દેશી ખાણાની તોલે કંઈ ન આવે

07 October, 2021 11:16 AM IST  |  Mumbai | Sanjay Goradia

રાજકોટનું ચટાકેદાર ચાપડી-ઊંધિયું ખાધા પછી તમે પણ આ વાત સ્વીકારી લેશો એની ગૅરન્ટી મારી

દેશી ખાણાની તોલે કંઈ ન આવે

ગુજરાતના શો દરમ્યાન અમે અમારો મુકામ રાજકોટમાં રાખ્યો. રાજકોટથી આજુબાજુના શહેરમાં ટ્રાવેલ કરવું સરળ પડે. નાટકવાળાઓમાં રાજકોટની એક હોટેલ બહુ પૉપ્યુલર છે. નામ એનું હોટેલ સૂર્યકાંત. રાજકોટમાં હું હંમેશાં ત્યાં જ ઊતરું. હોટેલના માલિક ભૂપત તલાટિયાનો દીકરો અભિષેક મારો મિત્ર. અમે સતત સંપર્કમાં રહીએ, ફોન પર વાતો પણ કરતા રહીએ.
રાજકોટમાં હતો ત્યારે સાંજે તે મારી રૂમમાં આવ્યો અને કહેવા લાગ્યો કે તમને એક સરસ આઇટમ ખાવા લઈ જઉં, મજા પડી જશે. હું તો થઈ ગયો તેની સાથે રવાના. રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા સંતોષ ચાપડી-ઊંધિયું સેન્ટરમાં તે મને લઈ ગયો. ચાપડી-ઊંધિયું નામ પણ મેં તો પહેલી વાર સાંભળ્યું. એ કાઠિયાવાડી આઇટમ છે. મુંબઈમાં એના વિશે વધારે કોઈને ખબર નહીં હોય એવું હું ધારું છું. વિરાર, વસઈની આસપાસ એ મળતું હોવાનું સાંભળ્યું છે, પણ બીજે ક્યાંય ચાપડી-ઊંધિયું આપણે ત્યાં મળતું હોય એવું મારી જાણમાં નથી.
આ ચાપડી શું હોય એ તમને પહેલાં કહી દઉં. લાડવા બનાવવા માટેનો કરકરો લોટ હોય એને પહેલાં બાંધવામાં આવે. ઘઉંના લોટના નાના ગોળ, મુઠ્ઠીમાં દબાવીને લાડવા બનાવી એને સીંગતેલમાં થોડા ઓવરફ્રાય કરે. કરકરા થઈ જાય ત્યાં સુધી એને તળવાના. આ જે તૈયાર થઈ એ ચાપડી. આ ચાપડી ચા સાથે પણ ખાઈ શકો અને મજાની વાત એ કે એ દસ દિવસ સુધી બગડે નહીં. હું જ્યાં ગયો હતો એ સંતોષ ચાપડી-ઊંધિયું સેન્ટર તો દેશ-વિદેશમાં ચાપડી મોકલે પણ છે. હવે વાત કરીએ ઊંધિયાની. ઊંધિયું તો અલગ જ લેવલનું છે. 
આ ઊંધિયામાં બટાટા, રીંગણ, ફ્લાવર, વટાણા, ગુવાર, લસણ એમ બધાં શાક હોય. ટમેટાંની ગ્રેવીમાં બનેલું આ શાક ગળચટ્ટુ હોય. એની સાથે લસણની ચટણી આપે. મિત્રો, લસણની ચટણી પણ અદ્ભુત. હું કહીશ કે આજ સુધી આવી લસણની ચટણી મેં ક્યાંય ખાધી નથી. લાલચટક પણ રંગ નાખેલી નહીં. રાજકોટનાં લાલ મરચાંમાંથી બનેલી ચટણી. 
આ આખી પ્રોસેસ એવી તે સાત્ત્વિક છે કે ખાવામાં એ તમને જરા પણ ભારે નથી પડતી. સંતોષના ઓનર પંકજભાઈ પટેલ છે, જે પહેલાં લારીમાં ચાપડી-ઊંધિયું વેચતા અને એ પણ માત્ર વીસ રૂપિયામાં. વીસ રૂપિયામાં અનલિમિટેડ ચાપડી-ઊંધિયું. ચાપડી મસળી એનો કરકરો ભૂકો કરી એમાં ઊંધિયું નાખી દેવાનું અને પછી હાથેથી ચોળતાં-ચોળતાં ખાતા જવાનું. જો હાથે ન ફાવે તો ચમચીથી ખાવાનું અને હવે તો મોટા ભાગે બધા ચમચી જ વાપરતા હોય છે. શાકનો તીખો અને ગળચટ્ટો સ્વાદ આવે અને ચાપડીનો કરકરો સ્વાદ પણ આવે. 
વીસ રૂપિયામાં અનલિમિટેડ અને એ પણ આવો સાત્ત્વિક ખોરાક એટલે ઘરાકી વધી પછી પંકજભાઈએ દુકાન કરી. પહોંચી વળાતું નથી એટલે હવે તે માત્ર પાર્સલ જ આપે છે. પાર્સલમાં પાંચ ચાપડી અને શાક હોય. સાથે લસણની ચટણી અને કોબી-કાકડીનું સૅલડ. આ શાકમાં ફ્રાય કરેલી ઢોકળી પણ હોય. શાક સાથે ઢોકળી એક કોથળીમાં અલગથી આપે. ઢોકળીનો સ્વાદ પણ ગળચટ્ટો અને તીખો હતો. 
હું તો અભિષેકની સાથે ગયો હતો અને અભિષેકનો તે ફ્રેન્ડ એટલે દુકાનમાં બેસાડીને જમાડ્યો. તમને એક બીજી વરાઇટી કહું - મધપૂડો. અમે ગયા હતા મધપૂડો ખાવા, પણ એ શિયાળામાં જ મળે એટલે શિયાળામાં રાજકોટ જઈશ ત્યારે સંતોષ ચાપડી-ઊંધિયું સેન્ટરમાં જ મળતા મધપૂડાનો આસ્વાદ તમને કરાવીશ. નામને લીધે એવું રખે માનતા કે આ મધપૂડો સ્વીટ આઇટમ હશે. મધપૂડો તીખો હોય અને એ શાકમાંથી બને. વધુ મધપૂડો ખાઈશ ત્યારે, પણ એ પહેલાં એટલું કહેવાનું કે રાજકોટ જાઓ ત્યારે ચાપડી-ઊંધિયું ખાવાનું ચૂકતા નહીં. લાજવાબ સ્વાદ અને અદ્ભુત વરાઇટી.

Gujarati food indian food mumbai food Sanjay Goradia columnists