સ્વાદ સબર્બનો: બોરીવલી સ્ટેશન પાસે મળતી આ ફૂડ આઇટમ્સ તમે ટ્રાય કરી છે?

16 January, 2022 10:40 AM IST  |  Mumbai | Karan Negandhi

બોરીવલી વેસ્ટમાં સ્ટેશન પાસે આ ચાર જગ્યાઓએ તમારે અચૂક જવું જ જોઈએ

સ્વાદ સબર્બનો

મુંબઈની ખાણીપીણીનો ખરો સ્વાદ માણવો હોય તો તેના માટે સ્ટ્રીટ ફૂડ સિવાય કદાચ જ કોઈ વિકલ્પ મળે. જોકે, કેટલીક જૂની અને જાણીતી રેસ્ટોરાંએ પણ મુંબઈની ખાણીપીણીની સંસ્કૃતિ-સ્વાદ જાળવી રાખ્યા છે અને તેમનો ઇતિહાસ પણ અદ્ભુત તો ખરો જ. બહારગામથી આવનારાઓ માટે મુંબઈના પ્રવેશ દ્વારા સમા બોરીવલીમાં પણ સ્ટેશનની આસપાસ ઘણી જગ્યાઓ છે, જેમણે વર્ષોથી લોકોની પેટપૂજા કરી છે અને જીભના ચટકારાનું પણ ધ્યાન રાખ્યું છે. તો આવો જોઈએ બોરીવલી પશ્ચિમમાં આવેલી કેટલીક એવી જગ્યાઓ જ્યાં તમે પેટ અને મન ભરીને આ સબર્બનો સ્વાદ માણી શકો છો.

૧. પિપાસા (Pipasa)

વેલ જો વાત મુંબઈની ખાણીપીણીની હોય તો શરૂઆત તો વડાપાવથી જ થાયને? બોરીવલી સ્ટેશન પરથી જો તમે મેઇન એન્ટ્રી/એક્ઝિટ પોઈન્ટથી વેસ્ટમાં બહાર આવો તો સામે જ તમને લાલ કલરનું પિપાસા (Pipasa)નું બોર્ડ દેખાશે. અહીંની ત્રણ ખાસિયત છે વડા-સમોસા અને લસ્સી. સવારથી રાતથી સુધી દરેક વખતે ગરમા-ગરમ અને તાજા વડાપાવ-સમોસાપાવનો આનંદ માણી શકશો. ખાસ તો તેની મરાઠી સ્ટાઈલ સૂકી લસણની ચટણી અને તળેલાં મરચાં સાથે વડાની સુગંધ જ તમને ત્યાં વારંવાર જવા મજબૂર કરી દેશે. દુકાનના નામ પ્રમાણે જ ઠંડીઠંડી લસ્સી તમારી પિપાસા (પીવાની ઇચ્છા, તરસ) તૃપ્ત કરનારી છે.

૨. લક્ષ્મી ડાઈનિંગ હૉલ (Laxmi Dining Hall)

મુંબઈમાં અને ખાસ બોરીવલીમાં જો ઓથેન્ટિક ગુજરાતી થાળી ખાવી હોય તો એમ સમજો કે આ જગ્યા તમારા માટે જ છે. બોરીવલી સ્ટેશનથી એસ. વી. રોડ પર ૧૦-૧૫ ડગલાં કાંદિવલી તરફ માંડશો એટલે બરાબર લક્ષ્મી સુધી પહોંચી જશો. છેલ્લાં લગભગ ૨૦ વર્ષથી મળતી આ શુદ્ધ ગુજરાતી થાળીમાં ૩ શાક સહિત ધીવાળી રોટલી અને પૂરી સહિત તમને દાળ પણ તીખી અને મીઠી બંને પ્રકારની મળશે. વાત ગુજરાતી થાળીની હોય એટલે ફરસાણ અને મિષ્ઠાન્ન તો હોય જ. મજાની વાત એ છે કે આ બધુ જ અનલિમિટેડ છે અને ભાવ પણ એકદમ નોર્મલ. ઉપરાંત પ્રોપર બોમ્બે સટાઈલ આઈસ હળવો પણ મળી રહેશે.

૩. સાગર ડાઈનિંગ હૉલ (Sagar Dining Hall)

લક્ષ્મી ડાઈનિંગ હૉલની જ આ બીજી શાખા એમ કહીએ તો કંઈ ખોટું નથી. તફાવત માત્ર એટલો છે કે અહીં પહોંચવા માટે તમારે સ્ટેશનથી કાંદિવલીની જગ્યાએ દહિસર તરફ ૧૫-૨૦ ડગલાં ચાલવું પડશે.  ફૂડની દ્રષ્ટિએ તો બંને સમાન જ છે, પરંતુ જો તમે પરિવાર કે મોટા ગ્રુપ સાથે ગુજરાતી થાળીની જયાફત ઉડાવવા માંગતા હોવ તો લક્ષ્મીની જગ્યાએ સાગરમાં આવવાનું પસંદ કરવા જેવું ખરું જ. ફૂડ સહિત આ જગ્યાની એક બીજી ખાસિયત પણ છે, સ્વાદિષ્ટ વ્યંજનો પરથી તમારી નજર જો દીવાલો પર પડશે તો તમને આજુબાજુ જ્ઞાનસભર કેટલાક શબ્દો પણ નજરે ચડશે. ઉપરાંત પીરસૈયાઓ તમને એવા પ્રેમથી પીરસસે કે ખરેખર ઘરે બેસીને કોઈ પ્રેમ સાથે જમાડતું હોય એવો અનેરો અનુભવ તો ચોક્કસ થશે જ.

૪. રાજેશ આઇસક્રીમ (Rajesh Ice-cream)

જો તમે જમી/નાસ્તો કરીને હવે મોઢું મીઠું કરવા માંગતા હોવ તો એનો વિકલ્પ પણ આ રહ્યો. એસ.વી. રોડ અને એલ.ટી. રોડના ટી જંકશનના કોર્નર પર છેલ્લા ચાર દાયકાથી નાનકડી દુકાનની બહાર રાત્રે મસમોટી ભીડ થાય છે. મલાઈ કુલફી, આ એક જ સ્પેશિયાલિટી અને અનેક ફ્લેવર્સને કારણે લોકો અચૂક અહીં આવે છે. કેસર-પિસ્તા અને મેંગો જેવા કોમન ફ્લેવર્સથી સાવ જુદી પાન ફ્લેવરની આઈસક્રીમ પણ તમને મળશે. બ્લેક કરંટ અને રાસબેરી ફ્લેવરનો સ્વાદ લાંબો સમય સુધી મોઢામાં રાખવાની લાલાશએ તમે ત્રણ-ચાર આઈસક્રીમ ઝાપટી જાવ તો ડઘાઈ નહિ જતાં.

life and style Gujarati food mumbai food borivali