30 January, 2026 12:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેજ નવરત્ન કોરમા
સામગ્રી : ૧ કપ ચોરસ ટુકડા બટાટાના, ૧ કપ મટર, ૧ કપ ગાજર સમારેલાં, ૧ કપ ચોરસ ટુકડા પનીરના, ૧ કપ અમુલ ફ્રેશ ક્રીમ, ૧ કપ ચોરસ ટુકડા કૅપ્સિકમ, ૧ કપ ટુકડા કાજુ.
વાઇટ ગ્રેવીની સામગ્રી : ૨ લીલાં મરચાં, ૧ કપ ટુકડા કાજુ, ૧ કપ મેલન સીડ્સ, ૩ ચમચી તેલ, ૧ ચમચી શાહી જીરું, ૨ લીલી ઇલાયચી, ૧ કટકો તજ, ૨/૩ નંગ લવિંગ, ૧ તેજપત્તું, ૧ ચમચી આદુંની પેસ્ટ, ૧ ચમચી સફેદ મરી અથવા કાળાં મરીનો પાઉડર, ૧ કપ દહીં, ૧/૨ કપ માવો.
રીત: વાઇટ ગ્રેવીની એક પૅનમાં તેલ ગરમ કરી બધા ખડા મસાલા શેકી લેવા. શેકી લો પછી એને ઠંડું થવા દો. ત્યાર પછી મિક્સરમાં બધું જ પીસી લેવું. મિક્સરમાં પીસતી વખતે દહીં અને માવો નાખવાં. પીસાઈ જાય એટલે એને ઍરટાઇટ ડબ્બામાં સ્ટોર કરી શકો છો. આપણી વાઇટ ગ્રેવી તૈયાર છે. બીજી બાજુ બધાં જ શાકને ધોઈને એના ચોરસ ટુકડા કરી લો. પનીરના પણ ચોરસ ટુકડા કરી લો. ત્યાર બાદ એક તપેલીમાં પાણી લઈ એમાં શાક બૉઇલ કરી લો. પનીરને ગરમ પાણીમાં દસેક મિનિટ સુધી રાખો. સરસ સૉફ્ટ થઈ જશે. હવે આપણે જે વાઇટ ગ્રેવી બનાવી હતી એ એક પૅનમાં થોડું તેલ મૂકી ગરમ કરી લો. પછી થોડું પાણી નાખી જરૂર મુજબ એમાં વેજિસ નાખી મિક્સ કરી લો. છેલ્લે અમૂલ ફ્રેશ ક્રીમ નાખી સરસ રીતે મિક્સ કરો. હવે એને દસેક મિનિટ સુધી ધીમા તાપે રહેવા દો. આપણી વાઇટ ગ્રેવી ઑલરેડી કુક કરેલી છે. બસ, થઈ જાય એટલે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈ ચીઝ ખમણીને ગાર્નિશ કરો કરો ને સર્વ કરો. રેસ્ટોરાં સ્ટાઇલ વેજ નવરત્ન કોરમા તૈયાર છે.