18 July, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફણગાવેલા વાલની દાળની ખીચડી
સામગ્રીઃ પા કિલો ફણગાવેલી વાલની દાળ (સુરતી વાલને પાંચથી છ કલાક પલાળવા. પછી એને પાંચ-છ કલાક કૉટનના કપડામાં બાંધી રાખવા. ત્યાર બાદ નવશેકા પાણીમાં નાખીને છોલી કાઢવા. વાલની દાળ તૈયાર). પા કિલો બાસમતી ચોખા જરા વાર પલાળવા. વઘાર માટે ચારથી પાંચ ચમચા તેલ, બે ચમચી રાઈ તથા ચપટીક હિંગ. બે ચમચી ચોખ્ખું ઘી ચોખા શેકવા માટે. ૫૦ ગ્રામ કાજુના ટુકડા, ત્રણ નાના ટુકડા તજ, બે કે ત્રણ લવિંગ, એક ચમચી રાઈ, ત્રણથી ચાર ચમચી તેલ, ચાર ચમચી ખાંડ, મીઠું સ્વાદ મુજબ. ખીચડી પર ભભરાવવા ઝીણી સમારેલી કોથમીર તથા છીણેલું કોપરું.
રીત : જરા મોટી કડાઈમાં વઘાર માટે તેલ મૂકવું. રાઈ નાખવી. તેલ તતડે એટલે હિંગ નાખી દોઢેક ગ્લાસ પાણી નાખવું. એ ગરમ થાય એટલે એમાં વાલની દાળ નાખવી. બાજુમાં નાની કડાઈમાં ઘી મૂકી એમાં તજ, લવિંગ, જીરું તથા કાજુ નાખી ચોખા નાખી દેવા. સાથે વાટેલાં લીલાં મરચાં, મીઠું, ખાંડ તથા પા ચમચી ગરમ મસાલો નાખીને બધું હલાવી, ઢાંકીને સીઝવા દેવું. પાણી ઓછું લાગે તો જરા નાખવું, બાકી ખીચડી છૂટી થાય એમ કરવું. ચડી ગયા બાદ ઢાંકીને ઉતારી લેવું. સર્વ કરતી વખતે ઉપરથી કોથમીર-કોપરું છાંટવાં. કડાઈમાં થોડું છાંટી દેવું. ખીચડી તૈયાર. આ ખીચડી દહીંના મઠા સાથે બહુ જ સરસ લાગે છે. સાથે ખાવા પૂરી કે ભાખરી બનાવવી.
-કલ્પા દેસાઈ