27 June, 2026 10:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇટલીનું ઑથેન્ટિક ડિઝર્ટ હવે મુંબઈમાં
વિદેશી વાનગી બાદ હવે વિદેશી ડિઝર્ટ પણ મુંબઈમાં મળવા લાગ્યાં છે. કેટલાંક ડિઝર્ટ વિશે તો ઘણા લોકોને ખબર હશે, પરંતુ કેટલાંક એવાં પણ છે જેમનાં નામ ખબર નહીં હોય. એમાંનું એક છે આફોગાતો. આ એક ટ્રેડિશનલ ડિઝર્ટ છે જે મુંબઈમાં ખૂબ જ જૂજ કહી શકાય એવા મોટા ડિઝર્ટ હાઉસમાં જ ઉપલબ્ધ છે. એને અભિષેક મીરાણી સ્ટ્રીટ પર લઈ આવ્યા છે.
આજે એવું થઈ ગયું છે કે કોઈને પણ પોતાની નવી ફૂડ-આઇટમ કે સ્ટૉલ શરૂ કરવો હોય તો તે મહાવીરનગર પર પહેલી પસંદગી ઉતારશે, કેમ કે આજે મહાવીરનગર ફૂડીઝ માટેનું હૉટ ડેસ્ટિનેશન બની ગયું છે. બીજા લોકોની જેમ મેં પણ મારા ડિઝર્ટના કાર્ટને મહાવીરનગરમાં લૉન્ચ કર્યું છે એમ જણાવતાં ઇટાલિયન ડિઝર્ટને સ્ટ્રીટ પર લૉન્ચ કરનારા આફોકાર્ટોના ઓનર અભિષેક મીરાણી કહે છે, ‘મુંબઈનું પહેલું આફોગાતો (ઇટાલિયન કૉફી ડિઝર્ટ)નું કાર્ટ છે જ્યાં કાર્ટ પર પ્રીમિયમ કૅફેનો અનુભવ આપવામાં આવે છે. અહીં લોકો ફ્રેશ જિલેટો + એસ્પ્રેસ્સોના કૉમ્બિનેશનને ડિઝર્ટ સ્વરૂપે માણી શકે છે. એમાં કોકોનટની કાચલીની અંદર જિલેટો, પિસ્તાનો ભૂકો અને પછી એસ્પ્રેસ્સો કૉફી રેડીને આપવામાં આવે છે. આ તો એની એક ક્લાસિક વરાઇટી છે. આવી રીતે અમારી પાસે બીજી પણ અનેક વરાઇટી છે. આ ડિઝર્ટમાં આઇસક્રીમ વાપરવામાં આવતો નથી. ઇટલીમાં ડિઝર્ટ દરેક ગલીમાં મળે છે જે અહીં એટલું પ્રચલિત નથી. અનેક મહિનાના સંશોધન અને પરીક્ષણ બાદ એક મહિના પહેલાં જ એને મહાવીરનગરની સ્ટ્રીટ પર મૂક્યું છે. જે રીતે ઇટલીમાં નારિયેળની કાચલીની અંદર આ ડિઝર્ટને સર્વ કરવામાં આવે છે એવી જ રીતે અમે એને અહીં સર્વ કરીએ છીએ જે અહીંના લોકોને પસંદ પડી રહ્યું છે. Affocarto નામ Affogato અને Cart ને જોડીને બનાવવામાં આવ્યું છે. અહીં કુકીઝ ફ્રાય વિથ બેલ્જિયમ ચૉકલેટ ડિપ ઍન્ડ પિસ્તા, ઑબે ડ્રિન્ક, હૉટ ચૉકલેટ વિથ માર્શમેલો વગેરે પણ મળે છે.’
ક્યાં મળશે? : આફોગાતો, D માર્ટની પાછળ, મહાવીરનગર, કાંદિવલી-વેસ્ટ