તાળવે મસાજ અને ટાઢક આપતું રાસબેરી ચૉકલેટ ડીલાઇઝ

22 July, 2021 01:32 PM IST  |  Mumbai | Sanjay Goradia

સ્વીટ્સની બાબતમાં પશ્ચિમી દેશો ઇન્ડિયાની સરખામણીએ થોડા પછાત ખરા પણ સ્વાદમાં આપણાથી ક્યાંય ઊતરતા નથી એ કબૂલ કરવું રહ્યું

રાસબેરી ચૉકલેટ ડીલાઇઝમાં રહેલી સ્મૂધનેસ અને ક્રીમીનેસના કારણે જાણે કે મોઢાની અંદર તાળવે મસાજ થતો હોય એવી ફીલ આવે.

ગયા અઠવાડિયે જામાના ગુલાબજાંબુ વિશે વાંચીને કેટલાક વાચકમિત્રોએ સવાલ કર્યો કે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલી યવાચાની સ્વીટ ડિશ તમે ટેસ્ટ કરી હતી કે નહીં? પંદર દિવસ પહેલાં યાવાચાની ફૂડ ડ્રાઇવમાં સ્ટાર્ટર વિશે તો ઘણી વાતો કરી પણ પછી સ્થળસંકોચને કારણે મેઇન કોર્સ અને સ્વીટ ડિશની વાત થઈ શકી નહોતી પણ હા, સ્વીટ ડિશ ટ્રાય પણ કરી હતી અને જો તમારી ઈચ્છા હોય કે ઍટ લીસ્ટ એક વાર યાવાચામાં જવું તો તમે એ ઍટ્મોસ્ફિયર માણતાં-માણતાં સ્વીટ ડિશ ટ્રાય કરી શકો છો. મેઇન કોર્સમાં ફ્રાઇડ રાઇસ વિથ સ્વીઅટ કૉર્ન ઍન્ડ ઍસ્પૅરેગર્સ મગાવ્યાં હતાં તો એની સ્ટર ફ્રાઇડ ઊડોન નૂડલ્સ, શેઝવાન મુબુ ટોફુ અને ઓબર્જીન ઓકરા વિથ ફ્રેન્ચ બીન્સ મગાવ્યાં હતાં. આ ત્રણ આઇટમ ખાધા પછી પેટ ફાટ-ફાટ થતું હતું પણ ગયા જ છીએ તો બધી આઇટમ વ્યવસ્થિત ટેસ્ટ કરી લઈએ એવા ભાવથી રાસબેરી ચૉકલેટ ડીલાઇઝનો ઑર્ડર કર્યો. મિત્રો, એક વાત યાદ રાખવી ફૂડ સ્વાદિષ્ટ હોય એનાથી વાત પૂરી નથી થતી. એ ફૂડ જોઈને ખાવાનું મન થઈ આવે એવું ડેકોરેટિવ પણ હોવું જોઈએ. હું માનું છું કે આંખ અને જીભને સીધો સંબંધ છે અને એટલે જ ભૂખ ઊઘડવાની શરૂઆત આંખથી થતી હોય છે.
તમે ચૉકલેટ મૂસ ટ્રાય કર્યું હશે એવું જ ચૉકલેટ મૂસ હતું, જેની ઉપર કોટિંગ રાસબેરી પાઉડરનું કરવામાં આવ્યું હતું. પ્લેટમાં મૂસની સાથે રાસબેરી આઇસક્રીમ પણ હોય અને સાથે રાસબેરી સૉસના ડ્રૉપ્સ પણ ડિઝાઇન બનાવીને મૂકવામાં આવ્યા હોય. તમારે સહેજ મૂસ લેવાનું, સાથે આઇસક્રીમનો પીસ લેવાનો અને એ કૉમ્બિનેશન મોઢામાં મૂકતા જવાનું. તમે ઇચ્છો તો મૂસને રાસબેરી સૉસમાં ડિેપ કરીને મૂસ ખાઈ શકો અને એની ઉપર પણ આઇસક્રીમ ખાઈ શકો. બેમાંથી જે કૉમ્બિસનેશન તમને ફાવે એ તમે વાપરી શકો પણ ગૅરન્ટી કે તમારું મન મોહી પડશે. મૂસ અને આઇસક્રીમના કારણે તમારા મોઢામાં આવેલા તાળવામાં જાણે કે મસાજ થતો હોય એવી ફીલ પણ આવે.
અગાઉ તમને કહ્યું એમ યવાચાનો નિયમ છે જે આઇટમ મૂળ જ્યાંની હોય ત્યાંથી જ એ લઈ આવવાની. યવાચામાં રાસબેરી રશિયાથી આવે છે. રાસબેરીની બાબતમાં રશિયા વર્લ્ડનું સૌથી મોટું પ્રોડ્યુસર છે, જ્યારે બીજા નંબરે મેક્સિકો આવે છે. મિત્રો, જગતમાં ચારસો જાતની બેરીઝ છે પણ સાત બેરી એવી છે જે આપણે ત્યાં સૌથી વધારે ખવાય છે જેમાંથી આપણે ત્યાં ઇન્ડિયામાં સ્ટ્રૉબેરી, બ્લુબેરી, રાસબેરી, ક્રૅનબેરી જ પૉપ્યુલર છે પણ રશિયા અને અમેરિકામાં તો જાતજાતની અને ભાતભાતની બેરી ટેસ્ટ કરવા મળે. બેરીમાં મોટા ભાગે બ્લૅક, પર્પલ, વાઇટ અને યલો કલર જોવા મળે છે. બેરીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આપણે ત્યાં સ્ટ્રૉબેરી પુષ્કળ માત્રામાં થાય છે પણ બાકીની બેરીની બાબતમાં આપણે હજી પણ એક્સપરિમેન્ટના સ્તર પર જ છીએ.

Sanjay Goradia columnists Gujarati food mumbai food indian food