વરાળથી સાબુદાણા પાકે એટલે એનો એકેક દાણો સ્વાદમાં સરખો લાગે

02 September, 2021 04:12 PM IST  |  Mumbai | Sanjay Goradia

ઇન્દોર સ્ટાઇલના પૌંઆ તો તમે ટેસ્ટ કર્યા હશે, પણ એ જ સ્ટાઇલની સાબુદાણાની ખીચડી ટેસ્ટ કરવી હોય તો ઓલ્ડ નાગરદાસ રોડ પરના શ્રી સાંવરિયામાં જવું પડે

વરાળથી સાબુદાણા પાકે એટલે એનો એકેક દાણો સ્વાદમાં સરખો લાગે

ફ્રેન્ડ્સ ગયા અઠવાડિયે આપણે અંધેરી-ઈસ્ટના ઓલ્ડ નાગરદાસ રોડ પર સૅલડનો ટેસ્ટ કર્યો અને આ અઠ‌વાડિયે પણ આપણે એ જ એરિયામાં રહેવાનું છે. ઓલ્ડ નાગરદાસ રોડ પર જ તમને મજા પડી જાય એવી વરાઇટી મળી જવી એ યોગાનુયોગ માત્ર છે. એમાં બન્યું એવું કે મંગળવારે હું અને મારો રાઇટર-ફ્રેન્ડ રાહુલ પટેલ, અમે બન્ને શેમારુમાં મીટિંગ માટે ગયા. મારા હોમ પ્રોડક્શનમાં બનતી પહેલી વેબ સીરિઝનો રાઇટર આ રાહુલ જ છે. રાહુલે ઘણા ટીવી શો લખ્યા છે, ખૂબ ટેલન્ટેડ રાઇટર છે. એનીવેઝ, અમે મ‌ીટિંગ પૂરી કરીને બન્ને નીકળ્યા ત્યારે વાગી ગયો હતો બપોરના અઢી. મેં રાહુલને કહ્યું કે હવે લંચ-ટાઇમ જ છે તો ચાલ, ક્યાંક લંચ કરીએ...પણ રાહુલે ના પાડતાં કહ્યું કે ના, આજે તમે નહીં પણ હું તમને સરસ જગ્યાએ લઈ જઉં.
- અને રાહુલ મને ઓલ્ડ નાગરદાસ રોડ પર લઈ ગયો. 
આ વાત થઈ યોગાનુયોગની. હવે આવી જઈએ આપણે ફરીથી આપણી ફૂડ ડ્રાઇવ પર. ઓલ્ડ નાગરદાસ રોડ પર તમે જેવા દાખલ થાઓ કે તમારી રાઇટ સાઇડ પર ચિનાઈ કૉલેજ આવે. આ ચિનાઈ કૉલેજની સામે રસ્તા પર સાબુદાણાની ખીચડીવાળો બેસે છે. સાચું કહું, સાબુદાણાની ખીચડી જોઈને મારો મૂડ મરી ગયો હતો. મને થયું કે શું આવી ખીચડી-બીચડી ખાવાની, પણ મન મારીને મેં મનોમન નક્કી કર્યું કે અત્યારે ચૂપચાપ ખાઈ રવાના થઈ જાઓ, પછી આગળ ક્યાંક સરસ જગ્યાએ જમી લઈશ...પણ સાહેબ, આપણે ખોટા પડ્યા. ખીચડી અદ્ભુત એવી કે ન પૂછો વાત, બસ ખાઈને જ અનુભવ થઈ શકે એનો. સાબુદાણાની એક ખાસિયત છે, એનો એકેક દાણો સરખો પલળવો જોઈએ. જો અમુક દાણાઓ વધારે પલળી જાય અને અમુક બરાબર ન પલળ્યા હોય તો એ ખાવાની મજા ન આવે, પણ શ્રી સાંવરિયા સાબુદાણા ખીચડીને આ વાત લાગુ નથી પડતી.
એકદમ સૉફ્ટ, એકબીજામાં ઓતપ્રોત થઈ ગયા હોય એવા અને એ પછી પણ રીતસર એકબીજાથી છૂટા પડી જાય એવા સાબુદાણા. નામ પૂરતાં કહી શકાય એટલાં બટેટાં. આપણે ત્યાં કહે સાબુદાણાની ખીચડી, પણ એમાં એટલા બટાટા નાખ્યા હોય કે આપણને એવું લાગે કે બટાટાનું નામ પણ ન લો તો બટાટાને માઠું નહીં લાગતું હોય. રામજાણે, ના, બટાટા જાણે. શ્રી સાંવરિયાની ખીચડીમાં એવું નથી બન્યું એ સારી વાત છે. સાબુદાણાની આ ખીચડી પર ઇન્દોરથી ખાસ મગાવવામાં આવતો ફરાળી ચેવડો પણ નાખવામાં આવે છે. એકચ્યુઅલી આ જે ખીચડી છે એ પણ ઇન્દોરી સ્ટાઇલની છે.
ઇન્દોર જ નહીં, આખા મધ્ય પ્રદેશમાં સવારનો ફેવરિટ નાસ્તો જો કોઈ હોય તો એ પૌંઆ છે. આ પૌંઆને નીચેથી વરાળ આપી એને પકવવામાં આવે છે અને એવી જ રીતે સાબુદાણાની ખીચડીને પણ વરાળથી પકવવામાં આવે છે. આ એની પહેલી અને મોટી ખાસિયત. હવે વાત કરીએ બીજી ખાસિયતની. આ બીજી ખાસિયત એટલે ઇન્દોરી લાલ મસાલા. હા, લાલ રંગના આ મસાલામાં લવિંગ, કાળા મરી, સીંધાલૂણ, ઇલાયચી જેવી વરાઇટી નાખવામાં આવી હોય છે. એનો જે લાલ રંગ છે એ ખાંડેલા તજને આભારી છે. આ જે મસાલો છે એ મસાલો ખીચડીને ચાર ચાંદ લગાવે છે.
સૌથી સારી વાત કહું તમને. આ ખીચડી બનાવતી વખતે ક્યાંય પણ એવી બેદરકારી રાખવામાં નથી આવતી કે જેને લીધે ઉપવાસ રાખનારાઓનું વ્રત તૂટે. આ બધી બાબતમાં લોકો બેદરકારી દાખવતા હોય છે, પણ અહીં બેદરકારી દાખવવામાં નથી આવતી. 
ખીચડી સાથે છાશ અને લસ્સી પણ મળે છે. છાશના દસ રૂપિયા, લસ્સીના વીસ રૂપિયા અને સાબુદાણાની ખીચડી ત્રીસ રૂપિયાની. છેલ્લાં અઢાર વર્ષથી એક જ જગ્યા પર બેસીને ખીચડી બનાવતા આ મહારથીની ખીચડી છેક જુહુ અને બાંદરા સુધી જાય છે. અંધેરી-ઈસ્ટ જવાનું ક્યારેય બને તો આ ખીચડી ટેસ્ટ કરવાનું ચૂકતા નહીં.

Gujarati food mumbai food indian food columnists Sanjay Goradia