ટૂ ઇન વન

21 October, 2021 10:15 AM IST  |  Mumbai | Sejal Patel

એક રોલમાં બે ફ્લેવર પીરસતું ક્લાઉડ કિચન ‘કુડો’ રોલ ઉપરાંત મેક્સિકન, જૅપનીઝ અને લેબનીઝ બાઉલ મીલ્સની એવી વરાઇટીઝ પીરસે છે જે તમને ઘેરબેઠાં ભાગ્યે જ ક્યાંય મળતી હોય. અમે એના શૅરેબલ રોલ્સ અને કેટલાક બોલ્સ ટ્રાય કર્યા એ કેવા લાગ્યા એ વાંચો

કાત્ઝુ કરી વિથ સિલ્કન તોફુ

જ્યારે પણ તમે રોલ કે ફ્રૅન્કી ખાવા જાઓ ત્યારે કદી એવું થયું છે કે અડધો રોલ ખાધા પછી એમ થાય કે આ સારો તો છે, પણ બીજી ફ્લેવર પણ ટ્રાય કરવા મળે તો સારું! જોકે એક રોલ પૂરો ચટ કરી જાઓ તો પછી બીજા માટે પેટમાં જગ્યા બચે જ નહીં. આવું કદાચ તમામ ડિશમાં થાય; પણ બીજી બધી ડિશ તમે શૅર કરી શકો, જ્યારે રોલ શૅર કરવાનું બહુ ફાવે નહીં. આ સમસ્યાનો ઉકેલ આપ્યો છે ક્લાઉડ કિચન કુડોએ. હજી મહિના પહેલાં જ શરૂ થયેલા આ ક્લાઉડ કિચને ડ્યુઓ રોલ લૉન્ચ કર્યા છે. આ કન્સેપ્ટ કદાચ ઇન્ડિયામાં પહેલવહેલી વાર ઇન્ટ્રોડ્યુઝ થયો છે.
હાઉ ઇઝ ડ્યુઓ?
ડ્યુઓ રોલનો કન્સેપ્ટ નવો જરૂર છે, પણ શું એ પ્રૅક્ટિલ અને ભાવે એવો છે ખરો? એની ખરાઈ કરવા અમે કુડો ડ્યુઓ ટ્રાય કર્યું. વેજિટેરિયન્સ માટે હજી એક જ ડ્યુઓ રોલનો ઑપ્શન છે. પેસ્તો પોર્ટોબેલો રોલ ઍન્ડ બ્રી રોલ અને ચિપોતલે મેક્સિકન રોલ. કલરની દૃષ્ટિએ જોઈએ તો પેસ્તોનો ગ્રીન અને ચિપોતલેનો ઑરેન્જ રંગ ડ્યુઓ રોલને મસ્ત અલગ તારવે છે. પેસ્તો રોલમાં પોર્ટોબેલો મશરૂમ ઠાંસી-ઠાંસીને ભર્યા છે અને સાથે ગાયના દૂધમાંથી બનેલા એકદમ સૉફ્ટ બ્રી ચીઝની ક્રીમીનેસ મોંમાં મમળાવવી ખૂબ ગમે એવી છે. બીજી તરફ સ્મોકી ફ્લેવરનો ચિપોતલે સૉસ ધરાવતા મેક્સિકન રોલની સ્પાઇસીનેસ મોં ચોખ્ખું કરી દે એવી છે. લિટરલી જો તમે બાળકની જેમ વારાફરથી બન્ને તરફનો રોલ ખાશો તો મજા પડી જશે. લો એપિટાઇટ હોય તો ખરેખર એક રોલમાં પેટ ભરાઈ જાય એટલી ક્વૉન્ટિટી એમાં છે.
બ્રેઇન બિહાઇન્ડ 
આ ડ્યુઓ રોલનો નવતર પ્રયોગ કર્યો છે નેપિયન સી રોડ પર રહેતા જસ્ટ ૨૯ વર્ષના યંગ ઑન્ટ્રપ્રનર નિશાન્ત ઝવેરી અને તેના ફ્રેન્ડ પ્રણવ મહેરાની જોડીએ. બૉસ્ટન યુનિવર્સિટીમાંથી સ્ટડી કરીને નિશાન્ત ડિસેમ્બર ૨૦૧૯માં પાછો ઇન્ડિયા આવ્યો અને કઈ રીતે ક્લાઉડ કિચનની શરૂઆત થઈ એ વિશે તે કહે છે, ‘અમે બન્ને જબરા ફૂડી છીએ. હાઈ ક્વૉલિટી ફૂડની અમને સમજ પણ ખરી. જોકે ફેબ્રુઆરી ૨૦૨૦માં અમે જ્યારે પ્લાનિંગની શરૂઆત કરી ત્યારે વિચાર હતો ક્લાઉડ કિચન માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરીને એને રેન્ટ પર આપવાનો બિઝનેસ કરવાનો. જોકે બે જ મહિનામાં અમને ખબર પડી ગઈ કે આ કામ જોઈએ એટલું રિટર્ન આપે એવું નથી. એવામાં સામેથી અમને ફ્રાન્સેસ્કો પિત્ઝેરિયાની ફ્રેન્ચાઇઝી માટેની તક મળી અને અમે ઝંપલાવી દીધું.’ 
ફ્રાન્સેસ્કો પિત્ઝેરિયા અને નીનો બર્ગર્સ એમ બે ફૂડ બ્રૅન્ડ્સ ધરાવતી આ બેલડીનું લેટેસ્ટ વેન્ચર છે કુડો. સૌ જાણે છે કે પંજાબી અને ગુજરાતીઓ ફૂડ માટે ભેગા થાય એ પછી તો પૂછવું જ શું?  તેમનું ડેડિકેશન કુડોના 
મેનુમાં પણ છતું થાય છે. માર્કેટમાં અવેલેબલ રોલ્સ અને રૅપ્સમાં તમને પનીર, આલૂ અને કાબુલી ચણા જેવી ચીજો જ જોવા મળશે; પણ કુડોમાં મેક્સિકન, જૅપનીઝ અને લેબનીઝ રોલ્સ અને બોલ્સના એકદમ હટકે ઑપ્શન્સ અહીં છે. કુડોમાં વેજ અને નૉન-વેજ બન્નેનું સરસ બૅલૅન્સ છે અને એનું રાઝ ખોલતાં નિશાન્ત કહે છે, ‘હું જૈન હોવાથી પ્યૉર વેજ છું અને પ્રણવ નૉન-વેજિટેરિયન. એને કારણે બન્ને પ્રકારના ફૂડમાં અમે લોકોને શું ભાવે, શું બહુ ઓછું મળે છે એનો વિચાર 
કરીને મેનુ બૅલૅન્સ કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલું જ નહીં, કિચનમાં વેજ 
અને નૉન-વેજ સેક્શનમાં યોગ્ય સેપરેશન રહે એની પણ અમે ખાસ કાળજી રાખી છે.’
રૉક ઍન્ડ રોલ 
ડ્યુઓ રોલ ટ્રાય કરીએ છીએ તો સાથે બીજા રોલ્સ અને બાઉલ્સ પણ અમે મગાવી જ લીધા. જેમને તીખાશ પસંદ છે તેમના માટે તો અવો ઍન્ડ સ્પાઇસ્ડ કૉટેજ ચીઝ રોલ મસ્ટ ટ્રાય છે. રસ્ટિક ટમેટો સાલ્સા અને હૅસ અવોકાડોમાંથી બનેલા ગ્વાકામોલ ડિપની ક્રીમીનેસ આ રોલને સ્વાદ અને ટેક્સ્ચર બન્નેમાં રિચ બનાવે છે. રોલમાં બીજો પણ એક ઑપ્શન છે હલાલ કાર્ટ પનીર ઍન્ડ રાઇસ રોલ. નામ મુજબ સમજાઈ જાય એમ છે કે આ રોલ રાઇસ-રોટી, પનીર અને વેજિટેબલ્સથી ભરપૂર છે અને એટલે એ કમ્પ્લીટ મીલ ઑપ્શન છે. એની સાથે ક્રીમી યૉગર્ટ સૉસ અપાય છે જે ફ્લેવરમાં ઍડિશનલ બોનસ ઉમેરે છે. 
બાઉલ્સમાં પણ બલ્લે-બલ્લે
બાઉલ્સમાં અહીં જૅપનીઝ, મેક્સિકન, એશિયન અને લેબનીઝ ઑપ્શન છે; પણ રૂટીન ફ્લેવર્સ નથી. અહીંની એવી સ્પેશ્યલિટીની વાત કરીએ જે બીજે બહુ ઓછી જોવા મળે છે એ છે જૅપનીઝ બાઉલ્સ. સૌથી પહેલાં વાત કરીએ કાત્ઝુ કરી વિથ સિલ્કન તોફુની. કાત્ઝુ કરી મોટા ભાગે ચિકન સાથે ખવાતી હોય છે, પણ અહીં એનું તોફુ સાથેનું મિશ્રણ છે. ખરેખર સિલ્ક જેવા સુંવાળા તોફુના ટુકડાની ઉપર કશાકનું કોટિંગ કરીને એને ફ્રાય કરીને પૅટીસ જેવું બનાવવામાં આવ્યું છે. સાથે જૅપનીઝ ચીકણા રાઇસ અને કાત્ઝુ કરી સૉસ પીરસાય. બાઉલમાં જે એશિયન ગ્રીન વેજિટેબલ્સનો પૉર્શન છે એ ફ્રેશ અને ક્રન્ચી તો છે જ, પણ એમાંનાં ઘણાં વેજિટેબલ્સ એવાં છે જે આપણે ભાગ્યે જ કદી ટ્રાય કર્યાં હશે. આ ઉપરાંત બીજી ખાસિયત છે સેસમી સોબા નૂડલ્સ. સામાન્ય રીતે નૂડલ્સ રાઇસ, મેંદા કે ઘઉંમાંથી બનતા હોય છે, પણ જૅપનીઝ સોબા નૂડલ્સ બકવીટમાંથી બને છે અને એટલે એનો રંગ ઘેરો બ્રાઉન રંગનો હોય છે. જો રંગ જોઈને તમે ખાવું કે ન ખાવું એવું વિચારશો તો ટ્રાય કરવાનું મન જ નહીં થાય, પણ જો એની સાથે પિરસાયેલા જિન્જર સેસમી ડ્રેસિંગ નાખીને ટ્રાય કરશો તો મજા આવશે. ફાઇબરના ડોઝ તરીકે નૂડલ્સની સાથે સૉતે કરેલાં વેજિટેબલ્સ, સોયબીનના દાણા અને આખી પાપડી તેમ જ મશરૂમ્સ છે. જો એકદમ હટકે ડિશ ટ્રાય ન કરવી હોય તો પનીર-રાઇસનો બાઉલ પણ છે. એમાં કેસરથી પીળા કરેલા ચીકણા ચોખા, લેટસ, સ્પાઇસી મૅરિનેટેડ પનીર અને ખૂબબધું ક્રીમી યૉગર્ટ સૉસ છે. લેબનીઝ બાઉલમાં ગેમચેન્જર છે ક્રીસ્પી ફલાફલ અને હમસ. પીતા બ્રેડ ઓકે-ઓકે છે અને કદાચ એનું કારણ કિચનમાંથી તમારા ઘર સુધી પહોંચવામાં લાગતો લાંબો સમય પણ હોઈ શકે છે. 
સુપર્બ સૉસીઝ 
કુડોની જેટલી પણ વાનગીઓ અમે ટ્રાય કરી એ દરેકની સાથે પીરસાતા સૉસીઝ એ ડિશની જાન છે એમ કહીએ તો ચાલે. એ ગ્વાકામોલ હોય, ચિપોતલે અને બફેલો સૉસ હોય કે પછી હોમમેડ સીઝર ડિપ કે ક્રીમી હમસ હોય. ઇન ફૅક્ટ, એકલા સૉસીઝ પણ અહીંથી ઑર્ડર કરવાની ઇચ્છા થાય એવું છે.

ડિલિવરીમાં લિમિટેશન 
કુડોનું ક્લાઉડ કિચન અત્યારે મહાલક્ષ્મી અને મલબાર હિલમાં જ છે એટલે બાન્દરાથી આગળના મુંબઈમાં એની ડાયરેક્ટ ડિલિવરી નથી થતી. જોકે કો-ઓનર નિશાન્તનું કહેવું છે કે આગામી એક વર્ષમાં અમે મુંબઈમાં ચારથી પાંચ ક્લાઉડ કિચન ઊભાં કરવાની સાથે ઇન્ડિયાનાં બીજા મેટ્રો સિટીઝમાં પણ એક્સ્પાન્ડ કરવાની નેમ રાખીએ છીએ.

Gujarati food mumbai food indian food sejal patel columnists