ધી યવાચા યાત્રા

01 July, 2021 01:34 PM IST  |  Mumbai | Sanjay Goradia

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલી આ ફાઇવસ્ટાર રેસ્ટોરાંની સૌથી મોટી ખાસિયત એ છે કે એની વાનગીઓના મુખ્ય ઇન્ગ્રીડિઅન્ટ્સ તેના મૂળ પ્રદેશમાંથી જ ખરીદવામાં આવે છે. એનો સ્વાદ વાનગીમાં એ સ્તરે પથરાઈ જાય કે તમે કલ્પના પણ ન કરી હોય

સંજય ગોરડિયા

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલી આ ફાઇવસ્ટાર રેસ્ટોરાંની સૌથી મોટી ખાસિયત એ છે કે એની વાનગીઓના મુખ્ય ઇન્ગ્રીડિઅન્ટ્સ તેના મૂળ પ્રદેશમાંથી જ ખરીદવામાં આવે છે. એનો સ્વાદ વાનગીમાં એ સ્તરે પથરાઈ જાય કે તમે કલ્પના પણ ન કરી હોય

આ વખતની આપણી ફૂડ-ડ્રાઇવ જરા જુદી છે. આપણી ફૂડ-ડ્રાઇવને આપણે ત્રણ ક્રાઇટેરિયા સાથે જોડી છે. ખાવાનું કિફાયતી હોય, યુનિક હોય અને સ્વાદમાં બેમિસાલ હોય. આ ક્રાઇટેરિયામાં મોંઘીદાટ રેસ્ટોરાંનો સમાવેશ થાય નહીં, પણ આ વખતે મને થયું કે ક્યારેક આવી વાનગીઓનો આસ્વાદ પણ માણવો જોઈએ. 
આપણી આ ફૂડ-ડ્રાઇવ શરૂ કરતાં પહેલાં મારે એક વાત સ્વીકારવી છે કે આ ડ્રાઇવ પર મને લઈ જવાનો જશ મારા મિત્ર જયેશ વોરાને જાય છે. જયેશભાઈની એક રેસ્ટોરાં હતી. તેમનો મૂળ બિઝનેસ જુદો, પણ માત્ર ખાવાના શોખને કારણે તેમણે એ રેસ્ટોરાં શરૂ કરી હતી. જયેશભાઈએ જગતભરમાં ફરીને બેસ્ટ કહેવાય એવા મિચલિન સ્ટાર શેફની રેસ્ટોરાંનો સ્વાદ માણ્યો છે. મિચલિન શેફ એટલે એવા શેફ જેમને તેમના ટેસ્ટી ફૂડ માટે મિચલિન સ્ટારનો સર્વોચ્ચ અવૉર્ડ મળ્યો હોય. આ મિચલિન અવૉર્ડ એટલે શેફ માટે જાણે કે ઑસ્કર. જયેશભાઈ સાથે જમવું એ લહાવો છે. ખાવાપીવાની બાબતનું તેમનું જ્ઞાન એ અદ્ભુત છે. 
જયેશભાઈનો મને ફોન આવ્યો કે આપણે લંચ પર જઈએ. ખાવાપીવાની વાત આવે એટલે બંદા મુહૂર્ત જોતા નથી. પહોંચ્યો તેમની ઑફિસે અને ત્યાંથી અમે નીકળ્યા બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલી યવાચા રેસ્ટોરાંમાં. યવાચા ફાઇવસ્ટાર સ્તરની ચાઇનીઝ-જૅપનીઝ રેસ્ટોરાં છે. તમારે ત્યાં જવું હોય તો પહેલેથી બુકિંગ કરાવવું પડે, વૉક-ઇન-કસ્ટમર એ લોકો અલાઉ નથી કરતા.
હું પહેલી વાર યવાચામાં જતો હતો એટલે મને થયું કે જયેશભાઈ ઑર્ડર આપે એમાં જ ભલાઈ છે. મેં મેનુ સામે જોવાને બદલે બાગડોર આપી દીધી જયેશભાઈના હાથમાં અને જયેશભાઈએ લાંબો ઑર્ડર આપી દીધો. રસ્તામાં જ નક્કી કરી લીધું હતું કે યવાચાની ફૂડ-ડ્રાઇવ કરવી છે એટલે જયેશભાઈએ જ જાતજાતનાં સ્ટાર્ટરનો ઑર્ડર કર્યો અને એ પહેલાં સૂપ મગાવ્યો.
વેજિટેબલ હૉટ ઍન્ડ સાર સૂપ. આ સૂપમાં સોય સૉસ હોય. આપણે આ સોય સૉસને સોયા સૉસ કહીએ છીએ પણ એનું સાચું નામ સોય સૉસ છે. સોય સૉસ ચાઇનીઝ-જૅપનીઝ મહત્ત્વની સામગ્રી છે. ચીન અને જપાનમાં સોય સૉસ બનાવવાની રીત યુનિક છે. સોય સૉસ તૈયાર થઈ જાય એટલે એને અમુક સમય સુધી જમીનમાં દાટીને મૅચ્યોર કરે. મૅચ્યોર થયેલો આ સોય સૉસનો સ્વાદ બહુ સરસ હોય છે. બજારમાં મળતા ચીલાચાલુ સોય સૉસમાં આ પ્રોસેસ નથી થતી. મૅચ્યોરિટી માટે એ લોકો કેમિકલ નાખી દે છે, જે સ્વાસ્થ્યને લાંબા ગાળે નુકસાન કરે.
સૂપ પછી આવ્યાં જાતજાતનાં ડમ્પલિંગ. ડમ્પલિંગને સાદી ભાષામાં સમજાવું તો આપણા મોમોઝ. સૌથી પહેલું જે આવ્યું એ હતું ક્રિસ્ટલ ડમ્પલિંગ. 
એને ક્રિસ્ટલ ડમ્પલિંગ શું કામ કહે છે એ જો તમારા મનમાં આવ્યું હોય તો કહી દઉં કે ઉપરનું પડ એટલું પાતળું અને ટ્રાન્સપરન્ટ હોય છે કે અંદર ભરેલી એકેક સામગ્રી તમને ક્રિસ્ટલ ક્લિયર દેખાય. અંદર મકાઈના દાણા, ગાજર અને ઍસ્પરગસ હોય. ઍસ્પરગસ એટલે આપણી શતાવરી, આપણે ગુજરાતી ફૂડમાં એનો વપરાશ નથી કરતા એટલે માર્કેટમાં પણ એ સહેલાઈથી નથી મળતું, પણ હેલ્થ માટે ઍસ્પરગસ બહુ ગુણકારી છે. ક્રિસ્ટલ ડમ્પલિંગમાં નાખેલાં ગાજર, મકાઈના દાણા અને અસ્પાર્ગ્સ અડધાં બાફેલાં હતાં, જેને લીધે તમને એની ક્રન્ચિનેસ સતત ફીલ થયા કરે અને અડધું બફાયેલું હોવાથી એની અરોમા પણ સતત આવ્યા કરે. અદ્ભુત વરાઇટી.
એ પછી આવ્યું પૉચ્ડ પૅકિંગ ડમ્પલિંગ. આ પૉચ્ડ પૅકિંગ ડમ્પલિંગમાં પડ મેંદાનું હતું અને એ ઓપન હોય, સોય સૉસ નાખીને પૉચ્ડ પૅકિંગ ડમ્પલિંગ ખાવાનાં હોય. વાત કરીએ ત્રીજા ડમ્પલિંગની. નામ છે અસ્પાર્ગ્સ ઍન્ડ વૉટરચેસ્ટ નટ ડમ્પલિંગ. 
વૉટરચેસ્ટનટ એટલે આપણા શિંગોડા અને ઍસ્પરગસ તો તમને કહ્યું જ, શતાવરી. અદ્ભૂત ટેસ્ટ. શિંગોડાનો આવો ઉપયોગ થાય એવું તો ક્યારેય વિચાર્યું જ નહોતું. એ પછી અમે ટેસ્ટ કર્યો ટ્રફલ ઍડમામે ડમ્પલિંગ. આ ઍડમામે એટલે આપણા વટાણા અને વાલની વચ્ચેની કોઈ આઇટમ. એ જપાનમાં થાય છે. આપણે વાત આગળ વધારીએ એ પહેલાં તમને એક વાત કહેવાની છે. આ જે બધાં ઇન્ગ્રીડિઅન્ટ્સ છે એમાંથી મોટા ભાગનાં અહીં નથી મળતાં. ઍક્ચ્યુઅલી યવાચાની મેઇન બ્રાન્ચ લંડનમાં છે અને બ્રિટનમાં બહુ પૉપ્યુલર છે. યવાચાની ખાસ વાત કહું તમને. એની ફૂડ-આઇટમમાં ઇન્ગ્રીડિઅન્ટ્સ મૂળ જે દેશનાં હોય ત્યાંથી જ મગાવવામાં આવે છે. જપાનમાં થતાં ઇન્ગ્રીડિઅન્ટ્સ જપાનથી જ આવે અને ચાઇનામાં મળતાં ઇન્ગ્રીડિઅન્ટ્સ ચાઇનાથી જ આવે. આ જ કારણ હશે કે એની એક-એક વરાઇટીનો સ્વાદ દુનિયાઆખીમાં એકસરખો જ રહે છે.
વાત કરીએ ટ્રફલ ઍડમામે ડમ્પલિંગની. તમને કહ્યું એમ, વાલ અને વટાણા જેવા એ દાણાને બાફી, એને ક્રશ કરીને એને મોમોઝમાં ભરવામાં આવે અને એ તમારે ખાવાનું. સાહેબ, શું ટેસ્ટ. અદ્ભુત. ટ્રફલ ઍડમામે પછી અમે ટેસ્ટ કર્યું વેજ કૉરીએન્ડર ડમ્પલિંગ. એમાં કોથમીર અને વેજિટેબલ્સ હતાં, એની ખાસિયત એ હતી કે એ ડમ્પલિંગનો કલર જાંબલી હતો. મને સમજાયું નહીં કે એ રંગ કેવી રીતે આવ્યો અને એ તો એ લોકોની ખાસિયત હતી કે પોતાની રેસિપી કહે નહીં. દેખાવે બ્યુટિફુલ અને સ્વાદ અવ્વલ દરજ્જાનો. 
પછી આવ્યું થ્રી-સ્ટાઇલ મશરૂમ ચુઇંગ ફન. વિશ્વના શ્રેષ્ઠ ક્વૉલિટીના મશરૂમનું ડમ્પલિંગ. સાચું કહું, ડમ્પલિંગ નહીં, આ સ્તરનું મશરૂમ પણ મેં ક્યારેય ટેસ્ટ કર્યું નથી. એ પછી આવ્યું ફ્રાઇડ ટર્નિપ કેક ડમ્પલિંગ. આ ફ્રાઇડ ટર્નિપ એક પ્રકારનું કંદમૂળ છે, જે જપાનમાં ઊગે છે. એને બાફી, ક્રશ કરી એનાં ચોસલાં બનાવવામાં આવે અને એને ફ્રાય કરે. ફ્રાય કરેલાં આ ચોસલાં પર ફ્રાઇડ લસણનો ચૂરો ભભરાવ્યો હોય. લસણ એ સ્તર સુધી ફ્રાય કર્યું હતું કે રીતસર એની કણી તમારા મોઢામાં ફૂટે.
ડમ્પલિંગનો આસ્વાદ માણ્યા પછી અમે ઑર્ડર કર્યો મેઇન કોર્સનો, પણ એ મેઇન કોર્સ માટે અત્યારે અહીં જગ્યા ન હોવાથી એની વાતો પછી ક્યારેક કરીશું, પણ હા, બિલની વાત મારે કરવી છે. અમે ખાવામાં અનેક વરાઇટીઓ મગાવી હતી એટલે નૅચરલી અમારું બિલ લગભગ ૧૧,૦૦૦ રૂપિયાનું આવ્યું, પણ જો તમે રિઝનેબલ રીતે ફૂડ મગાવો તો બે જણનું બિલ અંદાજે ૬૦૦૦ રૂપિયાની આસપાસ આવે એવી મારી ધારણા છે.

ડમ્પલિંગ કિંગ
બે-ચાર ડમ્પલિંગ બાદ જે આઇટમ આવી એ આઇટમ હતી બધા ડમ્પલિંગનો કિંગ, બેક્ડ વેજિટેબલ પફ. સાદી ભાષામાં સમજાવું તો એક જાતનું સમોસું, બેક્ડ સમોસું, પણ એની મજા એ કે એની ઉપરનું પડ શુગર-કોટેડ હોય એટલે તમે ખાઓ ત્યારે તમને સાકરનો ગળ્યો સ્વાદ પણ આવે અને વેજિટેબલનો સ્વાદ પણ મળે. 

Gujarati food indian food mumbai food columnists Sanjay Goradia