હજાર રૂપિયે કિલો મળતા ફાફડા ટેસ્ટ કર્યા છે તમે?

19 August, 2021 12:00 PM IST  |  Mumbai | Sanjay Goradia

અમદાવાદમાં ઇસ્કૉનના ફાફડા તો પૉપ્યુલર છે જ, પણ એવા જ સ્વાદિષ્ટ ફાફડા ઓસવાલના છે. ઇન્કમ ટૅક્સ સર્કલ પાસે આવેલા ઓસવાલના ફાફડા બજારમાં મળતા ફાફડા કરતાં ડબલ ભાવના છે જોકે એનો સ્વાદ તો કોઈ પણ ફાફડા કરતાં ત્રણગણો વધારે છે

ઓસવાલનાં ફાફડા-જલેબી મળે એટલે દિવસ સુધરી જાય.

હમણાં લાંબા સમય પછી અમદાવાદ જવાનું થયું અને અમદાવાદ જ્યારે પણ જવાનું બન્યું છે ત્યારે મેં આપણી ગુજરાતી વરાઇટીઓનો જલસો કર્યો છે. ખાસ કરીને ફાફડા-જલેબીનો. આમ તો હવે આપણે ત્યાં પણ ગુજરાત જેવા જ ફાફડા અને જલેબી મળવા માંડ્યાં છે. છતાં કહેવું પડે ગુજરાતના ફાફડા એટલે એ-વન ફાફડા અને એમાં પણ અમદાવાદના ઓસવાલના ફાફડા અને જલેબી એટલે સાહેબ, જલસો જ જલસો. ભાગ્યે જ કોઈ અમદાવાદી એવો હશે જેણે ઓસવાલના ફાફડા નહીં ખાધા હોય. સામાન્ય રીતે ફાફડાનો ભાવ ચારસોથી પાંચસો રૂપિયાનો હોય, પણ ઓસવાલના ફાફડાનો ભાવ ૯૩પ રૂપિયે કિલો છે. આ ભાવ વાંચીનો જો આંખો ફાટી ગઈ હોય તો એ જરાક નાની કરી નાખો; કારણ કે ફાફડાની ક્વૉલિટી એટલે ભાઈ, આ ભાવ પણ નાનો લાગે.
ટ્રેનમાં અમદાવાદ વહેલી સવારે આવી જાય એટલે હું મારા બીજા સાથી કલાકારો શરદ શર્મા, ભાવિતા સંઘવી, નીલેશ પંડ્યા અને વિનાયક કેતકર સાથે ઇન્કમ ટૅક્સ સર્કલ, જ્યાં ઓસવાલની અફલાતૂન મોટી રેસ્ટોરાં છે ત્યાં જઈને ફાફડા-જલેબી અને ગોટાનો ઑર્ડર આપીએ. જોકે આજે આપણે વાત કરવાની છે માત્ર ને માત્ર ફાફડા-જલેબીની જ. ગુજરાત અને સૌરાષ્ટ્રના ફાફડા વચ્ચે એક બેસિક તફાવત છે. સૌરાષ્ટ્રના ફાફડા ચપટા અને એકદમ પાતળા કહો કે વેફર્સ જેવા હોય, જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતના ફાફડા સહેજ જાડા અને ભૂંગળીની જેમ ગોળ વળી ગયા હોય છે. અમદાવાદમાં તમને ફાફડા સાથે કઢી-ચટણી, પપૈયાનો સંભારો અને મરચાં આપે તો સૌરાષ્ટ્રમાં પપૈયાના સંભારા સાથે કાકડી-ટમેટાં અને કોબીનું સૅલડ કે ગાજરનો સંભારો પણ મળે અને તળેલાં મરચાં પણ હોય. અમુક જગ્યાએ તો ચણાનો લોટ ભરેલાં તળેલાં મરચાં પણ આપે અને એ ફાફડા સાથે તોલમાં અને ફાફડાના ભાવે જ મળે. સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ હવે કઢી-ચટણી આપવા માંડ્યા છે; પણ અમુક જગ્યાએ, બધે એ નથી મળતી. સૌરાષ્ટ્રમાં તો હવે ફાફડા સાથે બટાટાની ચિપ્સ (વેફર્સ નહીં) પણ આપવાની નવી સિસ્ટમ શરૂ થઈ છે. કડક ફાફડા સાથે બટાટાની તાજી ચિપ્સની સૉફ્ટનેસનું કૉમ્બિનેશન નવું અને ઇન્ટરેસ્ટિંગ પણ છે. ફાફડા હોય, ચ‌િપ્સ હોય અને સાથે સંભારો, મરચાં, ચટણી, ફ્રૂટ ચટણી હોય. આ ફ્રૂટ ચટણી એવી વરાઇટી છે જે સૌરાષ્ટ્રમાં બહુ ચાલી છે. અત્યારે વાત કરીએ આપણે ઓસવાલના ફાફડાની. 
ઓસવાલના ફાફડા કાઠિયાવાડી ફાફડા કરતાં સહેજ જાડા ને કરકરા; પણ દાંત તો દૂર, જીભથી ભાંગી જાય એવા સૉફ્ટ. એમાં હિંગ, કાળા મરી અને અજમો પણ નાખેલાં હતાં. ચણાના લોટ સાથે ખાધેલો અજમો પેટને ભારે નથી કરતો. કઢી-ચટણી પણ અફલાતૂન. જોકે ઓસવાલના પપૈયાના સંભારામાં મજા ન આવી. સંભારો ઇસ્કૉનનો અદભુત હોય છે.
ફાફડા સાથે આવેલી જલેબી મોઢામાં પાણીના ફુવારા છોડે એવી અને નામની જ કેસરયુક્ત નહીં, કેસરની પત્તી રીતસર તમને જલેબી પર દેખાય અને શુદ્ધ ઘીની સોડમ પણ આવે.  
આગળ મેં કહ્યું એમ અમે પાંચ જણ હતા. પેટ ભરીને નાસ્તો કર્યા પછી હજાર રૂપિયા બિલ આવ્યું એટલે કહો કે પર હેડ બસો રૂપિયા. એમાં બધું આવી ગયું અને કહ્યું એમ પેટ ભરીને નાસ્તો કર્યા પછી. બાકી ચણાનો લોટ આમ પણ ભારે હોય. બેસનની આઇટમ તમે દોઢસો-બસો ગ્રામથી વધારે ખાઈ ન શકો.

Sanjay Goradia columnists Gujarati food mumbai food indian food