મળી લો છેલ્લા દિવસના વિનર્સને....

12 June, 2022 11:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે વાંચો આ ત્રણ રેસિપી

પ્રતીકાત્મક તસવીર

ડ્રાયફ્રૂટ્સ બાજરા કુલ્ફી

જયશ્રી ભાવિન ભરવાડા, દહિસર-ઈસ્ટ

સામગ્રી : ૧ કપ બાજરો, ૧ કપ દૂધ, પોણો કપ સાકર, અડધો કપ ઘરની મલાઈ, ૫૦ ગ્રામ માવો, 10થી ૧૨ કેસરના તાંતણા દૂધમાં પલાળેલા, ૧ ચમચી એલચીનો ભૂકો, ૩ ચમચી કાજુ-બદામ-પિસ્તાનો અધકચરો ભૂકો 
સજાવટ : બદામ-પિસ્તાની કતરણ 
રીત : બાજરાને બે કલાક બે કપ પાણીમાં પલાળીને કુકરમાં બાફવા મૂકવો. છથી સાત સીટી વગાડવી. બાજરો ઠંડો થાય એટલે એમાં પા કપ દૂધ નાખી આ મિશ્રણને મિક્સરમાં ફેરવી લેવું. બાજરો કુકરમાં લચકા જેવો બફાવો જોઈએ. પાણી હોય તો કાઢીને મિક્સરમાં ફેરવવું. હવે બાજરાને નૉન-સ્ટિક પૅનમાં પોણો કપ દૂધ સાથે ઉકાળવો. દૂધ બળવા આવે એટલે એમાં સાકર અને મલાઈ નાખવી. બાજરો લચકા જેવો થાય એટલે એમાં માવો નાખીને હલાવવું. બાજરાનો માવો પૅનને છોડે એટલે ગૅસ બંધ કરી એમાં એલચી, બદામ, કાજુ, પિસ્તા તથા કેસરવાળું દૂધ નાખીને બરાબર હલાવવું. એ ઠંડું થાય એટલે બાજરાના માવાને ૧૦ મિનિટ ફ્રિજમાં રાખવો જેથી આઇસક્રીમ મૉલ્ડમાંથી સરળતાથી નીકળે. હવે કુલ્ફીના મૉલ્ડની અંદર ઘી લગાડવું અને ઘીવાળા હાથ કરી માવાને ઓવલ શેપ આપીને મૉલ્ડમાં ભરી લેવો. મૉલ્ડને ધીરેથી ઠપકારશો એટલે કુલ્ફી બહાર આવી જશે. કુલ્ફીને ડિશમાં કાઢીને એના પર બદામ-પિસ્તાની કતરણ ભભરાવવી. ફરી કુલ્ફીની ડિશને એક કલાક ફ્રિજમાં રાખવી જેથી ઠંડી ખાવાની મજા આવશે. 

 

ઓટ્સ મૅન્ગો જેલી

શિલ્પા સંજય સતરા, વાશી

સામગ્રી : બે કપ કેરીના ટુકડા, ૧ કપ ખાંડ, ૧ કપ કૉર્નફ્લાવર, ૩ કપ પાણી, બે ચમચી ઘી, ૧ કપ સિલોની કોપરું અને ૧ કપ ઓટ્સ 
રીત : કેરીની છાલ કાઢીને એના ટુકડા કરી લો. એક મિક્સર જારમાં ૨ કપ મૅન્ગોના ટુકડા અને ૧ કપ ઓટ્સને થોડું પાણી ઉમેરીને પીસી લો. સ્મૂધ બ્લેન્ડ કરવું. મૅન્ગો પ્યુરીને એક મોટા બાઉલમાં કાઢી લો. એમાં ૧ કપ ખાંડ, ૧ કપ કૉર્નફ્લોર ઉમેરી હલાવીને મિક્સ કરો. મિશ્રણમાં કોઈ ગઠ્ઠો ન રહી જાય એની ચોકસાઈ રાખવી. હવે મિશ્રણને મોટી કડાઈમાં કાઢીને ગૅસ પર મૂકો. ગૅસની આંચને ધીમીથી મધ્યમ રાખવી. પાંચ મિનિટ પછી મિશ્રણ ઘટ્ટ થવા લાગશે. હવે એમાં બે ચમચી ઘી ઉમેરો. રાંધવાનું ચાલુ રાખો. મિશ્રણ આકાર પકડવાનું શરૂ ન કરે ત્યાં સુધી સતત હલાવતા રહો અને પૅનને અલગ કર્યા પછી મિશ્રણને કેક મૉલ્ડમાં નાખીને સેટ થવા દો. છેલ્લે તમારી પસંદગીના આકારમાં કાપો. એના પર સિલોની કોપરું ભભરાવો અને ગાર્નિશિંગ માટે ફુદીનાનાં પાન પણ મૂકો.

 

તાડગોળાની ખીર

શીતલ નીલેશ જૈન, મીરા રોડ-ઈસ્ટ

સામગ્રી : ૬ તાડગોળા, અડધો લિટર ફુલ ક્રીમ દૂધ, ૧ ચમચી પલાળેલા બાસમતી ચોખા, પાંચ નંગ બદામ (પલાળીને છાલ કાઢેલી), પાંચ નંગ પલાળેલા કાજુ, પા કપ કન્ડેન્સ્ડ મિલ્ક, પા ચમચી એલચી પાઉડર
રીત : તાડગોળાના નાના ટુકડા કરો અને એને અડધા કલાક માટે ફ્રિઝમાં ઠંડા કરવા માટે મૂકો. પલાળેલા કાજુ, બદામ અને ચોખાની બારીક પેસ્ટ બનાવો. ૩ તાડગોળાની પેસ્ટ બનાવો. એક પૅનમાં દૂધને ઉકાળો. એક વાર એ ઊકળવા આવે પછી એમાં ચોખા, બદામ, કાજુની પેસ્ટ અને તાડગોળાની પેસ્ટ ઉમેરીને બધું બરાબર મિક્સ કરો. દૂધને ધીમી આંચ પર ૧૦ મિનિટ સુધી ઉકાળો. હવે કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરીને પાંચ મિનિટ માટે ઉકાળો. એમાં એલચી પાઉડર ઉમેરો અને બાકીની તાડગોળાના ટુકડાને સારી રીતે મિક્સ કરો. હવે ગૅસ પરથી ઉતારી ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ રહેવા દો. પછી કાજુથી સજાવો. 

life and style indian food Gujarati food mumbai food