Sunday Snacks: ચાટનું ઇટાલિયન ફ્યૂઝન લોકોની જીભે ચડાવ્યું છે બોરીવલીના આ ગુજરાતી યુવકે

24 December, 2022 11:30 AM IST  |  Mumbai | Karan Negandhi

આજે ટ્રાય કરો બોરીવલીની સ્પેશિયલ ફ્યૂઝન ચાટ આઈટમ

શ્રીજીસ ધ ફ્યૂઝન કિચન

વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.

આજકાલ બધી જ વાનગીઓમાં ચીઝ નાખવાની પ્રથા થઈ ગઈ છે. સેન્ડવીચથી સેવપુરી સુધી તમામ આઇટમ ચીઝ વગર તો અધૂરી લાગે છે. એટલે જ તો દરેક ગલીએ સ્ટૉલ્સ પર આઇટમ ભલે જે પણ મળતી હોય, પરંતુ ચીઝ સાથેનો વિકલ્પ તો ઉપલબ્ધ હોય જ છે. હવે ચાટ આઇટમમાં ચીઝનો ટચ કોઈ નવી વાત નથી, પણ જો તમને ચાટ આઇટમનું ઇટાલિયન અને મેક્સિકન ફ્યૂઝન મળે તો? એ ખરેખર કંઈક નવું હશે. તો ચાલો આજે એક એવા જ સ્ટૉલની મુલાકાત લઈએ જ્યાં મળે છે ફ્યૂઝન ચાટ.

આપણું આજનું ડેસ્ટિનેશન છે બોરીવલી વેસ્ટ (Borivali West)માં પ્રબોધન ઠાકરે નાટ્યગૃહ પાસે એસ.વી.પી. રોડ પર આવેલું શ્રીજીસ ધ ફ્યૂઝન કિચન (Shreeji’s The Fusion Kitchen). અહીં તમારી સ્વાદેન્દ્રિયએ માત્ર ચીઝના સ્વાદથી સંતોષ નહીં માની લેવો પડે - કંઈક નવું મળશે. આ સ્ટૉલ પર તમને પાણીપુરી, સેવપુરી અને ભેળના અઢળક ફ્યૂઝન મળશે. સેવપુરીમાં ઇટાલિયન ફૂસકી, મેક્સિકન ફૂસકી, જંગલી સેવપુરી, પનીની, દિલખુશ, એક્સ્ટ્રાવેગેન્ઝા જેવા અવનવા સ્વાદ મળે છે. તો પાણીપુરીમાં આઈસ પાણીપુરી અને પિત્ઝા પંચનો વિકલ્પ છે. આવી જ રીતે ભેળમાં પણ ભેળસેળ કરી નવો સ્વાદ પીરસાય છે.

જો તમને સ્પાઇસી ખાવું હોય તો એક્સ્ટ્રાવેગેન્ઝા બેસ્ટ ઑપ્શન અને મસ્ટ ટ્રાય આઈટમ છે. સેવપુરી પર જેલેપીનો, ઑલિવ્સ, કૉર્ન, કેપ્સિકમ અને ઓનિયન જેવા ચોપ્ડ વેજિટેબલ્સ નાખી પછી ઉપર પનીરના ટુકડા બિરાજે. તેની ઉપર હરિસા સૉસ નાખવામાં આવે, જે તેમની સ્પેશિયલ રેસિપી છે. પછી ટોમેટો સૉસ નાખી તેની ઉપર થાય ફાયર. ચીઝ ખમણી તેને મેલ્ટ કરવા માટે ફરી ફાયર યુઝ થાય અને છેલ્લે થાઉઝન્ડ ડીપ સૉસ સાથે સર્વ થાય એક્સ્ટ્રાવેગેન્ઝા.

સ્વાદના મામલે આ આઈટમ ક્યાંય પાછી પડતી નથી. વેજિસ અને પનીરનું કોમ્બિનેશન તો સારો ટેસ્ટ આપે જ છે, પણ મેઇન સ્વાદ છે તેના સૉસિઝમાં. એક ખાસ વાત એ છે કે તેઓ સૉસ જાતે જ બનાવે છે અને લગભગ દરરોજ. એટલે સૉસને ટકાવી રાખવા માટે કોઈપણ પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ કરાતો નથી, જેને કારણે સૉસમાં કોઈ બિનજરૂરી ખટાશ લાગતી નથી. શ્રીજી ધ ફ્યૂઝન કિચનની આ બધી જ રેસિપી તૈયાર કરી છે ઑનર મહુલ પટેલે. પહેલાં તો તેમણે આઇટી સેક્ટરમાં ઝંપલાવ્યું હતું, પરંતુ પછી પિતાના ફૂડ બિઝનેસમાં આવવાનું નક્કી કર્યું. મેહુલભાઈએ હૉટેલ મેનેજમેન્ટનો અભ્યાસ પણ કર્યો છે.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં તેઓ કહે છે કે “વર્ષ ૨૦૧૧માં અમે રેગ્યુલર ચાટ આઈટમ બનાવતા હતા. બાજુમાં જ પપ્પાનો વર્ષો જૂનો ગોલાનો બિઝનેસ. મેં પપ્પાને ચીઝ દહીંપુરીનો આઇડિયા સંભળાવ્યો પણ તેમને બહુ ગમ્યો નહીં. એટલે પપ્પા સાથે મારી ચેલેન્જ લાગી કે તમે એક મહિનો મને સ્ટૉલ ચલાવવા આપો જો ન ચાલે તો તમે કહો તેમ કરીશું. બસ ત્યારથી જ અમે નવી-નવી આઇટમો ઉમેરીએ છીએ. આજે પણ એ મહિનો હજી પૂરો થયો નથી.”

શ્રીજી ફ્યૂઝન કિચનના રેગ્યુલર ગ્રાહક સાંતાક્રુઝમાં રહેતા આશિષ શાહે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “હું જ્યારે પણ કોઈ કારણસર બોરીવલી આવું ત્યારે શ્રીજીમાં આવવાનું નક્કી હોય. મને તો અહીંની બધી જ આઈટમ ભાવે છે એટલે હું ક્યારેય ઑર્ડર આપતો નથી, બસ તેમને જ કહું છું કે આજે શું ખવડાવશો? અને તેઓ જ કંઈક નવું ટ્રાય કરાવે છે.”

આ પણ વાંચો: Sunday Snacks: જાણો દાબેલીનું પારસી કનેક્શન તથા માણો ઠાકુર વિલેજની યુનિક દાબેલી

બપોરે ત્રણ વાગ્યાથી રાત્રે ૧૦.૩૦-૧૧ વાગ્યા સુધી આ કિચન ખુલ્લુ હોય છે. તો હવે રવિવારે તેની ચોક્કસ મુલાકાત લેજો. ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

sunday snacks Gujarati food mumbai food indian food borivali karan negandhi