01 June, 2026 01:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હેલ્ધી મલ્ટિગ્રેન ચણા ટાકોઝ
સામગ્રી : ટાકોઝ માટે : ૧ કપ મલ્ટિગ્રેન લોટ, બે ટેબલસ્પૂન કૉર્નફ્લોર, ૧ ટેબલસ્પૂન તેલ, સ્વાદ મુજબ મીઠું, ૧ ટીસ્પૂન ચિલી ફ્લેક્સ, જરૂર મુજબ પાણી, પલાળેલા અને ઉકાળેલા લાલ ચણા
સ્ટફિંગ માટે : ૧ મોટું બાઉલ બાફેલા લાલ ચણા, ૧ બારીક સમારેલો કાંદો, ૧ ટેબલસ્પૂન આદું-મરચાં-લસણની પેસ્ટ, ૧ ટીસ્પૂન મેથિયો મસાલો, ચપટી હિંગ, બે ટેબલસ્પૂન ટમૅટો કેચપ, ૧ ટીસ્પૂન ચાટ મસાલો, ૧ ટીસ્પૂન પેરી-પેરી મસાલો, બે ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર, ૧ ટેબલસ્પૂન તેલ
સર્વિંગ માટે : ઘી અને બટર મિક્સ કરેલું, ખમણેલું અથવા ક્રમ્બલ કરેલું પનીર, પીઝા સીઝનિંગ, ચાટ મસાલો, ટમૅટો કેચપ અથવા ડીપ
બનાવવાની રીત : લોટ તૈયાર કરો : એક બાઉલમાં મલ્ટિગ્રેન લોટ, કૉર્નફ્લોર, મીઠું, ચિલી ફ્લેક્સ અને તેલ ઉમેરો. એમાં જરૂર મુજબ પાણી ઉમેરીને થોડો કઠણ અને સ્મૂધ લોટ બાંધો. લોટને ૧૦-૧૫ મિનિટ ઢાંકી રાખો.
ચણાનું સ્ટફિંગ બનાવો : લાલ ચણાને મીઠું નાખીને બાફી લો. હવે કડાઈમાં તેલ ગરમ કરો. એમાં હિંગ અને આદું-મરચાં-લસણની પેસ્ટ ઉમેરો. પછી બારીક સમારેલો કાંદો ઉમેરીને લાઇટ ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ મેથિયો મસાલો ઉમેરો અને બાફેલા ચણા નાખીને બરાબર મિક્સ કરો. હવે એમાં ટમૅટો કેચપ, ચાટ મસાલો, પેરી-પેરી મસાલો અને કોથમીર ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરીને બે-ત્રણ મિનિટ શેકી લો.
ટાકોઝ તૈયાર કરો : બાંધેલા લોટમાંથી મધ્યમ સાઇઝની રોટલી વણી લો. એને તવા પર કાચી-પાકી શેકી લો. હવે તૈયાર રોટલી પર ઘી અને બટરનું મિશ્રણ લગાવો અને બન્ને બાજુ સરસ રીતે શેકી લો જેથી ક્રિસ્પી ટેક્સ્ચર આવે.
ફાઇનલ ઍસેમ્બલ : રોટલી પર ટમૅટો કેચપ અથવા ડીપ લગાવો. રોટલીના અડધા ભાગમાં તૈયાર કરેલું ચણાનું સ્ટફિંગ મૂકો. ઉપરથી પીત્ઝા સીઝનિંગ, ચાટ મસાલો, પેરી-પેરી મસાલો અને પનીર સ્પ્રિન્કલ કરો. હવે રોટલીને ટાકોઝની જેમ ફોલ્ડ કરીને બન્ને બાજુ ફરીથી હળવેથી શેકી લો.
સર્વિંગ ટિપ્સ : ગરમાગરમ હેલ્ધી મલ્ટિગ્રેન ચણા ટાકોઝને ટમૅટો સૉસ, મસાલેદાર ડીપ અથવા દહીંની ડીપ સાથે સર્વ કરો.