બેબી કોકોનટની છાલ પણ ખાઈ શકાય એ તો છેક દાર-એ-સલામમાં ખબર પડી

18 May, 2023 04:16 PM IST  |  Mumbai | Sanjay Goradia

બેબી કોકોનટમાંથી બનતું કિટાલે કિચવા નાઝી માત્ર અને માત્ર ટાન્ઝાનિયામાં જ મળે છે

સંજય ગોરડિયા

આપણે છીએ અત્યારે ટાન્ઝાનિયામાં અને તમને ટાન્ઝાનિયાના આર્થિક પાટનગર એવા દાર-એ-સલામના ઑઇસ્ટર બે બીચ પર અમે ટ્રાય કરી હતી એ મોગો ચિપ્સ વિથ પીરીપીરી બુસી ચટણીની વાત ગયા ગુરુવારે આપણે કરી. હવે વાત કરવાની છે આ જ ઑઇસ્ટર બે બીચ પર અમે ટેસ્ટ કરેલી અન્ય વાનગીની, જેનું નામ છે રોસ્ટેડ મોગો. રોસ્ટેડ મોગોની વાત કરતાં પહેલાં કહેવાનું કે આ જે મોગો છે એ આફ્રિકાના મોટા ભાગના દેશોમાં મળે છે એટલે એની આ બધી વરાઇટીઓ પણ મોટા ભાગના આફ્રિકન દેશોમાં મળતી હોય છે. બીચ પર બેસીને મોગોની આ બન્ને વરાઇટીઓ ખાવાની બહુ મજા આવે. 

દાર-એ-સલામને તમે બીચોનું શહેર કહી શકો, બહુ બધા બીચ છે ત્યાં. બીચ પર ત્યાંની સ્થાનિક પ્રજા શેડ બનાવી અલગ-અલગ પ્રકારની વરાઇટીઓ વેચતી હોય છે. એ વરાઇટીઓમાં મોગો ચિપ્સ અને રોસ્ટેડ મોગો તો ઑલમોસ્ટ દરેક પાસે હોય જ.

વાત કરીએ રોસ્ટેડ મોગોની. મોગોના લાંબા-લાંબા ટુકડા કરી એને કોલસાની આગમાં તપાવી એને રોસ્ટ કરવામાં આવે. રોસ્ટેડ મોગો માટે મોટા ભાગે મોટી સાઇઝના મોગોનો ઉપયોગ થાય. સાઇઝ પરથી યાદ આવ્યું. મોગોની મોટામાં મોટી સાઇઝ છેક સક્કરટેટી જેટલી મોટી હોય છે. આ જે મોટા મોગો છે એનો ઉપયોગ રોસ્ટેડ મોગો બનાવવામાં વધારે થાય છે. તાપમાં શેકાયેલા ગરમાગરમ મોગો અને એની સાથે ટાન્ઝાનિયાના પેલા પીરીપીરી મરચામાંથી બનાવેલી ચટણી અને કોબીનું સૅલડ. તમને એમ જ થાય કે ખાધા જ કરીએ, ખાધા જ કરીએ પણ મેં એવું નહોતું કર્યું.

પેટમાં બેઠેલા પેલા બકાસુરની ડિમાન્ડને કાબૂમાં રાખતાં મેં એને સમજાવ્યો કે ભાઈ, આપણે હજી ઘણું નવું ટ્રાય કરવાનું છે એટલે જરાક ધરપત રાખ. બકાસુર માની ગયો એટલે મેં નજર દોડાવી ફરી નવી વરાઇટી પર અને મારી નજર પડી એક યુનિક આઇટમ પર. નામ એનું કિટાલે કિચવા નાઝી. 

કિટાલે આફ્રિકન શબ્દ છે જેનો અર્થ થાય, બેબી કોકોનટ. નારિયેળ નાનું હોય ત્યારે જ એને પાડી લેવામાં આવે. આ બેબી નારિયેળર એવું તે સૉફ્ટ હોય કે તમે એને છાલ સાથે ખાઈ શકો. હા, છાલ સાથે અને અહીં લોકો ખાતા પણ હોય છે, પણ કિટાલે કિચવા નાઝી એ તો સાવ જુદી જ વરાઇટી છે. તમે આ આઇટમ માગો એટલે સૌથી પહેલાં બેબી કોકોનટ લઈ એને ઉપરથી છોલી નાળીયેર આપે. તમારે એ નારિયેળમાં રહેલું બધું પાણી પી જવાનું. પાણીની વાત કરું તો પાણી એવું મીઠું કે આપણને એમ જ લાગે કે કોઈએ એમાં ડ્રિલથી કાણું પાડીને સાકરનું પાણી ભરી દીધું છે. નાનો હતો ત્યારે મને હંમેશાં વિચાર આવતો કે નારિયેળમાં પાણી કોણ ભરતું હશે? આ સવાલનો જવાબ મને હજી સુધી મળ્યો નથી. ઍનીવેઝ, બેબી કોકોનટમાંથી પાણી પીને તમારે એ પેલાને પાછું આપવાનું. ખાલી થયેલા આ બેબી કોકોનટમાં બટેટાનું પૂરણ, કોકોનટ ચટણી અને પીરીપીરી બુસીનું સ્ટફિંગ કરીને તમને આપે. તમારે એ બેબી કોકોનટની છાલ સાથે ખાઈ જવાનું.

તમને સહેજ પણ એવું ન લાગે કે તમે નારિયેળની છાલ સુધ્ધાં ખાઈ રહ્યા છો, કારણ કે બેબી કોકોનટની એ છાલ પણ સહજ રીતે ખાઈ શકાતી હોય એટલી પાતળી હોય છે. આ જે કિટાલે કિચવા નાઝી છે એ માત્ર અને માત્ર ટાન્ઝાનિયામાં જ મળે. અદ્ભુત વરાઇટી અને વન્સ-ઇન-અ-લાઇફટાઇમ જેવો અનુભવ. ખરેખર દિલ ગાર્ડન-ગાર્ડન થઈ ગયું. તમને એક બીજી પણ વાત કહું, કોકોનટનું જે ઝાડ હોય એની ડાળી લાંબી થાય એ પહેલાં એને કાપી એ ડાળીની છાલ પણ અહીં ખાવામાં આપે છે, પણ મેં એ ટેસ્ટ કર્યો નથી એટલે હું એના વિશે તો વધારે કશું નહીં કહું પણ હા, હજી બે વરાઇટી એવી છે જેની વાત તમારી સાથે શૅર કરવાની છે પણ હવે એ આવતા ગુરુવારે.

columnists africa Sanjay Goradia