ચેન્નઈમાં ગુજરાતીની મીઠાઈની દુકાન અને એ પણ નંબર વન!

17 August, 2023 02:45 PM IST  |  Mumbai | Sanjay Goradia

હા, શ્રી મીઠાઈની મીઠાઈઓ અને ત્યાંની ચાટ આઇટમ ખાવા માટે તામિલિયનો લાંબી લાઇન લગાવીને ઊભા રહે એ કામ તો આપણો ગુજરાતી વિરલો જ કરી શકે

સંજય ગોરડિયા

આપણી ફૂડ ડ્રાઇવ હજી ચેન્નઈમાંથી બહાર નથી આવી.

હા, આ વખતે પણ આપણે ચેન્નઈમાં જ એક મસ્ત જગ્યાએ જવાનું છે. સર્વણા ભવન અને મુરુગન ઇડલી પછી ચેન્નઈમાં આ ત્રીજી ફૂડ ડ્રાઇવ છે, જે સાવ જ અનાયાસે મને મળી ગઈ. આ ફૂડ ડ્રાઇવ માટે મારું કોઈ પ્લાનિંગ હતું નહીં. બન્યું એમાં એવું કે અમારા નાટકનો સાંજના શો હતો એટલે અમારે બપોરે થિયેટર પર જવાનું હતું. મને અમારા ઑર્ગેનાઇઝરે કહ્યું કે તમે થિયેટર પર જાઓ છો તો રસ્તામાં જ શ્રી મીઠાઈ આવે છે, ત્યાં જશો? મેં કારણ પૂછ્યું તો મને કહે કે એના માલિક મુકેશ પટેલ અમારી સંસ્થાના મુખ્ય કાર્યકર્તા છે, તમે જશો તો એમને ખૂબ ગમશે.

મેં હા પાડી એટલે બપોરે મને લેવા માટે ગાડી આવી. હું ત્યાં ગયો શ્રી મીઠાઈમાં. આ શ્રી મીઠાઈ જોઈને હું તો આભો થઈ ગયો. ચેન્નઈ જેવા દેશના ત્રીજા નંબરના મેટ્રો સિટીમાં એક ગુજરાતીની આટલી મોટી દુકાન અને એમાં આટઆટલી મીઠાઈઓ.

ઓહોહોહો...

દુકાનમાં આંટો મારતાં-મારતાં મેં એક-એકથી ચડિયાતી મીઠાઈઓ જોઈ, જેની શરૂઆત કાઉન્ટર પર જ થઈ ગઈ. કાઉન્ટર પર મેં જોયા કાચા ગુલ્લા. આ કાચા ગુલ્લા એ આમ તો આપણા રસગુલ્લા જ હોય, પણ રસગુલ્લામાં જે ચાસણી હોય એ ચાસણી એમાં ન હોય. એમ જ સીધા ગુલ્લા હોય. બહુ અદ્ભુત સ્વાદ. ખાવામાં એકદમ સૉફ્ટ. એ પછી મેં ત્યાં સંદેશ જોયા. સંદેશ કલકત્તામાં તો મેં ઘણી વાર ખાધા છે અને હવે તો આપણે ત્યાં મુંબઈમાં બેન્ગૉલ સ્વીટ્સમાં પણ જાતજાતના સંદેશ મળે છે. આ પ્રકારની મીઠાઈઓ બંગાળમાં હોય એ તો સમજાય અને યુપી, બિહારમાં મળે એ પણ કબૂલ પણ ચેન્નઈમાં મળે! મારા માટે નવી વાત હતી એટલે મેં સંદેશ ટ્રાય કર્યા. એકદમ ઑથેન્ટિક ટેસ્ટ અને સાવ ફ્રેશ. એ પછી કેસર બાટી નામની એક વરાઇટી હતી. આ કેસર બાટીમાં કેસર નાખેલું ઘટ્ટ દૂધ હોય અને એમાં રસમલાઈ જેવી મલાઈમાંથી બનેલી સ્વીટ હોય. તમે ચમચીથી એ આઇટમ તોડો ત્યાં જ તમારા નાકમાં મઘમઘતા કેસરની ખુશ્બૂ પહોંચી જાય. એ પછી મેં ત્યાં લીચી રબડી જોઈ. મેં પહેલી વાર આ આઇટમ જોઈ હતી એટલે ટ્રાય કરવા માટે એ મંગાવી. અદ્ભુત. એમાં દરેક ચમચીમાં લીચીના નાના પીસ મોઢામાં આવતા હતા.

તમને ખબર જ છે કે હું ડાયાબેટિક છું એટલે નૅચરલી મારે આ બધું ખાવું ન જોઈએ, પણ તમને એ પણ ખબર જ છે કે હું ક્યાં મારા માટે ખાઉં છું. મારે તો તમારા માટે ખાવાનું હોય એટલે હું તો ઓળિયો-ઘોળિયો તમારા પર ઢોળી મસ્ત મજાની રીતે ત્યાં જે કોઈ આઇટમ મને ઇન્ટરેસ્ટિંગ લાગતી હતી એ ટેસ્ટ કરવા માંડ્યો.

એ પછી મેં ત્યાં કૅરૅમલ ચૉકલેટ ખીર જોઈ. તમને થયું એવું જ અચરજ આ નામ વાંચીને મને થયું એટલે મેં એ ટ્રાય કરવા માટે લીધી. આઇસક્રીમ જેવડા કપમાં એ હોય. જેમાં ઉપરનું લેયર કૅરૅમલ અને ચૉકલેટનું હોય અને એની નીચે ચોખાની ખીર હોય. તમે એક ચમચી ભરીને મોઢામાં મૂકો એટલે તમને એકસાથે ત્રણ વરાઇટીનો સ્વાદ મળે. સહેજ અમસ્તી સાકરની કણી મોઢામાં આવે તો ચૉકલેટનો હળવાશવાળો બિટર ટેસ્ટ અને એની સાથે સૉફ્ટ ખીરની લિજ્જત.

સ્ટ્રૉબેરી સૅન્ડવિચ પણ હતી. આપણી મલાઈ સૅન્ડવિચ જેવી જ હોય પણ એમાં બે પડની વચ્ચે સ્ટ્રૉબેરીનું પૂરણ હોય. સ્ટ્રૉબેરીને ક્રશ કરી એમાં સહેજ દૂધ નાખી એ પૂરણ બનાવવામાં આવ્યું હોય. આ જ પ્રકારની મૅન્ગો સૅન્ડવિચ પણ હતી. મલાઈ ગુલ્લા હતા, જેની ઉપરનું પડ સાકરનું હતું. તમે સહેજ ચમચી અડાડો કે તરત જ ઉપરનું પડ તૂટે અને એ આખું ગુલ્લું એમાંથી બહાર નીકળીને તમારી ચમચીમાં આવી જાય. બીજી પણ જાતજાતની વરાઇટીઓ હતી તો આપણી મુંબઈની અને ગુજરાતની મીઠાઈઓ પણ હતી. ગુજરાતની વરાઇટીની વાત કરું તો ત્યાં સ્પેશ્યલ કાઉ મિલ્ક પેંડા હતા. એ મેં ટ્રાય કર્યા. અદ્ભુત અને એકદમ હલકા. પનીર જલેબી, જે મેં ક્યારેય ટેસ્ટ નહોતી કરી. જલેબીમાં માત્ર ચણાનો લોટ હોય, પણ પનીર જલેબીમાં ચણાના લોટમાં ખૂબ બધું પનીર નાખી એમાંથી એ બનાવવામાં આવે. એકદમ સૉફ્ટ, કહો કે હોઠથી તૂટી જાય એટલી સૉફ્ટ. એ પછી જાંગરી હતી. તામિલનાડુમાં મોટા ભાગના લોકોને આ જાંગરીની ખબર જ હોય. એક પ્રકારની જલેબી જ કહો તમે, પણ હોય એ ઇમરતી જેવી. સહેજ જાડી, મોટી અને કરકરી ડિઝાઇનવાળી. ધારવાડના પેંડા હતા. મેં પૂછ્યું કે આમાં વળી શું તો મુકેશભાઈ મને કહે કે ત્યાં ફાટેલા દૂધના પેંડા બને.

શ્રી મીઠાઈમાં માત્ર મીઠાઈ જ નહોતી. ત્યાં જાતજાતની ચાટ આઇટમો પણ હતી તો શ્રીખંડ અને કેસર દૂધ પણ મળતાં હતાં. આ શ્રી મીઠાઈ ચેન્નઈની ફેમસ મીઠાઈ શૉપ છે. રજા અને તહેવારના દિવસે લોકો ત્યાં રીતસર લાઇનમાં ઊભા રહીને મીઠાઈ અને ચાટ આઇટમો ખાતા હોય છે. એક ગુજરાતીની ચેન્નઈમાં દુકાન હોય અને ચેન્નઈના તામિલિયનો ત્યાં મીઠાઈઓ અને ચાટ આઇટમ ખાવા લાઇન લગાવતા હોય એ ખરેખર ગર્વ લેવા જેવી વાત છે. ચેન્નઈમાં ચેટ પેટ નામનો વિસ્તાર છે. એ વિસ્તારમાં શ્રી મીઠાઈ આવી છે, જો ચેન્નઈ જવાનું બને તો ચોક્કસ જજો પણ મારી એક વાત માનજો, પેટ ખાલી રાખીને જજો. નહીં તો અફસોસ કરવો પડશે.

life and style indian food Gujarati food chennai columnists Sanjay Goradia