જેટલી નાની જગ્યા એટલું ખાવાનું બેસ્ટ

21 July, 2022 11:40 PM IST  |  Mumbai | Sanjay Goradia

મલાડમાં મામલતદારવાડીમાં આવેલા જય બજરંગબલી ભેળપૂરી હાઉસમાં ગયા પછી મારી આ માન્યતા વધુ એક વાર સ્ટ્રૉન્ગ થઈ

જેટલી નાની જગ્યા એટલું ખાવાનું બેસ્ટ

હમણાં બન્યું એવું કે દીનાનાથ મંગેશકર હૉલમાં મારે ગુજરાતી નાટક ‘ક્યારેક આવું પણ બને’ જોવા જવાનું હતું. નાટક એકાદ મહિના પહેલાં જ ઓપન થયું હતું ત્યારે હું ફિલ્મના શૂટિંગમાં ગુજરાતમાં બિઝી હતો અને મુંબઈ આવીને તરત મારે અમેરિકાની ટૂરની તૈયારીમાં લાગવાનું હતું. અમેરિકા ગયા પછી તો બે મહિના નાટક જોવાનો વારો આવે નહીં એટલે મારે બને એટલું જલદી નાટક જોઈ લેવું હતું. મને ખબર પડી કે દીનાનાથમાં ચૅરિટી શો છે એટલે મેં કહી દીધું કે હું આવું છું. પબ્લિક અને ચૅરિટી એમ બન્ને શોમાં નાટક જોવાનો આનંદ બદલાઈ જતો હોય છે પણ એની ચર્ચા આપણે ક્યારેક મારી સોમવારની કૉલમ ‘જે જીવ્યું એ લખ્યું’માં કરીશું, અહીં તો વાત કરવાની છે આપણે ભૂખની અને સાહેબ, દીનાનાથ પહોંચતા સુધીમાં જે ભૂખ લાગી છે, ન પૂછો વાત.
બન્યું એવું કે એ સમયે હું મારા એક કામસર બોરીવલી હતો. બોરીવલીથી દીનાનાથ જતી વખતે મને થયું કે હાઇવે પર ટ્રાફિક જૅમ હશે એટલે હું એસ. વી. રોડ પર આવ્યો અને માંડ મારાથી મલાડ પહોંચાયું. ભૂખ કહે મારું કામ. દીનાનાથમાં મળતાં બટાટાવડાં મને ભાવે એટલે મેં મનને વાળ્યું હતું કે ત્યાં જઈને એ ખાઈશ પણ રહેવાયું નહીં એટલે મેં તો ગૂગલ મહારાજની આંગળીએ ચેક કરવાનું ચાલુ કર્યું કે બેસ્ટ ભેળપૂરી, પાણીપૂરી ક્યાં મળશે અને ગૂગલ મહારાજે મને આદેશ આપ્યો મામલતદારવાડી જવાનો.
મલાડમાં મામલતદારવાડી બહુ ફેમસ જગ્યા છે. બોરીવલીથી મલાડ તરફ આવો એટલે એસ. વી. રોડની જમણી બાજુની ગલીનો આખો એરિયા મામલતદારવાડી કહેવાય છે. જમણે ગયા પછી થોડે આગળ જતાં લેફ્ટ સાઇડ પર જય બજરંગબલી ભેળપૂરી હાઉસ આવે. મહારાજનું કહેવું હતું કે આ જગ્યા બેસ્ટ છે. હું તો માન્યો ગૂગલ મહારાજની વાત અને ગાડી રોકી સીધો અંદર ગયો. 
જય બજરંગબલી ભેળપૂરી હાઉસ પ્રૉપર દુકાન છે, આપણા ગુજરાતીની જ છે. પહેલાં મેં પાણીપૂરી ચાખી, સરસ હતી. ભાઈ ગુજરાતી હતા એટલે મને મનમાં હતું કે પાણીપૂરી સારી બનાવશે કે નહીં પણ સાહેબ, ખરેખર સરસ. ગરમાગરમ રગડામાં એકદમ તીખું પાણી. પાણીમાં રહેલો ફુદીનો અને મરચાનો ક્રશ કરેલો મસાલો મોઢામાં ફીલ થતો હતો. ખજૂર-આમલીનું પાણી પણ સરસ હતું. ખટાશ માટે હવે ઘણી જગ્યાએ આમચૂર વાપરવામાં આવે છે, ઓરિજિનલ આમચૂર તો પોસાય જ નહીં એટલે માર્કેટમાંથી ખરીદવામાં આવે અને બજારમાં મળતાં મોટા ભાગનાં આમચૂરમાં સાઇટ્રિક ઍસિડનો પાઉડર નાખવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
શુદ્ધતા અને સ્વાદમાં સંતોષ થયો એટલે મેં આપ્યો ભેળનો ઑર્ડર. હવે લોકો પેપર પ્લેટમાં જ ભેળ આપવાનું પસંદ કરે છે પણ અહીં મને ભેળ પાંદડાં પર આપવામાં આવી. ખાખરાના પાનની નીચે એક કાગળ પણ ભેળ આખી પેલા પાન પર. ભેળ તૈયાર થયા પછી એની ઉપર ટમેટાં અને ખારી સિંગ પણ નાખી. આ ખારી સિંગ ભેળ માટે ગેમચેન્જર બની. એની ખારાશ અને એની ક્રન્ચીનેસને લીધે ભેળનો સ્વાદ જ સાવ જુદો થઈ જતો હતો. મજા પડી ગઈ. મને થયું કે હજી કંઈક ખાઈ લેવું જોઈએ એટલે મેં તો ઑર્ડર કર્યો વેજિટેબલ ટોસ્ટ સૅન્ડવિચનો. સૅન્ડવિચમાં જો કોઈ સૌથી અગત્યનું હોય તો એ ચટણી છે અને બજરંગબલીની ચટણી આલા દરજ્જાની. જલસો જ જલસો. ફુદિનાની સ્ટ્રૉન્ગ ફ્લેવર અને મરચાંનો તમતમાટ બોલાવી દે એવી તીખાશ.
મલાડ બાજુએ હો અને મન થાય તો ક્યારેક મામલતદારવાડીમાં જઈને બજરંગબલીની વિઝિટ કરજો. બહુ મજા આવશે. બજરંગબલીમાંથી રવાના થઈ હું દીનાનાથ જતો હતો ત્યારે મારા મનમાં વધુ એક વાર દૃઢતા સાથે એ વાત સ્ટોર થઈ કે જેટલી નાની જગ્યા એટલું જ ખાવાનું શ્રેષ્ઠ.

Gujarati food mumbai food indian food Sanjay Goradia columnists