✕

અહીં મગની દાળની કચોરી વિખ્યાત છે અને મિલેટની કચોરી પણ મળે છે

28 November, 2026 11:15 AM IST  |  Mumbai | Darshini Vashi

ગોરેગામ-ઈસ્ટમાં સંજય’સ નામની ફરસાણની દુકાનમાં ૧૦૦ કરતાં પણ વધુ વરાઇટીના નાસ્તા મળે છે, ચાર દાયકા પહેલાં ગુજરાતથી મુંબઈ આવેલી મહેતા ફૅમિલીની હોમ-મેડ મગની દાળની કચોરી આજે પણ એટલી જ લોકપ્રિય છે.

સંજય’સ નામની ફરસાણની દુકાન

ચાર દાયકા પહેલાં ગુજરાતથી મુંબઈ આવેલી મહેતા ફૅમિલીની હોમ-મેડ મગની દાળની કચોરી આજે પણ એટલી જ લોકપ્રિય છે. નાનકડી ખોલીથી ફૅક્ટરી અને દુકાન સુધી પહોંચેલી સંજય બ્રૅન્ડની કચોરીને આજે તેમની ત્રીજી પેઢી હજી પણ એ જ ટેસ્ટ સાથે પીરસી રહી છે જે ગોરેગામમાં જ નહીં, આખા મુંબઈમાં ફેમસ છે.
ગોરેગામ-ઈસ્ટમાં આવેલી સંજય’સ નામની ફરસાણ શૉપ આજે જેટલી મોટી છે એના કરતાં અનેકગણી નાની રૂમમાં, ૧૯૮૨ની સાલમાં ભૂપત મહેતા અને તેમનાં પત્ની વાંસતી મહેતાએ મકાઈનો ચેવડો અને બટાટાની કાતરી બનાવવાનું શરૂ કર્યું હતું, જે તેમનો દીકરો સંજય મુંબઈની અલગ-અલગ દુકાનો અને ઘરોમાં વેચવા જતો. જોકે દરેક જગ્યાએથી તેમને જાકારો મળતો એટલે તે રાત્રે ફરી નાસ્તાનાં પૅકેટ રિટર્ન લઈને આવતો. ત્યારે તેમણે વેપારી બુદ્ધિ વાપરી અને તેમનો બનાવેલો નાસ્તો દરેક દુકાનમાં જઈને ફ્રીમાં આપવાનું શરૂ કરી દીધું. જોતજોતાંમાં લોકોને તેમનો નાસ્તો એટલો ભાવવા માંડ્યો કે ત્યાર પછી તેમણે પાછળ ફરીને જોવું પડ્યું નથી. થોડાં વર્ષ બાદ સંજય મહેતાએ પોતાના પેરન્ટ્સ સાથે મળીને મગની દાળની કચોરી બનાવવાની શરૂઆત કરી જે તેમના માટે ટર્નિંગ પૉઇન્ટ બની ગઈ. ચાર દાયકા બાદ આજે પણ તેમની કચોરીના ચાહકો ઓછા થયા નથી. સંજય’સનો કારભાર હવે તેમનાં બાળકો મોહિત અને ખ્યાતિ સંભાળે છે. માર્કેટિંગ વિભાગ સંભાળતાં ખ્યાતિ સંજય મહેતા કહે છે, ‘આજે પણ સંજય’સની દરેક આઇટમ વખણાય છે. સંજયની કચોરી કહો કે પછી ભાખરવડી કે પછી ચેવડો, અહીંના જેવો ટેસ્ટ બીજે મળતો નથી. આજે પણ મગની દાળની કચોરી ખાવા માટે લોકો લાઇનમાં ઊભા રહે છે. આ સિવાય પટ્ટી સમોસાં, શેકેલાં ચીઝ પફ, મિક્સ ફરસાણ વગેરે અહીંની સૌથી વધુ વેચાતી આઇટમ છે. ગાંઠિયા, કચોરી, ચેવડા વગેરેની પણ ઘણી બધી વરાઇટી છે. અહીં મિલેટ્સ કચોરી પણ મળે છે, જે મુંબઈમાં બીજે કોઈ જગ્યાએ મળતી નથી.’
ક્યાં મળશે? : સંજય’સ, એમ્પાયર ટાવરની સામે, સોનાવાલા રોડ, ગોરેગામ (ઈસ્ટ)

darshini vashi food and drink food news street food Gujarati food mumbai food indian food lifestyle news life and style