સમર સ્ટાર્ટર

07 April, 2022 03:17 PM IST  |  Mumbai | Varsha Chitaliya

લગ્નવિધિ દરમિયાન મહેમાનોની વચ્ચે રોટેટ થતાં બાઇટિંગ્સમાં ઇન્ડિયન ટેસ્ટ સાથે મેક્સિકન, ઇટાલિયન, જૅપનીઝ, બર્મીઝ, લેબનીઝ આઇટમનું કૉમ્બિનેશન ટ્રેન્ડમાં છે

મેક્સિકન શોટ્સ

લગ્નવિધિ દરમિયાન મહેમાનોની વચ્ચે રોટેટ થતાં બાઇટિંગ્સમાં ઇન્ડિયન ટેસ્ટ સાથે મેક્સિકન, ઇટાલિયન, જૅપનીઝ, બર્મીઝ, લેબનીઝ આઇટમનું કૉમ્બિનેશન ટ્રેન્ડમાં છે. હમસ પાણીપૂરી વિથ ગ્વાવા ચિલી શૉટ, અરાન્ચિની, કુલ્હડ પીત્ઝા, શાંઘાઈ બૉલ્સ, ટોસ્ટાડા, ચારમુલા જેવાં ન્યુ ઍડિશન છે 

લગ્નસરાની સીઝન પુરબહારમાં ચાલી રહી છે ત્યારે યજમાનો પણ પ્રસંગમાં આવેલા મહેમાનોને જુદી-જુદી વાનગીઓ ખવડાવવાના મૂડમાં છે. બુફે ડિનરની રંગત કેવી હશે એનો અંદાજો લગ્નવિધિ દરમિયાન મહેમાનોની વચ્ચે રોટેટ થતાં સ્ટાર્ટર અથવા બાઇટિંગ્સની અનોખી વરાઇટી જોઈને આવી જાય છે. દરેક એજ ગ્રુપના ગેસ્ટને પસંદ પડે એવાં બાઇટિંગ્સ ચૉઇસ કરતી વખતે ડિશ નવી હોવી જોઈએ એવો આગ્રહ હરકોઈ રાખે છે. સામાન્ય રીતે કોઈ પણ લગ્નમાં ડેકોરેશન અને ફૂડ પાછળ હાઇએસ્ટ ખર્ચ કરવામાં આવે છે ત્યારે રોટેટ થતી આઇટમમાં કેટરિંગ સર્વિસવાળા નવું શું લાવ્યા છે એ જોઈએ. 

બાઇટિંગ્સમાં ફ્યુઝન
લગ્નની મુખ્ય વિધિ માણવામાં ફૅમિલી મેમ્બરો અને નજીકનાં સગાંઓને જ રસ પડે છે. બાકીના મહેમાનોને ​એકબીજાને હળવા-મળવામાં અને સ્ટાર્ટર ચાખવામાં વધુ ઇન્ટરેસ્ટ હોય છે તેથી યજમાનો આ આઇટમ પર ખાસ ભાર મૂકે છે. ફૂડ બ્લૉગ્સ અને ફૂડ ટ્રાવેલ શોની પૉપ્યુલારિટીના લીધે હવે લોકોને નવી ડિશ ટેસ્ટ કરવી ગમે છે. હાલમાં ઇન્ડિયન ટેસ્ટ સાથે ઇટાલિયન, મેક્સિકન, બર્મીઝ, જૅપનીઝ, મિડલ ઈસ્ટના ટેસ્ટને મિક્સ કરી નવી આઇટમ ઇન્ટ્રોડ્યુસ કરવાનો ટ્રેન્ડ ચાલે છે. રોટેશન માટે પસંદ કરવામાં આવતી પાંચ આઇટમમાંથી ત્રણ નવી હોવી જોઈએ એવી ડિમાન્ડના કારણે દર વખતે નવું ક્રીએશન ઍડ કરતા રહીએ એવી વાત કરતાં માટુંગાસ્થિત ગાલા કેટરર્સના રાજેશ ગાલા કહે છે, ‘આ સીઝનમાં અમે લોકોએ અઢળક એક્સપરિમેન્ટ્સ કર્યા છે અને પબ્લિકનો રિસ્પૉન્સ પણ સારો મળી રહ્યો છે. હમસ પાણીપૂરી વિથ ગ્વાવા ચિલી શૉટ, કુલ્હડ પીત્ઝા, ખીચું-રસમ શૉટ, ગ્વાકામોલ વૉલવન્ટેન્ટ્સ, બર્મીઝ વાટી જેવાં બાઇટિંગ્સ જબરદસ્ત હિટ થયાં છે. ઘણા લોકો એવું માને છે કે આ બધી આઇટમો માત્ર યુવાવર્ગને ભાવે, પરંતુ આ માન્યતા ખોટી છે. ખાણીપીણીની શોખીન ગુજરાતી-મારવાડી પ્રજા ફૂડમાં એક્સપરિમેન્ટ કરવામાં અવ્વલ છે. બાઇટિંગ્સની વાત આવે ત્યારે સાઠ વર્ષની ઉંમરના મહેમાનો પણ યંગ જ કહેવાય.’

બોરીવલીસ્થિત મસ્તી, મસાલા મસ્તી અને મસાલા ફ્યુઝન નામની રેસ્ટોરન્ટ્સ ધરાવતા જે. કે. આર. ફૂડ્સ કેટરિંગના કુણાલ અને રોહન જંબુસરિયાએ પૅન ઇન્ડિયામાં સાડાત્રણસો જેટલી ઇવેન્ટ્સમાં મેનુ ઑર્ગેનાઇઝ કર્યું છે. લેટેસ્ટ ટ્રેન્ડમાં દરેક પ્રકારનાં બાઇટિંગ્સમાં ફ્યુઝન ટૉપ પર છે એવી વાત કરતાં તેઓ કહે છે, ‘અમારું ફોકસ ઓપન ગ્રાઉન્ડ અને આઉટડોર ઇવેન્ટ્સ પર વધુ હોય છે. ક્રાઉડને નજરમાં રાખી મેનુમાં વાઇડ રેન્જ ઍડ કરી છે. અંદાજે એક હજાર વાનગીઓનું લિસ્ટ છે જેમાંથી સો કરતાં વધુ બાઇટિંગ્સ છે. ફૂડમાં પબ્લિકને નવું જોઈએ છે તેથી દર સીઝનમાં ન્યુ ક્રીએશન ઍડ થતાં રહે છે. અત્યારે મેક્સિકન, લેબનીઝ, ઇટાલિયન સ્ટાર્ટર મોસ્ટ પૉપ્યુલર આઇટમ છે. આ સીઝનમાં અમે લોકો અરાન્ચિની, ચાઇનીઝ સિગાર, કેસેડિયા ઍન્ડ ટોસ્ટાડા, શાંઘાઈ ચીઝ બૉલ્સ, આલૂ ચીઝ કબાબ, ચારમુલા, અમ્રિતસરી કૉટેજ ચીઝ ટિક્કા, મેક્સિકન શૉટ્સ જેવી એકદમ હટકે વરાઇટી લઈને આવ્યા છીએ.’ 

ન્યુ ક્રીએશન
નવા ક્રીએશનના ટેસ્ટ અને પ્રેઝન્ટેશન વિશે વાત કરતાં કુણાલભાઈ કહે છે, ‘અરાન્ચિની ઇટાલિયન આઇટમ છે. આઉટર લેયરમાં બ્રેડ ક્રમ્બ્સ સાથે રિસોટો રાઇસનાં વડાં બનાવવામાં આવે છે. એમાં ચિલી મેયો ડિપ, હર્બ સૉસ વગેરે ઍડ કરવામાં આવે છે. શેપ પણ ફૅન્સી હોવાથી પબ્લિકને આકર્ષે છે. મેક્સિકન ક્વિઝીન હવે લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. મેક્સિકન શૉટ્સમાં જુદા-જુદા બીન્સને બેક કરી સાલ્સા, સાર ક્રીમ, ઑરેન્જ ચેડર ચીઝ, ઑલિવ, ચિલી મેયો ડિપ અને બેલ પેપર​ મિક્સ કરીને શૉટ્સ બને છે. ટોસ્ટાડા પણ મેક્સિકન આઇટમ છે. મેક્સિકન રાઇસ, ફ્રાઇડ બીન્સ, સાર ક્રીમ, બેલ પેપર, ઑરેન્જ ચીઝ જેવી ૧૦ વસ્તુને ઍડ કરી કૉર્ન કૅનેપીમાં સર્વ થાય. જોતાંવેંત મોઢામાં પાણી આવી જાય એવું મજાનું બાઇટિંગ છે. ચાઇનીઝ સિગાર ઇન્ડિયન પબ્લિકના ટેસ્ટને અનુરૂપ છે. જુદા-જુદા વેજિટેબલ્સ, નૂડલ્સને સિગાર ફૉર્મમાં અરેન્જ કરવામાં આવે છે. શેઝવાન સૉસમાં ડિપ કરીને ખાવાથી મસ્ત લાગે છે. શાંઘાઈ ચીઝ બૉલ્સમાં વપરાતા સૉસમાં નવું ટ્રાય કર્યું છે. ચીઝ બૉલ્સને જુદા-જુદા ઇનહાઉસ સૉસમાં ટોસ્ટ કરીને સર્વ કરવામાં આવે છે. આ બધાં બાઇટિંગ્સ ખાસ્સાં હિટ થયાં છે. ઇન્ટરનૅશનલ ફ્યુઝનની સાથે એકાદ ટ્રેડિશનલ આઇટમ પણ હોવી જોઈએ. અમ્રિતસરી કૉટેજ પ્રૉપર નૉર્થ ઇન્ડિયન બાઇટિંગ છે. આલૂ ચીઝ કબાબ પણ લોકોને ખૂબ ભાવે છે.’

પ્રેઝન્ટેશન પણ હટકે
નવી વરાઇટીના સ્વાદ અને પ્રેઝન્ટેશન વિશે જણાવતાં રાજેશભાઈ કહે છે, ‘હમસ પાણીપૂરીમાં ઇન્ડિયન અને મિડલ ઈસ્ટનું કૉમ્બિનેશન છે. પૂરીની અંદર ચણા-મગ જેવી પરંપરાગત વાનગીઓનો મસાલો ભરી એના પર ચટણી અને હમસ ઍડ કરવામાં આવે છે. હમસ પાણીપૂરી ફ્લેવરનું હોય જેથી ઇન્ડિયન ટેસ્ટ જળવાઈ રહે. મોઢામાં પૂરી મૂક્યા બાદ પેરું-મરચાંમાંથી બનાવેલું તીખું પાણી વન શૉટમાં પી જવાનું. ટેસડો પડી જાય એવી મજાની ડિશ છે. રસમ-ખીચું શૉટ બધાને ભાવે એવી વરાઇટી છે. આપણે ખીચું ખાઈએ છીએ એના બૉલ્સ બનાવી સ્પેશ્યલ મસાલામાં ડુબાડી, ટૂથપિકમાં ભરાવી રસમના ગ્લાસ પર ગોઠવીને સર્વ કરવામાં આવે છે. ખીચું ખાઈને ઉપરથી રસમ પી જવાનું. આ પણ નવી આઇટમ છે. ગ્વાકામોલ બાઇટિંગમાં અવાકાડો હોય છે. ટમેટો, ચિલી વગેરે શાકભાજીનો મસાલો બનાવી અવાકાડોમાં ફિલિંગ કરી ઉપરથી ચીઝ ભભરાવી બેક કરવામાં આવે છે. પ્રેઝન્ટેશન વાઇઝ આ આઇટમ અનોખી છે અને સ્વાદ પણ માણવા જેવો છે. જુદા-જુદા સૉસનું ઍડિશન અને બેક કરવાની રીત કુલ્હડ પીત્ઝાને સ્પેશ્યલ ડિશ બનાવે છે. મૅરિનેટેડ પનીરમાં પણ કેટલાક એક્સપરિમેન્ટ્સ કર્યા છે. એના પર ફ્રેશ પીત્ઝાના ડ્યુ લગાવી બેક કરી સર્વ કરવામાં આવે છે. પ્રેઝન્ટેશન જોઈને મહેમાનો નવી આઇટમ ચાખવા પ્રેરાય છે. જોકે કૉકટેલ સમોસા, ચીઝ કૉર્ન બૉલ્સ, પનીર તેમ જ આલૂમાંથી બનતાં બા​ઇટિંગ્સ પણ રાખવાં પડે, કારણ કે લોકો સૌથી વધુ એ જ ખાય છે.’

mumbai food life and style columnists Varsha Chitaliya