21 November, 2026 02:29 PM IST | Mumbai | Darshini Vashi
રૂ. 350 ઉબે માચા લાતે અને રૂ. 300 એસ્પ્રેસો વિથ આમન્ડ બિસ્કોટી
ટક શૉપ એટલે બ્રિટિશ ઇંગ્લિશમાં પરચૂરણ આઇટમો વેચતી ફૂડ શૉપ. ૯૦ના દાયકામાં સ્કૂલની બહાર કે ગાર્ડન પાસે આવેલી બાળકોની ફૂડ-આઇટમ્સ, કૅન્ડીઝ વગેરે પીરસતી શૉપ્સ ટક શૉપ તરીકે ઓળખાતી હતી, જ્યાં વિવિધ પ્રકારની ઑલ્ડ સ્કૂલ કૅન્ડીઝ મળતી હતી. જેમ-જેમ સમય આગળ વધતો ગયો તેમ-તેમ આ બધી આઇટમ્સ ભૂતકાળ બનતી ગઈ. હવે આ ચીજો માત્ર ફોટો અને વિડિયોમાં જ જોવા મળે છે. જોકે આજે પણ ૯૦ના દાયકામાં મોટા થયેલા લોકો આ ચીજો મિસ કરી રહ્યા છે અને નવી જનરેશનને પોતાના જમાનમાં કેવી-કેવી ચીજો મળતી હતી એ બતાવવા માગે છે. આવી જ ઇચ્છાથી ધ ટક શૉપ શરૂ થઈ છે બાંદરામાં, જેમાં નાઇન્ટીઝના દિવસો ફરી જીવંત થાય એવી ચીજો મળે છે.
નાઇન્ટીઝમાં ઊછરેલા લોકો માટે મસ્ત નૉસ્ટૅલ્જિક ફીલ આપતી ટક શૉપ કૅફે શરૂ કરનાર સૃષ્ટિ સોની કહે છે ‘હું બૉર્ડિંગ સ્કૂલમાં ભણી નથી, પરંતુ મારા મિત્રો આ સ્કૂલમાં ભણતા હતા ત્યારે તેઓ ટક શૉપમાં મળતી જાતજાતની વસ્તુઓ વિશે મને કહેતાં. એટલું જ નહીં, આ શૉપમાં કરવામાં આવતાં મસ્તી, ઝઘડા અને તોફાન વિશેની વાતો પણ મને અવારનવાર કહેતા. એ વખતે હું અફસોસ કરતી કે કાશ હું પણ એ બધું માણી શકી હોત. વર્ષો પછી મને વિચાર આવ્યો કે હું મારી અધૂરી ઇચ્છાને એક કૅફે-કમ-શૉપ મારફત પૂરી કરું તો કેવું? જ્યાં પૉપિન્સ, ફટાફટ અને ઑલ્ડ સ્કૂલ કૅન્ડીઝથી લઈને એ તમામ વસ્તુઓ મળે જે હું મારા બાળપણમાં મિસ કરી ચૂકી છું. બસ એ વિચારને અમલમાં મૂક્યો અને મેં કૅફેમાં આ જ બધી વસ્તુઓ લાવવાનું નક્કી કર્યું. ક્લાસિક સૅન્ડવિચ, ટોસ્ટ જૅમ, બ્રેડ રોલ, નૂડલ્સ, બન મસ્કા, કૉફી વગેરે પણ અહીં છે. કૉફીની પણ ઘણી બધી વરાઇટી મળે છે. મેં આ કૅફેનું નામ અને ઇન્ટીરિયર પણ એવું જ રાખ્યું છે જેથી અહીં આવનારને એકદમ લાઇવ અનુભવ મળે. ખરેખર લોકો અહીં આવીને બચપણના સમયનો આનંદ માણી રહ્યા છે.’
ક્યાં મળશે ? : ધ ટક શૉપ, આનંદ વિલા, પાલી માલા રોડ, બાંદરા (વેસ્ટ)