સ્વાદ, શુદ્ધતાનો જલસો જ જલસો

18 November, 2021 06:36 PM IST  |  Mumbai | Sanjay Goradia

પાણીપૂરી, ભેળ અને એવી જે કોઈ વરાઇટી છે એની સામગ્રીની પહેલી અને મહત્ત્વની શરત એ કે બધું ઓરિજિનલ વપરાવું જોઈએ. પાર્લા ઈસ્ટના સુભાષ રોડ નાકાનો સેન્ડી આ વાતનું પર્ફેક્ટ ધ્યાન રાખે છે

સ્વાદ, શુદ્ધતાનો જલસો જ જલસો

વેબ-સિરીઝ ‘ગોટી સોડા’ના કારણે હમણાં શેમારુમાં મીટિંગ ચાલ્યા કરતી હોય છે. આવી જ એક મીટિંગ પતાવીને સાંજે સાડાછએ હું મરોલથી નીકળ્યો. ઘરે પહોંચવાની ઉતાવળ હતી પણ ભૂખ કહે, ઘરે પહોંચવા ન દઉં તને અને આ વખતની ફૂડ-ડ્રાઇવનું ટેન્શન પણ અકબંધ હતું. મેં તરત નિર્ણય લીધો, પેટપૂજા અને ફૂડ-ડ્રાઇવ કરી લેવી.
મેં ફોન કર્યો અંધેરીમાં રહેતા મારા મિત્ર અને ઍક્ટર મનીષ પોપટને. મનીષે મારાં ઘણાં નાટકોમાં કામ કર્યું છે અને અત્યારે ચાલતા ‘દે તાળી, કોના બાપની દિવાળી’માં પણ એ છે. મનીષ પહેલાં પાર્લા ઈસ્ટમાં રહેતો અને હું જ્યાં હતો ત્યાંથી મને પાર્લા ઈસ્ટ અને અંધેરી ઈસ્ટ નજીક પડે. મનીષને મેં ફોન કર્યો એટલે મનીષે મને કહ્યું કે પાર્લા ઈસ્ટમાં સુભાષ રોડ પર જે સુભાષ ચોક છે (જેને ઘણા સુભાષ રોડ નાકા તરીકે પણ ઓળખે છે) ત્યાં પાણીપૂરી-ભેળપૂરીવાળો સેન્ડી બહુ ફેમસ છે. મજા પડી જાય એવી પાણીપૂરી, દહીંપૂરીથી માંડીને સૅન્ડવિચ, ટોસ્ટ સૅન્ડવિચ તમને મળશે. 
આપણે તો ઊપડ્યા સીધા સુભાષ ચોક. ચોકમાં એક બાજુએ બ્લુ અને વાઇટ કલરની મોટી છત્રી લઈને એક છોકરો ઊભો હતો. પહેલાં તો મેં ભેળ મગાવી અને પછી સેવપૂરી ખાધી. રેગ્યુલર સેવપૂરી જેવી સેવપૂરી તો અહીં મળે જ છે પણ અહીં પાણીપૂરીની પૂરીમાં બટાટાનું પૂરણ, કાંદા, બધી ચટણી અને ઉપર સેવ નાખીને પણ સેવપૂરી આપે છે. એ અદ્ભુત લાગે છે. આ પ્રકારની સેવપૂરી ગુજરાતમાં બહુ મળે છે. એ ખાતાં-ખાતાં મને ગુજરાતની યાદ આવી ગઈ. એ પછી દહીં-બટાટા પૂરી મગાવી. એ પણ બહુ સરસ હતી. આ દહીં-બટાટા પૂરીને વન-અપ આપવાનું કામ એનું દહીં કરતું હતું. દહીં એકદમ ક્રીમી અને સહેજ ગળપણવાળું પણ સાહેબ, મને જો સૌથી વધારે કોઈ વરાઇટી ભાવી હોય તો એ છે અહીંની પાણીપૂરી.
પ્યૉર ખજૂર-આંબલીની ચટણી હોવાને લીધે ખજૂરની આછી અરોમા તમને એમાંથી આવ્યા કરે તો ફુદીનાના પાણીની તીખાશ પણ એવી નહીં કે તમે કલાક સુધી સિસકારા બોલાવ્યા કરો. પાણીપૂરીમાં સૌથી વધુ અગત્યનું કશું હોય તો એ ફુદીનાનું પાણી છે. પાણીમાં કૉમ્પ્રોમાઇઝ કરે એની પાણીપૂરી કોઈ કાળે ચાલે નહીં. 
ખજૂરની જે ચટણી હોય એમાં આંબલી જ નાખવી પડે, આંબલીને બદલે જો એમાં આમચૂર કે લીંબુનાં ફૂલ નાખો તો મજા બગડી જાય. સહેજ ચટાકો આવે પણ લાંબે ગાળે એ નુકસાન કરે અને એ ચટણીનો સ્વાદ પણ બેચાર કલાક પછી બદલાઈ જાય. તીખાશ પણ હંમેશાં ઓરિજિનલ હોવી જોઈએ. આજકાલ તીખાશ માટે લોકો સલ્ફ્યુરિક ઍસિડના પાઉડરનો ઉપયોગ કરે છે, જેની તીખાશ એક-બે કલાક પછી પણ સિસકારા બોલાવડાવે તો લાંબા ગાળે અલ્સર થવાની શક્યતા પણ રહે એટલે ઓરિજિનલ તીખાશનો જ આગ્રહ રાખવો જોઈએ. અહીં જે તીખાશ હતી એ મરચાંની જ હતી, મેં એ મરચાં પણ જોયાં. એ મરચાંની ખુશ્બૂમાં જ તીખાશ હતી.
આ લારી જે ચલાવે છે એ સેન્ડીના ફાધરે પાંત્રીસ વર્ષ પહેલાં લારીની શરૂઆત કરી હતી. આજે પાર્લા ઈસ્ટમાં આ લારી ઉપરાંત તેની બીજી બે દુકાન પણ છે, જે દેખાડે છે કે એ કેટલો ફેમસ છે. મેં બીજી પણ એક વાત નોટિસ કરી કે તેને ત્યાં જે કોઈ આવતા હતા એ બધા સેન્ડીના રેગ્યુલર કસ્ટમર હતા અને એટલે એ સેન્ડીને ઓળખતા હતા. એકાદ-બે તો ‘મિડ-ડે’ના વાચકો પણ નીકળ્યા જે આ ફૂડ-ડ્રાઇવ પણ નિયમિત વાંચે છે અને તેમને મજા પણ આવે છે. અફલાતુન સ્વાદ અને હટકે વખાણ મળે પછી બીજું શું જોઈએ?
આપણું પેટ ભરાઈ ગયું પણ જો આ વાંચીને તમારો જઠરાગ્નિ પ્રજ્વલિત થયો હોય તો ઍડ્રેસ મનમાં નોંધી લેજો. પાર્લા ઈસ્ટ, સુભાષ નાકું. સ્વાદ અને શુદ્ધતાનો જલસો જ જલસો.

Sanjay Goradia columnists Gujarati food mumbai food indian food