પાઉડર ચટણી આ વડાપાંઉમાં ચાર ચાંદ લગાડે છે

25 March, 2021 11:30 AM IST  |  Mumbai | Sanjay Goradia

પાઉડર ચટણીમાં વાટેલા લસણનો સ્વાદ આવે અને લસણની સોડમ પણ એકધારી વહ્યા કરે એવું મજેદાર વડાપાંઉ

પાઉડર ચટણી આ વડાપાંઉમાં ચાર ચાંદ લગાડે છે

મિત્રો, આપણી વડાપાંઉની ટૂર આગળ વધારીએ. ગયા વખતે આપણે વાત કરી બોરીવલીના મંગેશનાં વડાપાંઉની, હવે આ વખતે વાત કરવાની છે પાર્લાના શ્રી સ્વામી વડાપાંઉની.
પાર્લા (ઈસ્ટ) આમ તો મરાઠીઓનું હબ ગણાય અને ખાસ કરીને વડાપાંઉની બાબતમાં. તમને ઑથેન્ટિક અને ટિપિકલ મરાઠી સ્ટાઇલનાં વડાપાંઉ અહીં મળે. અગાઉ પાર્લામાં પાર્લેશ્વરનાં વડાપાંઉ બહુ પૉપ્યુલર હતાં પણ એ તો હવે બંધ થઈ ગયાં છે. આ ઉપરાંત બાબુનાં વડાપાંઉ પણ બહુ પૉપ્યુલર છે, પણ એની વાત આપણે આવતા ગુરુવારે કરીશું.
આજે આપણે વાત કરવાની છે દીનાનાથ મંગેશકર હૉલની એક્ઝૅક્ટ નીચે મળતાં વડાપાંઉની. દીનાનાથ હૉલની બરાબર નીચે એક ટેલિફોન-બૂથ છે. પહેલાં એ એસટીડી-પીસીઓ જ હતું. એના પર આજે પણ પીસીઓ લખેલું વંચાય છે પણ હવે એ બૂથમાં ફોન કરવા નથી મળતા, હવે એ બૂથમાં મા-દીકરો ‘શ્રી સ્વામી વડાપાંઉ’ના નામે વડાપાંઉ વેચે છે. અદ્ભુત વડાં, અદ્ભુત પાંઉ. ગ્રીન ચટણી, મીઠી ચટણી અને એ બધાથી એક વેંત ચડે એવી આપણી પેલી કહીએ છીએ એ પાઉડર ચટણી. સિમ્પ્લી સુપર્બ. વાટેલા લસણનો સ્વાદ તમને આવે અને સાથોસાથ એની તીખાશ પણ તમારા જીભના ટેરવા પર તમતમાટ કરે. હું કહીશ કે આ પાઉડર ચટણી વડાપાંઉને ચાર ચાંદ લગાડવાનું કામ કરે છે.
બૂથની પાછળ જ ગરમાગરમ વડાં બનતાં જતાં હોય અને એ જ તમને અપાતાં રહે. ગિરદી એટલે જબરદસ્ત ગિરદી. તમારે વડાપાંઉ માટે પાંચેક મિનિટ રાહ જોવી જ પડે અને મજાની વાત એ કે ખાવાવાળા કરતાં અહીં ડિલિવરી લેવાવાળાની બહુ મોટી લાઇન હોય છે. સ્વિ ગી અને ઝોમૅટો સિવાય પણ આજુબાજુમાંથી લેવા આવતા છોકરાઓ પણ કલબલ-કલબલ કરતાં જ હોય પણ એ કલબલ વચ્ચે વડાપાંઉ મોઢામાં જાય એટલે સાતેય કોઠે દીવા થાય. મિત્રો, ક્યારેય પણ પાર્લા (ઈસ્ટ) સાઇડ જવાનું થાય તો દીનાનાથ મંગેશકર હૉલની નીચે મળતાં આ વડાપાંઉનો સ્વાદ માણવાનું ચૂકતા નહીં. કિંમત માત્ર તેર રૂપિયા અને ટેસડો તેરસોનો.

Sanjay Goradia columnists Gujarati food indian food mumbai food