15 June, 2025 06:57 AM IST | Toronto | Sanjay Goradia
એસ. મોતીરામ.
અત્યારે મારા નાટકના શો કૅનેડામાં ચાલે છે એટલે આવતાં બેચાર અઠવાડિયાં હું તમને કૅનેડાની વાનગીઓનો આસ્વાદ આપતો રહીશ એવું મારા મનમાં હતું, પણ પહેલા અઠવાડિયે જ એવું બન્યું કે કૅનેડા જઈને પણ મને આપણી ગુજરાતની વાનગી મળી ગઈ. બન્યું એમાં એવું કે ફૉરેનમાં શો હોય ત્યારે તમારા જે પ્રમોટર હોય તે રોજ તમને અલગ-અલગ જગ્યાએ જમવા માટે લઈ જાય. અમારા નૅશનલ પ્રમોટર અમને ટૉરોન્ટોમાં એક જગ્યાએ જમવા લઈ ગયા અને નામ વાંચીને હું આભો થઈ ગયો. એસ. મોતીરામ.
આ જે એસ. મોતીરામ છે એની ઓરિજિનલ બ્રાન્ચ સુરતમાં છે અને મારે સુરતમાં તેમને ત્યાં જવું છે પણ સમયના અભાવે રહી જાય છે. આ એસ. મોતીરામનાં સરસિયા ખાજાં આખા ગુજરાતમાં બહુ પૉપ્યુલર છે. સરસિયા ખાજાંને સરસવના તેલમાં તળવામાં આવતાં હોવાથી એને સરસિયા ખાજાં કહે છે જે મોટા ભાગે ચોમાસામાં ખાવામાં આવે છે. સરસિયા ખાજાં ખાવાની બેત્રણ રીત છે. એક, એમાં ખાજાં પર લીંબુ અને મરી નિચોવીને ખાવામાં આવે તો સરસિયા ખાજાં અને કેરીના રસનું કૉમ્બિનેશન પણ અદ્ભુત છે. ચા અને સરસિયા ખાજાંનું કૉમ્બિનેશન તો અદ્ભુત છે જ છે પણ એસ. મોતીરામની ટૉરોન્ટોની આ રેસ્ટોરાંમાં મેં એક નવી જ વરાઇટી ટેસ્ટ કરી, સરસિયા ખાજા ચાટ.
ખાજાના ટુકડા અને એમાં જાતજાતની ચટણી અને પછી એમાં દહીં ને બીજા મસાલા, સેવ અને એવું બધી નાખીને એ બનાવી હતી. મજા પડી ગઈ. થોડી વાર પછી મને એ લોકોએ સરસિયા ખાજાં અને આપણી આફુસ કેરીનો રસ પીરસ્યો અને મારી તબિયત ખુશ થઈ ગઈ. અહીં ગુજરાતની અઢળક વરાઇટીઓ મળતી હતી. તમને ખબર હોય તો અમદાવાદમાં શંભુનો કોકો બહુ પૉપ્યુલર છે.
કોકો મુંબઈમાં ખાસ પિવાતો નથી પણ આ જે કોકો છે એ ઓરિજિનલી સુરતની શોધ. કોકોને સાદી ભાષામાં સમજાવવો હોય તો કહી શકાય કે લિક્વિડ ચૉકલેટ. એકદમ ઘટ્ટ હોય. સિત્તેરથી એંસી ટકા ચૉકલેટ અને વીસથી ત્રીસ ટકા જેટલું દૂધ. જો મોટો ગ્લાસ પીઓ તો તમારું પેટ ભરાઈ જાય. આ કોકો પણ ટૉરોન્ટોની એસ. મોતીરામની રેસ્ટોરાંમાં મને પીવા મળી ગયો અને સુરતની જગવિખ્યાત ઘારીનો આસ્વાદ પણ મેં ટૉરોન્ટોમાં માણ્યો. આ ઉપરાંત મોમોઝથી માંડીને પાંઉભાજી અને ઇન્ડિયન સ્ટાઇલના નૂડલ્સ જેવું બીજું અનેક ફૂડ પણ અમને આ એસ. મોતીરામમાં માણવા મળ્યું.
વાત કરતાં મને ખબર પડી કે એસ. મોતીરામની આ રેસ્ટોરાંમાં મોટા ભાગે ઇન્ડિયન આવતા હોય છે. કૅનેડા ભણવા ગયેલા દસમાંથી આઠ કે નવ વિદ્યાર્થી પછી અહીં જ રહી જતા હોય છે. એ બધા આ એસ. મોતીરામના નિયમિત કસ્ટમર છે તો એસ. મોતીરામમાં કૅનેડિયન પણ આવતા રહેતા હોય છે.
મિત્રો, હું રોમમાં જઈને રોટલી ને પૅરિસમાં જઈને પાતરાં શોધવાની માનસિકતા નથી ધરાવતો પણ જો અચાનક મને આવું કંઈ ટ્રાય કરવા મળી જાય તો એ ટેસ્ટ કરવાનું પણ ચૂકતો નથી. ઘણી વાર આવી ટ્રાયલમાં ખબર પડે કે ગુજરાતી કે ઇન્ડિયન ફૂડના નામે તે તમને કેવા છેતરે છે. પણ એસ. મોતીરામનું કહું તો ખરેખર એ જ સ્વાદ જે સ્વાદ તમને સુરતમાં મળતો હોય છે. પૂછપરછ કરી તો ખબર પડી કે મોટા ભાગનાં ઇન્ગ્રીડિઅન્ટ્સ એ લોકો સુરતથી જ મગાવે છે. સ્વાદની ઑથેન્ટિસિટીને ધ્યાનમાં લઈને જ હું કહું છું કે તમે ટૉરોન્ટો આવો ત્યારે અને તમારાં કોઈ સગાંવહાલાં ટૉરોન્ટોમાં રહેતાં હોય તો તેમને પણ એસ. મોતીરામમાં આવવાનું અવશ્ય કહેજો. એટલું મોંઘું પણ નથી કે સ્ટુડન્ટ દેશની યાદ માણવા માટે ત્યાં ન જઈ શકે.