26 December, 2024 09:56 AM IST | Mumbai | Kajal Rampariya
મશરૂમ
ભારતમાં દિવસે-દિવસે મશરૂમની ડિમાન્ડ વધી રહી છે ત્યારે એના સેવનથી થતા હેલ્થ બેનિફિટ્સથી ઘણા લોકો અજાણ છે. ઍન્ટિ-ઑક્સિડન્ટ્સનો ખજાનો ગણાતાં મશરૂમ સ્કિન અને હેરની સાથે સ્વાસ્થ્ય માટે પણ આરોગ્યપ્રદ છે. એના ગુણધર્મો વિશે જાણીએ
ભારતમાં મશરૂમની ડિમાન્ડ દિવસે-દિવસે વધી રહી છે. ગુજરાતી ઘરોમાં એનો વપરાશ બહુ મર્યાદિત છે, પણ આજકાલ ગુજરાતીઓ પણ પીત્ઝા-પાસ્તામાં ટૉપિંગ તરીકે મશરૂમ આરોગી રહ્યા છે. સૅલડ અને શાક બનાવવામાં પણ એનો વપરાશ વધ્યો છે. સારા ટેસ્ટને કારણે તો ભારતીય રસોડામાં મશરૂમની લોકપ્રિયતા વધી રહી છે પણ એના ગુણધર્મો શરીરને કઈ રીતે ફાયદો આપે છે એ કોઈને ખબર નહીં હોય. ત્વચાની હેલ્થને સારી રાખવા માટે હેલ્થ-એક્સપર્ટ મશરૂમ ખાવાની સલાહ આપે છે. આ સાથે એમાં રહેલાં
ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ અને મિનરલ્સ ઘણી બીમારીને થતી અટકાવે છે. મશરૂમ વિશે વધુ ડાયટિશ્યન મેઘા જૈન પાસેથી જાણીએ.
ત્વચા માટે પાવરહાઉસ
કોઈ પણ ફ્રૂટ કે વેજિટેબલ્સમાં પાણીનું પ્રમાણ વધારે હોય અને તમે એનું સેવન કરો તો એ સ્કિનની હેલ્થ માટે સારું માનવામાં આવે છે. મશરૂમમાં ૮૦થી ૯૦ ટકા પાણી હોય છે જે ત્વચાને ફ્રી રૅડિકલ્સથી રક્ષણ આપે છે. એ વૃદ્ધત્વને રોકવાની સાથે સ્કિન ડૅમેજથી પણ બચાવે છે. મશરૂમમાં વિટામિન Dનું પ્રમાણ સૌથી વધુ હોવાથી એ ચહેરા પર કરચલીઓ પડવા દેતું નથી અને સ્કિનને યંગ રાખવામાં અને એના ટેક્સ્ચરને સ્મૂધ બનાવવામાં મદદ કરે છે. મશરૂમમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી ડ્રાય સ્કિનની પણ સમસ્યા રહેતી નથી. એ ત્વચાને અંદરથી હાઇટેડ રાખવામાં મદદ કરે છે, જેને લીધે એ વધુ ગ્લો કરે છે. મશરૂમ એક ફંગસ વેજિટેબલ હોવાથી એમાંથી ઉત્પન્ન થતું કોજિક ઍસિડ સ્કિનના પિગમેન્ટેશન અને ડાર્ક સ્પૉટ્સને હટાવવામાં મદદ કરે છે. આ ઍસિડ સ્કિન-ટોનને પણ સુધારે છે અને ત્વચામાં રહેલા પ્રોટીન કૉલેજનને બૂસ્ટ કરે છે. તંદુરસ્ત ત્વચા માટે કૉલેજનનું પ્રમાણ સારું હોય તો એ ત્વચાને સૉફ્ટ બનાવે છે અને નવા કોષોનું નિર્માણ કરે છે ત્યારે એની સીધી અસર ચહેરા પર દેખાય છે. મશરૂમમાં રહેલાં ઍન્ટિ- ઇન્ફ્લેમૅટરી અને ઍન્ટિ-બૅક્ટેરિયલ તત્ત્વો ખીલની સમસ્યા સામે લડે છે. આ ઉપરાંત ત્વચામાં વારંવાર થતા ઇન્ફ્લમેશન એટલે કે સોજાની સમસ્યાથી પણ છુટકારો આપે છે. મશરૂમમાં રહેલા ઝિન્કમાં પણ હીલિંગ પ્રૉપર્ટીઝ છે. એ સીબમ પ્રોડક્શનને રોકે છે એટલે જેની સ્કિન ઑઇલી હોય અને મશરૂમનું સેવન કરે તો તેમને થોડા દિવસમાં ફરક દેખાશે અને હેલ્ધી કૉમ્પ્લેક્શનને જાળવી રાખવામાં મદદ કરશે. ટૂંકમાં, મશરૂમમાં ડૅમેજ્ડ સ્કિનને રિપેર કરવાની તાકાત છે.
હેરગ્રોથ પ્રમોટ કરે
સ્કિન-હેલ્થની સાથે હેર-હેલ્થ માટે પણ મશરૂમના સેવનને આઇડિયલ માનવામાં આવે છે. એમાં રહેલાં પોષક તત્ત્વો વાળને પણ ફાયદો આપે છે. મશરૂમમાં રહેલું વિટામિન D ત્વચાના ડૅમેજ્ડ કોષોને તો રિપેર કરે જ છે અને સાથે ખરતા વાળની સમસ્યાને પણ દૂર કરે છે. આ ઉપરાંત એમાં રહેલું પોષક તત્ત્વ બાયટીન પાતળા વાળને જાડા અને મૂળથી મજબૂત કરવામાં મદદરૂપ બને છે. આમ મશરૂમના સેવનથી નવા વાળનો ગ્રોથ ઝડપી બને છે.
હજી પણ છે અઢળક ફાયદા
મશરૂમ એવું વેજિટેબલ છે જેની ખેતી આપણા દેશમાં મોટા પાયે થાય છે અને શિયાળામાં એ સહેલાઈથી મળી રહે છે. એ સ્વાદમાં સારું હોવાની સાથે હેલ્થ માટે પણ સારું છે, પણ આ વાત ઘણા લોકોના મગજમાં બેસતી નથી. કેટલાક લોકો તો મશરૂમને નૉનવેજ સમજીને ખાતા નથી, પણ આ ધારણા ખોટી છે. મશરૂમ શાકાહારી વેજિટેબલ છે અને એનું ટેક્સ્ચર મુલાયમ હોય છે. ખાસ કરીને વાઇટ બટન મશરૂમ. ભારતમાં એ સૌથી વધુ લોકપ્રિય છે. મશરૂમમાં સૌથી ઓછી કૅલરી હોય છે તેથી એ વજનને ઘટાડવાની સાથે નિયંત્રણમાં રાખે છે. એમાંથી ફક્ત ૧૫ કે ૨૦ જેટલી જ કૅલરી મળે છે. એમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ઓછું અને ફાઇબર વધુ હોવાથી પેટ જલદી ભરાઈ જાય છે. આ ઉપરાંત એમાં વિટામિન B, મૅગ્નેશિયમ અને પોટૅશિયમની સાથે સલીનીયમ અને વિટામિન E પણ મળી રહે છે. સલીનીયમ બહુ મહત્ત્વપૂર્ણ મિનરલ છે જે હૃદયરોગ, કૉલેસ્ટરોલ અને સ્ટ્રોક જેવી બીમારી થવાના જોખમને ઓછું કરે છે અને રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આ ઉપરાંત મશરૂમનું સેવન શરીરને ઇન્ફેક્શન થતું બચાવે છે અને બ્લડ-પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. આ ઉપરાંત એના ગુણધર્મો પાચનતંત્ર માટે પણ સારા શરીરના ફંક્શનિંગને સરળ બનાવે છે. મશરૂમ એક પ્રકારે ડીટૉક્સિફિકેશન કરે છે એમ કહેવું ખોટું નથી. જો પાચનતંત્ર સારું રહેશે તો શરીરમાં ટૉક્સિન્સ જમા નહીં થાય અને રોગ કે ઇન્ફેક્શન થવાની સંભાવના આપમેળે ઘટી જશે. મશરૂમમાં ઇન્સ્યુલિન-ફ્રેન્ડ્લી પ્રૉપર્ટીઝ હોવાથી એ બ્લડ-શુગરને નિયંત્રણમાં રાખે છે એથી ડાયાબિટીઝના દરદીઓ માટે ફાયદાકારક છે. આ સાથે એમાં રહેલી
ઍન્ટિ-ઑક્સિડન્ટ પ્રૉપર્ટીઝ ડાયાબિટીઝ થવાના જોખમને ઓછું કરે છે. મશરૂમને કૅલ્શિયમનો મુખ્ય સ્રોત માનવામાં આવે છે. એમાં જરૂરી દરેક ન્યુટ્રિઅન્ટ હોય છે. આપણે એનું સેવન રેગ્યુલર કરવું જોઈએ. એ આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે. તેથી શક્ય હોય એટલો આપણા આહારમાં એનો સમાવેશ કરવો જોઈએ.
બધાને સૂટ ન કરે
પોષક તત્ત્વોથી ભરપૂર મશરૂમ બધાને જ સૂટ કરે એવું જરૂરી નથી. એને જરૂર કરતાં વધુ આરોગવામાં આવે તો સાઇડઇફેક્ટ્સ થઈ શકે છે. ઘણા લોકોને ફંગલ ફૂડની ઍલર્જી હોય છે, એ લોકોએ મશરૂમથી અંતર જાળવી રાખવું જોઈએ. આવા લોકો મશરૂમ ખાય તો ત્વચા પર ચકામાં, બળતરા કે ગળામાં ઇરિટેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે. ઘણી વાર મશરૂમ ખાધા બાદ અનઈઝી ફીલ થાય છે. પહેલી વાર ખાધા બાદ જો આવું ફીલ થાય તો બીજી વાર એનું સેવન કરવાનું ટાળવું જોઈએ. પ્રેગ્નન્ટ સ્ત્રીઓએ મશરૂમ ખાવું જોઈએ કે નહીં એનું કોઈ ખાસ પ્રમાણ કે અધ્યયન નથી. તેથી અમે ગર્ભાવસ્થા દરમિયાન મશરૂમને આરોગવાની ના પાડીએ છીએ. કેટલાક લોકોને મશરૂમ ભારે લાગે છે. એટલે કે એ ખાધા બાદ પેટ ફૂલવાની સમસ્યા, ઝાડા, મરોડ કે ઊલટી થાય છે. આવું થાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો.
મશરૂમ વિશે જાણવા જેવું
તાજાં કુમળાં બટન મશરૂમ પાકે છે ત્યારે ચૉકલેટી કલરનાં થાય અને સાઇઝમાં મોટાં ને ગરભદાર હોય છે ને ટેસ્ટમાં પણ હળવાં હોય છે. આ મશરૂમને પોર્ટબેલો મશરૂમ કહેવાય છે. હકીકતમાં એ બટન મશરૂમના ઉત્તમ રૂપમાં હોય છે. એને ટુકડા અથવા સ્લાઇસ કરી ગ્રિલ કરી શકાય અથવા સ્લાઇસ કરીને પીત્ઝા અથવા ઇટાલિયન વાનગીઓમાં વધુ વપરાય છે. આ ઉપરાંત ભારતમાં સફેદ અને લાઇટ બ્રાઉન કલરના સૌથી વધુ ખવાતાં બટન મશરૂમ પીત્ઝાના ટૉપિંગ, નૂડલ્સ અથવા સૂપમાં વાપરવામાં આવે છે. એ નજીકની કરિયાણાની દુકાનમાં સહેલાઈથી મળી જશે.
કેવી રીતે ખાશો?
સામાન્યપણે આપણાં ઘરોમાં મશરૂમનું સેવન એનું શાક બનાવીને કરીએ છીએ. વાઇટ બટન મશરૂમને હેલ્થ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. એનું શાક બનાવવામાં આવે તો તેલ અને મસાલા મશરૂમમાં ઍબ્સૉર્બ થઈ જાય છે. શાક બનાવીને ખાઓ તો ત્રણથી ચાર પીસથી વધુ આરોગવા ન જોઈએ. આ ઉપરાંત ઘણા લોકો પીત્ઝા-પાસ્તામાં પણ ટૉપિંગમાં મશરૂમ ઍડ કરાવતા હોય છે. મેંદો, શુગર અને ચીઝ જેવી અનહેલ્ધી ચીજો સાથે મશરૂમ ખાવામાં આવે તો એનો ફાયદો મળતો નથી. પણ હા, મશરૂમ પીત્ઝા ખાઓ તો એના બેનિફિટ શરીરને મળી શકે છે. આ ઉપરાંત એનું સૂપ અને સૅલડ બનાવીને પણ લઈ શકાય.
ખાઓ મગર ધ્યાન સે
જંગલી અને હેલ્ધી મશરૂમ વચ્ચે તફાવત સમજવો મુશ્કેલ છે તેથી સારી જગ્યાનાં મશરૂમ વાપરવાં સલામત રહેશે, નહીં તો જંગલી મશરૂમ ઝેરી નીવડે છે અને એનાથી ગંભીર અસર થાય છે અને ક્યારેક મૃત્યુ પણ થાય છે. તેથી વિશ્વાસુ સ્થળેથી મશરૂમ લેવાં જોઈએ. જોકે વાઇટ બટન મશરૂમ સૌથી સેફ ઑપ્શન છે.