એ મિસ્ટર, ‘મિ. પફ’માં જવાનું ચૂકતા નહીં

09 December, 2021 05:13 PM IST  |  Mumbai | Sanjay Goradia

ગાંધીના પફ તરીકે જાણીતા વડોદરાના પફને નવી જનરેશને બ્રૅન્ડનેમ આપ્યું અને સેન્ટ્રલાઇઝ્ડ કિચનનો કન્સેપ્ટ આપીને શહેરમાં ઠેર-ઠેર આઉટલેટ્સ શરૂ કર્યાં તો પફમાં અનેક નવી વરાઇટી પણ લૉન્ચ કરી

એ મિસ્ટર, ‘મિ. પફ’માં જવાનું ચૂકતા નહીં

અમારા નાટક ‘દે તાળી કોના બાપની દિવાળી’ની ગુજરાત ટૂર ચાલે છે એટલે હમણાં થોડો સમય તમને ગુજરાતની અને ખાસ કરીને વડોદરાની વરાઇટીનો આસ્વાદ મળતો રહેવાનો છે. ગુજરાતની ટૂર હોય એટલે મને મજા પડી જાય. મારી મજાનાં બે કારણ. એક, નાટકનો રિસ્પૉન્સ મુંબઈ કરતાં વધુ સરસ મળે તો બીજું કારણ, ખાનપાન. મજા જ મજા. અમારા પાંચ શો વડોદરામાં હતા. નીકળ્યા મુંબઈથી અને સાંજે પહોંચ્યા વડોદરા. રાતે શો એટલે નાટક પહેલાં રીડિંગ કરવાનું હતું એટલે પહેલો દિવસ તો એ બધામાં ગયો, પણ બીજા દિવસથી આપણે લાગી ગયા તમારા માટે અવનવી વાનગીઓ શોધવામાં. 
નવા શહેરમાં હું લોકલ વ્યક્તિનો વધારે ભરોસો કરુ. વડોદરામાં પણ એવું જ કર્યું અને અચલેશ પંડ્યા નામનો વડોદરાનો આર્ટિસ્ટ જે અત્યારે મારા ‘દે તાળી કોના બાપની દિવાળી’માં ઍક્ટ‌િંગ કરે છે તેને મેં પૂછ્યું તો ખબર પડી કે વડોદરામાં ગાંધીનાં પફ બહુ ફેમસ છે. આ પફને હવે બ્રૅન્ડનેમ પણ આપવામાં આવ્યું છે, ‘મિ. પફ’. મેં જ્યારથી પફ ટેસ્ટ કર્યું છે ત્યારથી પફમાં બહુ રસ પડ્યો છે. ખાસ તો આ ગુજરાતના પફમાં. પફનું નામ આવ્યું એટલે મેં તો કીધું કે ચાલો, જલસો કરી નાખીએ. 
અમે પહોંચ્યા ‘મિ. પફ’ની મધર બ્રાન્ચ એટલે કે પહેલી શાખા પર જ્યાંથી આખી પફયાત્રા શરૂ થઈ. અહીં હજી પણ ‘ગાંધીના પફ’ એવું પાટિયું છે, જે નામે એ લોકો પૉપ્યુલર થયા હતા. સેકન્ડ જનરેશન આવી અને એણે બિઝનેસ હાથમાં લીધો એટલે કૉર્પોરેટ સ્ટાઇલ અપનાવીને ‘મિ. પફ’ બ્રૅન્ડ ડેવલપ કરી સેન્ટ્રલાઇઝ્ડ કિચન શરૂ કર્યું. આજે માત્ર વડોદરામાં જ એનાં ૨૮ આઉટલેટ્સ છે. ‘મિ. પફ’માં માત્ર અલગ-અલગ વરાઇટીનાં પફ જ નથી બનતાં. ભાતભાતની વરાઇટીની બ્રેડ, પેસ્ટ્રી, કેક પણ બને છે. વડોદરા સિવાય ગુજરાતનાં ઘણાં શહેરોમાં હવે એનાં આઉટલેટ્સ છે.
‘મિ. પફ’માં પંદરથી વધુ પ્રકારનાં પફ મળે છે એટલે એ બધાં નામો પર નહીં જઈએ, પણ જે વરાઇટી યુનિક હતી એની વાત કરું તો મૅગી પફ એમાં પહેલાં આવે. આ મૅગી પફમાં મૅગી નાખવામાં આવે છે. લોડેડ ચીઝમાં નામ મુજબ જ ખૂબબધું ચીઝ નાખવામાં આવે છે તો તીખું ખાવાના શોખીનો માટે વેજ કોલ્હાપુરી પફ છે. આ પફ ખાતી વખતે તમને પંજાબી સબ્ઝી વેજ કોલ્હાપુરી યાદ આવ્યા વિના રહે નહીં. આ ઉપરાંત સેઝવાન પફ, બટર પફ, પનીર પફ, ચીઝ પનીર પફ જેવી બીજી વરાઇટીઓ પણ છે. ચાર બાય અઢી ઇંચનું પફ બટર-પેપરમાં રૅપ કરીને આપે. સાથે કેચઅપ આપે. જોકે કેચઅપની જરૂર હોતી નથી. કેચઅપની જરૂર ન પડવાનું કારણ પણ સમજવા જેવું છે. ગરમાગરમ પફના દરેક ખૂણા સુધી એનો મસાલો પહોંચેલો હોય છે, જેને લીધે પફ ક્યાંય તમને ગળામાં અટકતું નથી અને જ્યારે ફીલઅપ કરીને કોઈ આઇટમ આપવામાં આવતી હોય ત્યારે આ વાતની ખાસ કાળજી લેવી જોઈએ.
હું ‘મિ. પફ’ની ખંડેરાવ માર્કેટ સામે આવેલી મધર બ્રાન્ચ પર ગયો હતો. આ ખંડેરાવ માર્કેટ વડોદરાનું બહુ જાણીતું લૅન્ડમાર્ક છે, પણ તમારે ત્યાં સુધી જવું ન હોય તો પણ તમે વડોદરામાં જ્યાં પણ હો ત્યાં આજુબાજુમાં ‘મિ. પફ’નું આઉટલેટ શોધી શકશો. સેન્ટ્રલાઇઝ્ડ કિચન હોવાના કારણે ટેસ્ટ એક જ સરખો મળશે. પફની ખાસિયત તમને સમજાવી. એ ભારોભાર ભરેલાં હોય છે, જે પફ માટે અનિવાર્ય છે.

Gujarati food mumbai food indian food Sanjay Goradia columnists