદ છે, એ પણ અનલિમિટેડ. ચૌકીધાનીમાં રાજસ્થાની થાળીમાં રોટલી શાકની સાથે લાડવા, દાલબાટી ચુરમા, ઘી રોટી, ઘી લાડુ તો ખરા જ, આ સાથે ચાર પ્રકારની ચટ્ટણી અને રાજસ્થાની ફરસાણ પણ પીરસવામાં આવે છે. જયપુર જઈએ તો આ રાજસ્થાની ડીશની લુફ્ત અવશ્ય લેવી જોઈએ. 

 

દારાસિંહ થાળી, મુંબઈ (મહારાષ્ટ્ર)

નોનવેજ પ્રેમીઓ માટે જમવાનું કાયમ માટે દાઢમાં રહી જાય તેવી આ દારાસિંહ થાળી મુંબઈના મસેલાદાર મિનિ પંજાબ નામના એક નાનકડા રેસ્ટોરાંમાં મળે છે. આ થાળીને દુનિયાની સૌથી મોટી નોનવેજ થાળીનું ટેગ મળેલું છે. જયાં સ્ટાર્ટર તરીકે પાણીપૂરી આપવામાં આવે છે. થાળીમાં 24 વાટકાઓ ભરીને નોનવેજની અનેક વાનગીઓ પીરસવામાં આવે છે. ત્રણ પ્રકારની રોટી અને છ પ્રકારની મીઠાઈ બે કુલ્લડ ભરીને, નોન વેજ દાળ, બે પ્રકારના ભાત, ચીકન પીસ, ફીશ પીસ બોનલેસ પીસ જેવી આઈટમનો સ્વાદ પ્રેમીને કાયમ માટે યાદ રહી જાય છે.

કેસરીયા થાળી, બેંગ્લોર (કર્ણાટક)

એક જ થાળીમાં 32 પકવાનોનો સ્વાદ આપતી કેસરીયા થાળી બેંગ્લોરના જે. પી. નગરમાં મળે છે. આ થાળીને દિવાલી કી થાલી કહેવામાં આવે છે. જેની શરૂઆત વેલકમ ડ્રિંક્સથી થાય છે અને છેલ્લે મીઠાઈથી પૂર્ણ થાય છે. થાળીમાં ચાર પ્રકારના શાક, ત્રણ પ્રકારના ચાટ, બે પ્રકારના સલાડ, ત્રણ ચટ્ટણી, સિઝનમાં કેરીનો રસ, દહી રાયતા, પૂરી, કચોરી, હલવો, સેવમિક્સ જેવી વાનગીઓનો લુફ્ત માણવા મળે છે. આ થાળીની ખાસ વાત એ છે કે આ થાળીમાંથી ઓછામાં ઓછા પાંચ લોકો પેટ ભરીને ખાઈ શકે છે. 

 

Gujarati food indian food mumbai food life and style