31 May, 2024 05:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોરસ આમલી
આપણે ત્યાં મીઠી આમલી તરીકે જાણીતી ગોરસ આમલી મૂળ મેક્સિકો અને સેન્ટ્રલ અમેરિકાનું ફળ છે. એને અંગ્રેજીમાં મદ્રાસ થૉર્ન કહેવાય છે અને પાકિસ્તાનમાં એને જંગલી જલેબી તો ઉત્તર ભારતમાં ગોરીકલિકા કહેવાય છે. ડાયાબિટીઝના દરદીઓ માટે એ ઇન્સ્યુલિનનું કામ આપતી હોવાની વાયકા છે. ઍન્ટિ-ઑક્સિડન્ટ્સથી ભરપૂર આ ફળમાં વિટામિન ‘સી’, વિટામિન ‘બી૧’, ‘બી૨’, ‘બી૩’, વિટામિન ‘કે’, આયર્ન, કૅલ્શિયમ, ફૉસ્ફરસ અને સારુંએવું ફાઇબર હોય છે. ડાયાબિટીઝના દરદીઓ માટે એ ઉત્તમ છે કેમ કે એનાથી બ્લડશુગરનું લેવલ કન્ટ્રોલ થાય છે તથા ઇમ્યુનિટી પણ સારી થાય છે. જોકે આ ફળનો ગર જ ખાવાના ઉપયોગમાં લેવો, બી નહીં.
નોંધ : પ્રેગ્નન્ટ અને બાળકને સ્તનપાન કરાવતી મમ્મીઓએ એનું સેવન ટાળવું.
સામગ્રી : ૫૦ ગ્રામ ગોરસ આમલી, ૫ ચમચી ખાંડ, ૫૦૦ મિલીલીટર દૂધ, ૨ ચમચી મિલ્ક પાઉડર, ૨થી ૩ ચમચી કાજુ અને બદામની કતરણ, ૧ ચમચી ઇલાયચી પાઉડર
બનાવવાની રીત : સૌપ્રથમ ગોરસ આમલીનાં બિયાં કાઢી એનો સફેદ ગર સાફ કરી ઝીણો સમારી લેવો. હવે એક પૅનમાં અડધો લીટર દૂધ ઉકાળવા મૂકો. આ દરમ્યાન સતત હલાવતા રહેવું. ૧૦થી ૧૫ મિનિટ દૂધને સરખું ઊકળવા દેવું. ત્યાર બાદ એમાં ચારથી પાંચ ચમચી ખાંડ ઉમેરવી. ગોરસ આમલીના જે પીસ કર્યા હતા એને મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરીને એ મિશ્રણ દૂધમાં ઉમેરવું. છેલ્લે એમાં મિલ્ક પાઉડર ઉમેરવો. મિલ્ક પાઉડરથી ખીરનો ટેસ્ટ ખૂબ જ સ્વાદિષ્ટ આવે છે. ૩થી ૪ મિનિટ સરખું હલાવી મિક્સ કર્યા બાદ એમાં ઇલાયચી પાઉડર અને કાજુ-બદામની કતરણ ઉમેરવી. ઠંડી કર્યા પછી આ ખીર બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.
સામગ્રી : ૧ નાની વાટકી બિયાં કાઢેલી ગોરસ આમલી, ૧ બાઉલ દહીં (ખાટું નથી લેવાનું), ૮થી ૧૦ ફુદીનાનાં પાન, ૧ લીલું મરચું, ૧/૪ ચમચી રાઈની દાળ, ૨ ચમચી પમ્પકિન સીડ્સ, ૧ ટીસ્પૂન શેકેલા જીરાનો પાઉડર, સ્વાદ અનુસાર મીઠું
બનાવવાની રીત : ગોરસ આમલીના ઝીણા-ઝીણા પીસ કરી લેવા. હવે એક બાઉલમાં લઈ એમાં દહીં ઉમેરવું. એમાં ચૉપ કરેલું મરચું અને ચૉપ કરેલો ફુદીનો ઉમેરવા. ફુદીનો ઝીણો સમારીને ઉમેરવાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હવે એમાં પમ્પકિન સીડ્સ અને જીરું પાઉડર, રાઈની દાળ અને મીઠું ઉમેરો. સરખું મિક્સ કરી એકદમ ઠંડું-ઠંડું સર્વ કરવું. પરોઠાં સાથે ખૂબ જ સરસ લાગે છે. તો તૈયાર છે ગરમીમાં એકદમ ઠંડક આપતું ગોરસ આમલીનું રાઈતું.
સામગ્રી : ૨૫૦ ગ્રામ ગોરસ આમલી
સ્ટફિંગ બનાવવા માટે : ૬ ચમચી ચણાનો લોટ, ૪ ચમચી શેકેલા સીંગદાણાનો ભૂકો, ૩ ચમચી કોપરાનું છીણ, ૧ ચમચી ખાંડ, ૧ ચમચી ધાણાજીરું પાઉડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, ૨ ચમચી આદું-મરચા-લસણની પેસ્ટ, ૧ લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું, ૩ ચમચી તેલ
ગ્રેવી માટેની સામગ્રી - ૨ ટમેટાંની ગ્રેવી, ૨ ચમચી આદું-લસણની પેસ્ટ, એક ચમચી રાઈ, એક ચમચી જીરું, બે ચમચી લાલ મરચું, એક નાની ચમચી હળદર, અડધી ચમચી હિંગ, એક કપ પાણી, ગાર્નિશિંગ માટે કોથમીર
બનાવવાની રીત : સૌપ્રથમ ગોરસ આમલીને છોલી બિયાં કાઢી લેવાં. બીજી તરફ સ્ટફિંગ માટેની બધી સામગ્રી ભેગી કરીને મિક્સ કરી દેવી. ગોરસ આમલીમાં સ્ટફિંગ ભરી લેવું. બચે એ મસાલો રહેવા દેવો, એ આપણે ગ્રેવીમાં ઉમેરવાનો રહેશે. હવે સ્ટફ કરેલી ગોરસ આમલીને ચારણીમાં ૨-૩ મિનિટ માટે બાફી લેવી. એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. એમાં રાઈ, જીરું, હિંગ, આદું-મરચાં-લસણની પેસ્ટ સાંતળવી. હવે ટમેટાંની પ્યુરી ઉમેરી ૪-૫ મિનિટ સાંતળવી. હવે એમાં વધેલો મસાલો ઉમેરવો અને સાથે હળદર, મરચું, મીઠું બધું ઉમેરવું અને થોડી વાર શેકાવા દેવું. જરૂર પ્રમાણે થોડું પાણી ઉમેરવું. એમાં સ્ટફ કરેલી ગોરસ આમલી ઉમેરવી. ઉપર કોથમીર નાખી ગરમ-ગરમ સર્વ કરવી.
સામગ્રી : પૂરણ માટે - ૧૦૦ ગ્રામ ગોરસ આમલી, ૧ ડુંગળી ઝીણી ચૉપ કરેલી, ૨ ચમચી તેલ, ૨ ચમચી જીરું, ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ, અડધી ચમચી હળદર પાઉડર, ૧ ચમચી લાલ મરચું, ૧ મોટી ચમચી ચણાનો લોટ, સ્વાદ અનુસાર મીઠું
પરાઠાં માટે - ૨-૩ ચમચી કોથમીર, ૧ બાઉલ ઘઉંનો લોટ
રીત : સૌપ્રથમ ગોરસ આમલીનો સફેદ ભાગ કાઢી એને મિક્સરમાં અધકચરો ક્રશ કરી લેવો. હવે એક પૅનમાં તેલ ગરમ કરી એમાં જીરું અને ચૉપ કરેલી ડુંગળી ઉમેરવી. હવે એમાં આદું-મરચાં-લસણની પેસ્ટ ઉમેરવી. ડુંગળી, આદું-મરચાંની પેસ્ટ બે મિનિટ શેકાઈ જાય એટલે એમાં બે ચમચી ચણાનો લોટ ઉમેરી શેકી લેવો. હવે એમાં લાલ મરચું, હળદર ઉમેરો. સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું. છેલ્લે એમાં કોથમીર નાખી ગૅસ બંધ કરી દો. સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હવે ઘઉંના લોટમાં મીઠું અને મોણ નાખી રોટલી જેવો લોટ બાંધવો. હવે કણકમાંથી પૂરી જેવું વણી એમાં સ્ટફિંગ ભરવું. સ્ટફિંગ ભરી વધારાનો લોટ કાઢી સરખું પ્રેસ કરી એકદમ હલકા હાથેથી પરાઠું વણવું. હવે લોઢી ગરમ કરી એમાં ઘીથી પરાઠાં ગોલ્ડન બ્રાઉન શેકી લેવાં. એકદમ હેલ્ધી અને ટેસ્ટી પરાઠાં તૈયાર થશે. ગોરસ આમલીનાં પરાઠાં દહીં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.