29 June, 2023 04:51 PM IST | Mumbai | Sanjay Goradia
સંજય ગોરડિયા
જ્યારથી મેં આપણી આ કૉલમમાં લખ્યું છે કે ગુજરાતમાં ભેળપૂરી-સેવપૂરી બહુ સારી મળતી નથી ત્યારથી હું ગુજરાતના જે કોઈ શહેરોમાં જાઉં ત્યાં રહેતા મારા મિત્રો મને એક જ વાત કહે, ચાલો હું તમને અમારે ત્યાં બનતી બેસ્ટ ભેળપૂરી-સેવપૂરી ખાવા લઈ જાઉં. હમણાં હું રાજકોટ ગયો ત્યારે પણ એવું જ થયું.
રાજકોટમાં આવેલી સૂર્યકાન્ત હોટેલના માલિકનો દીકરો અભિષેક તલાટિયા મને તેના ઍક્ટિવા પર લઈ ગયો અમીન માર્ગ પર આવેલા શ્રીનાથજી ભેળ સેન્ટરમાં. કાલાવાડ રોડ અને અમીન માર્ગના કાટખૂણા પર આવેલા નૂતનનગર હૉલની સામે આ લારી ઊભી રહે છે. અમે પહોંચ્યા પછી મેં આખી લારી જોઈ. લારી જોઈને જ મને બહુ મજા આવી ગઈ. ત્યાં ભેળ, સેવપૂરી, રગડાપૂરી, સ્પેશ્યલ ભેળ, પાંઉ-રગડો, રગડા-પૅટીસ, બાસ્કેટ પૂરી, પાણીપૂરી, દહીં સેવપૂરી, પાપડી ચાટ, દિલ્હી ચાટ અને બ્રેડ કટકા મળતાં હતાં. આ બધી વરાઇટીમાં એકમાત્ર બ્રેડ કટકા છોડીને બાકીની બધી આઇટમ આપણા મુંબઈમાં સારામાં સારી મળતી હોય છે. વાત રહી બ્રેડ કટકાની, મૂળ એ સૌરાષ્ટ્રની અને વધારે સ્પેસિફાઇ કરીને કેવાનું હોય તો એ જામનગરની આઇટમ, પણ વર્ષોથી હવે એ આખા સૌરાષ્ટ્રમાં મળે છે.
શ્રીનાથજીમાં મેં સૌથી પહેલાં બ્રેડ કટકાનો ઑર્ડર આપ્યો. જામનગરના સારામાં સારા કહેવાય એવા બ્રેડ કટકા પણ મેં ટેસ્ટ કર્યા છે એટલે મારે ઇન્ડિરેક્ટ્લી એ જાણવું હતું કે સૌરાષ્ટ્રભરમાં મળતા થઈ ગયેલા બ્રેડ કટકા આ ભાઈ કેવા બનાવે છે? જામનગરમાં મળે એના કરતાં એ જુદા અને બનાવવાની રીત પણ જરા જુદી. પાંઉના ટુકડા પર બટેટા ઉપરથી નાખે અને એ પછી એના પર બધી ચટણીઓ અને એના પર સેવ નાખીને તમને આપે. સાચું કહું તો જામનગર જેવો ટેસ્ટ નહોતો પણ સારો હતો, કારણ કે એમાં રાજકોટની પેલી કોઠાની ચટણી હતી. રાજકોટની એક ખાસિયત છે, આ પ્રકારનું કંઈ પણ ચટપટું તમે ખાવા જાઓ એટલે એમાં રાજકોટની ચટણી નાખે જ નાખે. અરે, અમુક હૉટડૉગવાળા પણ હવે તો કોઠાની ચટણી નાખતા થઈ ગયા છે. આ ચટણીની મોટામાં મોટી ખાસિયત એ છે કે એનો ટેસ્ટ જ એવો છે કે એ કોઈ પણ આઇટમને ચટપટી અને વધારે ટેસ્ટી બનાવી દે છે.
બ્રેડ કટકામાં એ ભાઈએ પોતાની આગવી છાપ છોડી એટલે પછી મેં એ મગાવ્યું જે ખાવા માટે ખાસ હું આવ્યો હતો, ભેળપૂરી. પણ એ પહેલાં મેં જોઈ લીધું હતું કે ખજૂર-આંબલી અને ગોળની ચટણી હતી અને તીખી ચટણી પણ આપણે ત્યાં મુંબઈમાં હોય છે એવી જ હતી. બહુ સરસ ભેળ હતી. ભેળ ચાખીને મને થયું કે હા, ધક્કો વસૂલ થયો અને એ પણ એટલું જ સાચું કે ગુજરાતમાં અમુક-અમુક જગ્યાએ મુંબઈના ટેસ્ટની સિમિલર કહેવાય એવા સ્વાદની ભેળપૂરી મળે છે ખરી. ભેળપૂરી ખાધા પછી મેં સેવપૂરી મગાવી. અહીં બે પ્રકારની સેવપૂરી મળે છે. ચપટી પૂરીમાં બનાવેલી સેવપૂરી અને પાણીપૂરીની જે પૂરી હોય એમાં બનાવેલી સેવપૂરી. એનો સ્વાદ પણ બહુ સરસ અને છેલ્લે મગાવેલી દહીં સેવપૂરીનો સ્વાદ પણ અદ્ભુત. આ બધી આઇટમ એક નવા જ આયામ પર પહોંચતી હતી, જેની પાછળ જવાબદાર પેલી રાજકોટની કોઠાની ચટણી છે. જરા વિચારો કે મુંબઈ જેવો જ ટેસ્ટ અને એ ટેસ્ટને વન-અપ કરે એવી રાજકોટની ચટણીનું મિલન, વિચારો. કયા સ્તર પર સ્વાદેન્દ્રિયને જલસો પડે. જો તમારે પણ આવો જલસો કરવો હોય તો રાજકોટ જવાનું બને ત્યારે કાલાવડ રોડ-અમીન માર્ગના કાટખૂણે આવેલી શ્રીનાથજી ભેળ સેન્ટર નામની લારી પર અચૂક જજો. એ આખો રોડ મિની ફૂડ માર્કેટ જેવો થઈ ગયો હોય એમ અનેક લારીઓ ઊભી રહે છે પણ સ્વાદ, ગુણવત્તા અને કિફાયતીપણું એમ ત્રણેત્રણ બાબતમાં શ્રીનાથજી વેંત ઊંચી છે. અચૂક જજો.