દેશ કરતાં પણ ચડિયાતું સાઉથ ઇન્ડિયન ફૂડ ટેસ્ટ કરવા મળ્યું ટૉરોન્ટોમાં

02 May, 2026 11:00 AM IST  |  Mumbai | Sanjay Goradia

મારો અનુભવ છે કે સાઉથ ઇન્ડિયન કુક જ સાઉથ ઇન્ડિયન ફૂડ બેસ્ટ બનાવે, પણ મારો આ અનુભવ કૅનેડામાં બદલાયો અને મને અદ્ભુત સાઉથ ઇન્ડિયન ફૂડ ટેસ્ટ કરવા મળ્યું

ઇન્ડિયન સ્પાઇસ

તમને ખબર છે એમ અમારા નાટકની કૅનેડાની ટૂર ચાલુ જ છે. કૅનેડાની અલગ-અલગ સિટીમાં અમારા નાટકના શો હોય, પણ મોટા ભાગે બને એવું કે અમે ટૉરોન્ટો પાછા આવ્યા હોઈએ એટલે ટૉરોન્ટોની રેસ્ટોરાં એક્સપ્લોર કરવાનો ચાન્સ વધુ મળે.

ટૉરોન્ટોમાં મને અમારા કૅનેડાના ઑર્ગેનાઇઝરે કહ્યું કે આજે તમને હું ઇન્ડિયન સ્પાઇસ રેસ્ટોરાંમાં લઈ જઉં છું. નામ સાંભળીને મને થયું કે અહીં ગુજરાતી, પંજાબી, નૉર્થ ઇન્ડિયન, સાઉથ ઇન્ડિયન વરાઇટીઝ મળતી હશે; પણ ના સાહેબ, આ રેસ્ટોરાંમાં માત્ર સાઉથ ઇન્ડિયન વરાઇટી જ મળતી હતી. મારો અત્યાર સુધીનો ફૉરેનનો અનુભવ એવો રહ્યો છે કે જો સાઉથ ઇન્ડિયન પોતે એ રેસ્ટોરાં ચલાવતા હોય તો જ સાઉથ ઇન્ડિયનનો સારો ટેસ્ટ કરવા મળે એટલે હું સહેજ ડબલ માઇન્ડમાં હતો કે આ રેસ્ટોરાંનું ફૂડ કેવું હશે. મનોમન વિચાર્યું કે હશે, પડશે એવા દેવાશે.

અમે તો પહોંચ્યા ઇન્ડિયન સ્પાઇસ અને ભાઈ, પુત્રનાં લક્ષણ પારણેથી કહેવતની જેમ મેનુ હાથમાં આવતાં જ મારી આંખો પહોળી થઈ ગઈ. જાતજાતના ઢોસા અને જાત-જાતના ઉત્તપા. અરે, અનેક ઢોસા તો એવા જે આપણે ઇન્ડિયામાં પણ સાંભળ્યા ન હોય, જોયા ન હોય. મારા સ્વભાવ મુજબ મેં સીધો અખતરો કરવાને બદલે સૌથી પહેલાં સાદો ઢોસો મગાવ્યો. અગાઉ તમને કહ્યું છે એમ કે જો સાચો સ્વાદ માણવો હોય તો અજાણી જગ્યાએ જાઓ ત્યારે બેઝિક આઇટમનો ટેસ્ટ પહેલાં કરવો. સાદા ઢોસાની ક્રિસ્પીનેસ અને સાથે આવેલી ચટણીઓ જોઈને હું સમજી ગયો કે ભાઈ, મજા તો પડવાની છે. ઢોસાનો ટેસ્ટ કર્યો અને એ વાતની ખાતરી પણ થઈ ગઈ. મેં એ ઢોસો ટેસ્ટ કર્યા પછી મારી પસંદનો ઘી-પોડી મસાલા ઢોસા મગાવ્યો.

એકદમ ક્રિસ્પી ઢોસો, એમાંથી આવતી પ્યૉર ઘીની સુગંધ, કાંદા-બટાટા અને અડદની દાળ નાખેલો મસાલો અને સાથે ૪ જાતની ચટણી : કોપરાની ચટણી, કોથમીરની ચટણી, પોડીની ચટણી અને ટમેટાની ચટણી. આ બધા ઉપરાંત એકદમ ગરમાગરમ સાંભાર. બધું જ એકદમ ઑથેન્ટિક અને સૌથી અગત્યની વાત, બધું એકદમ ફ્રેશ. ફૉરેનમાં ફ્રોઝનનો કન્સેપ્ટ સૌથી વધારે પૉપ્યુલર છે જે ત્યાં રહેતા ઇન્ડિયન્સે સ્વીકારી લીધો છે, પણ ફ્રોઝન ફૂડ તમે ટ્રાય કરો તો તરત જ તમને ખબર પડી જાય કે તમે પ્લાસ્ટિકના ફૂલ પર છાંટેલા અત્તરની ખુશ્બૂ લો છો. ફ્રોઝન ફૂડથી પેટ ભરાય પણ એમાં સત્ત્વ ન હોય, એમાં સ્વાદ ન હોય. ઇન્ડિયન સ્પાઇસમાં મારા એ ઘી-પોડી મસાલા ઢોસા અને એના પહેલાં મગાવેલા સાદા ઢોસામાં સત્ત્વ પણ હતું અને સ્વાદ પણ હતો.

થૅન્ક ગૉડ કે હું મારી સાથે મારા એક સાથી ઍક્ટરને લઈને ગયો હતો, જેણે તરત મને મારા આ બીજા ઑર્ડરમાં પણ કંપની આપવાની હા પાડી એટલે મેં તરત આપ્યો ત્રીજો ઑર્ડર અને આ ઑર્ડર હતો સ્વામીનારાયણ ઇડલી-વડા કૉમ્બો.

ઇડલી અને વડા તો રાબેતા મુજબનાં જ હતાં, પણ જે સાંભાર હતો એ સ્વામીનારાયણ ધર્મમાં આપવામાં આવેલા નિયમ મુજબનો કાંદા-લસણ વિનાનો હતો. જોકે એ પછી પણ સાંભારનો ટેસ્ટ અદ્ભુત હતો. એમાં ક્યાંય કાંદા-લસણનો અભાવ દેખાતો નહોતો અને એ જ એની ખાસિયત હતી. સાંભારની ખાસિયત એ હતી કે એ ગળ્યો નહોતો, જે બહુ અગત્યનું છે. આપણે ગુજરાતીઓ સાંભારમાં પણ મસ્ત મજાનો ગોળ, ખજૂર કે ખાંડ નાખીને ગળ્યો બનાવી નાખીએ છીએ, પણ સાંભાર ગળ્યો ન હોવો જોઈએ.

ઇન્ડિયન સ્પાઇસ એક ચેઇન રેસ્ટોરાં છે અને ટૉરોન્ટોમાં અનેક જગ્યાએ એની ફ્રૅન્ચાઇઝી છે. સાઉથ ઇન્ડિયન ફૂડની મોટામાં મોટી ખાસિયત એ કે એ ખાવામાં હેલ્ધી હોય છે અને લાંબો સમય પેટ ભારે નથી રહેતું. ટ્રાવેલિંગ કરતા લોકો માટે સાઉથ ઇન્ડિયન ફૂડ સૌથી બેસ્ટ કહેવાય. જો તમે કૅનેડામાં રહેતા હો કે પછી તમારા કોઈ સગાંવહાલાં કૅનેડામાં રહેતાં હોય તો તેમને ભૂલ્યા વિના આ રેસ્ટોરાં સજેસ્ટ કરજો. તેમને ચોક્કસ દેશની યાદ આવશે, મારી ગૅરન્ટી.

toronto food and drink food news street food Gujarati food mumbai food indian food Sanjay Goradia columnists gujarati mid day lifestyle news life and style