અમદાવાદની બધી ચોળાફળી ‘નાગર’ની ચોળાફળી કેમ?

28 October, 2021 07:22 PM IST  |  Ahmedabad | Sanjay Goradia

૧૯૬પની સાલમાં શરૂ થયેલી બી. કે. નાગરની ચોળાફળીને એવો તે અદ્ભુત રિસ્પૉન્સ મળ્યો કે આજે અમદાવાદના પટેલ, બ્રાહ્મણ, જૈન કે મિસ્ત્રી બધા ‘નાગર’ બનીને ચોળાફળી વેચે છે

અમદાવાદની બધી ચોળાફળી ‘નાગર’ની ચોળાફળી કેમ?

ગુજરાતમાં નાટકના ઑડિટોરિયમમાં અને સિનેમાના થિયેટરમાં ૬૦ ટકા ઑડિયન્સની પરમિશન હોવાથી ત્યાંના ઑર્ગેનાઇઝનર માટે શો કરવો થોડોક ફિઝિબલ બન્યો છે અને આ જ કારણે હવે મારી ગુજરાતની ટૂર પણ વધવા માંડી છે. પંદર જ દિવસમાં બીજી ટૂર આવી. આ સેકન્ડ ટૂરમાં અમારે સુરત, નડિયાદ, રાજકોટ, અમદાવાદ એમ લાઇનસર શો હતા. સાવ સાચું કહું તો મારા માટે તો આ જલસાની વાત હતી. મારાં બે મનગમતાં કામ કરવાનો અવસર હતો આ. નાટક કરવાનાં અને સ્ટ્રીટ-ફૂડની જલસા-ડ્રાઇવ પણ આગળ વધારતા જવાની. 
લાસ્ટ ટાઇમ જ્યારે હું અમદાવાદમાં મારી વેબસિરીઝનું શૂટિંગ કરતો હતો ત્યારે એક મિત્રએ મને ચોળાફળીનું કહ્યું હતું. નાગરની ચોળાફળી તરીકે ઓળખાતી આ ચોળાફળી ખાવાનું મેં નક્કી કરી રાખ્યું હતું. હું તો નીકળ્યો અમદાવાદમાં ચોળાફળીની ફૂડ-ડ્રાઇવ લઈને. પણ આ શું?
જ્યાં-જ્યાં નજર મારી ઠરે, ત્યાં-ત્યાં નાગર ચોળાફળી મને દીઠે.
હા સાચે જ, ચોળાફળી મૂકી પડતી અને મેં તો આ નામનું કારણ શોધવાનું શરૂ કર્યું. બધા જ નાગર ચોળાફળીવાળા. આવું તે કેમ બને? તપાસ કરતાં ડિટેક્ટિવ ગોરડિયાને ખબર પડી કે ૧૯૬પમાં અમદાવાદમાં બી. કે. નાગરે ચોળાફળી શરૂ કરી અને એ એવી તે પૉપ્યુલર થઈ કે બધા જ ચોળાફળીવાળા પોતાની ચોળાફળીને ‘નાગરની ચોળાફળી’ તરીકે ઓળખાવવામાં ગર્વ અનુભવે છે. હોય પટેલ પણ મળતી હોય નાગર ચોળાફળી, હોય મિસ્ત્રી પણ વેચતો હોય નાગરની ચોળાફળી. નાગર નામ આપો એટલે ચોળાફળીનો બધો માલ વેચાઈ જાય એવું વિના સંકોચે તેઓ સ્વીકારે પણ ખરા. જોકે સાહેબ, ઓરિજિનલ એ ઓરિજિનલ હોં. 
આપણે તો પહોંચ્યા પ્રીતમનગર પાસે આવેલી રિયલ બી. કે. નાગરની ચોળાફળી ખાવા, પણ અહીંયે કન્ફ્યુઝન. આમને-સામને બે બી. કે. નાગર ચોળાફળી. જોકે તપાસ કરતાં ખબર પડી કે બન્ને દુકાનના માલિક એક જ છે એટલે કન્ફ્યુઝન તરત દૂર થઈ ગયું. 
ત્રીસ રૂપિયાની ચોળાફળી આવી અને તમારી જાણ ખાતર, ત્રીસ રૂપિયાથી ઓછાની ચોળાફળી એ લોકો આપતા પણ નથી. ત્રીસ રૂપિયાની ૬૫ ગ્રામ ચોળાફળી અને ૬૫ ગ્રામમાં તો કાગળ ભરીને ચોળાફળી આવે. તમને મનમાં થયું હશે કે કાગળ ભરીને કેમ કહ્યું? 
સાહેબ, અમદાવાદમાં ગાંઠિયા લો કે ચોળાફળી, છાપાની પસ્તી કે પડિયા નહીં પણ સફેદ કાગળ જ વાપરે. સફેદ, કોરો કાગળ જેના પર કોઈ જાતનું પ્રિન્ટિંગ ન હોય. પેપર-ઇન્ક સ્વાસ્થ્ય માટે હાનિકર્તા છે એવું પુરવાર થયા પછી અમદાવાદી દુકાનદારોએ આ બાબતમાં બહુ ચીવટ રાખી છે. ચોળાફળી સાથે મેં ચટણીનું પૂછ્યું એટલે પડિયો આપીને ટેબલ દેખાડી દીધું. ટેબલ પર એક જગ હતો અને એ જગમાં ચટણી હતી. 
ચોળાફળી એકદમ સરસ અને ક્રિસ્પી. ચણાના લોટનું આટલું બારીક સ્વરૂપ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે એની ગૅરન્ટી મારી. ચોળાફળી પર એમનો સ્પેશ્યલ મસાલો છાંટ્યો હોય, જેને લીધે ચોળાફળીના યલો કલરનો નિખાર પણ સાવ બદલાઈ જતો હતો. જોકે મારે કહેવું પડે કે ચોળાફળીની સાથે કૉમ્બિનેશનમાં જે ચટણી હતી એ ચોળાફળીને ચાર ચાંદ લગાવતી હતી. ગુજરાતમાં સામાન્ય રીતે મીઠી ચટણી આપવામાં આવે, પણ આ મીઠી ચટણી નહોતી. આમ મીઠાશ પણ નહીં અને નમકીન એટલે કે નિમક પણ નહીં અને તીખાશ ભારોભાર. ચોળાફળીની ઉપર મસાલો નાખ્યો હોય એટલે ચોળાફળી પર ઉમેરાયેલું પેલું નિમક તમારી ચટણીમાં આપોઆપ ઍડ થઈ જાય. ચટણીમાં લસણનો હળવો સ્વાદ હતો તો મરચાંનાં બી સ્પષ્ટપણે દેખાતાં હતાં તો સાથે કોથમીરની અરોમા પણ આવતી હતી.
ક્યારેય અમદાવાદ જવાનું બને તો ઓરિજિનલ પ્રીતમનગર પાસેની બી. કે. નાગરની ચોળાફળી ખાવાનું ચૂકતા નહીં.

columnists Sanjay Goradia Gujarati food mumbai food indian food