મળી લો આજના વિનર્સને....

09 June, 2022 11:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે વાંચો આ ત્રણ રેસિપી

પ્રતીકાત્મક તસવીર

દમણી ઢોકળાં

ડૉ. બ્રિન્દા હંસરાજ સંપટ, વિલે પાર્લે-વેસ્ટ

સામગ્રી :  અડધો કપ જુવાર, અડધો કપ બાજરી, અડધો કપ ચોખા, અડધો કપ અડદદાળ, અડધો કપ ચણાદાળ, પા કપ બાફેલા ચણા, ૧ ચમચી ગાજર બારીક કાપેલાં, ૧ ચમચી કૅપ્સિકમ બારીક કાપેલાં, ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ, ૩ ચમચા હૂંફાળું તેલ, ૧ પૅકેટ ઇનો, મીઠું સ્વાદ મુજબ, અડધો કપ દહીં, ૧ ચમચો આમલી પલ્પ, એક ચમચો ગોળ
રીત : ઉપર જણાવેલાં બધાં ધાન 
છથી સાત કલાક માટે ધોઈને પલાળી રાખો. બરાબર પલળી જાય એટલે મિક્સરમાં વાટી લો. પાણીની જરૂર લાગે તો દહીં નાખો અને આ મિશ્રણને આથો લાવવા માટે છથી સાત કલાક મૂકી દો. છ કલાક બાદ આથામાં બાફેલા ચણા, બારીક કાપેલાં ગાજર, કૅપ્સિકમ, આદું-મરચાંની પેસ્ટ, હૂંફાળું તેલ, મીઠું, ગોળ અને આમલીની પેસ્ટ નાખી સારી રીતે મિક્સ કરો. હવે ઇનોનું પૅકેટ મિક્સ કરો. આ મિશ્રણને તેલ લગાવેલી થાળીમાં નાખી ઢોકળિયામાં ગરમ કરવા મૂકી દો. એને પંદર મિનિટ સુધી બાફો. બફાઈ ગયા પછી ઢોકળાના નાના ટુકડા કરીને ચટણી અને સૂકા અથાણાના મસાલા સાથે સર્વ કરો.
અથવા : ઢોકળાંને નાની ક્યુબ સાઇઝમાં કાપી ગ્રિલિંગ પૅન પર ગ્રિલ કરવા મૂકો સાથે મેરિનેટ કરેલા પનીરના ટુકડાં, કાંદા, કૅપ્સિકમના ટુકડા ગ્રિલ કરો. આ ગ્રિલ કરેલી વસ્તુઓને ટૂથપિકમાં ખોસી ડેકોરેટ કરી ગોઠવો.

 

વધેલી રોટલી અને ફણગાવેલાં કઠોળની ભેળ

હાર્દી અરવિંદ ઠક્કર, કાંદિવલી-વેસ્ટ

સામગ્રી : ૧થી ૨ નંગ વધેલી રોટલી, ૧ ચમચી ફણગાવેલા મઠ, ૧ ચમચી ફણગાવેલા ચણા, ૧ ચમચી સિંગદાણા, ૧ ચમચી અમેરિકન મકાઈના દાણા, ૧ ચમચી તેલ, ચપટી ચાટ મસાલો, ચપટી સંચળ, ચપટી લાલ મરચું, ચપટી હળદર, લીંબુનો રસ
ગાર્નિશિંગ માટે : ખમણેલું કાચું બીટ, ખમણેલું ગાજર, દાડમના દાણા, કાકડીની સ્લાઇસ, કોથમીર
રીત : સૌપ્રથમ રોટલીને રોલ વાળી ઝીણી લાંબી કાપી લો. હવે પૅનમાં તેલ મૂકી રોટલી સાંતળી લો. ક્રિસ્પી થયા બાદ સાઇડ પર કાઢી લો. હવે ફણગાવેલા મઠ, ચણા, સિંગદાણા, અમેરિકન મકાઈના દાણા, મીઠું અને હળદર નાખી કુકરમાં એક સીટી વગાડી બાફી લો. શેકેલી રોટલી અને ફણગાવેલાં કઠોળ બધું એકત્ર કરી એમાં સંચળ, ચાટ મસાલો, મરચું, લીંબુનો રસ નાખીને મિક્સ કરો. એક પ્લેટમાં કાઢી ઉપર ખમણેલું ગાજર, બીટ, દાડમના દાણા, કાકડી, કોથમીર ગાર્નિશ કરીને સર્વ કરો.  
ખાસિયત : વધેલી રોટલીમાં પ્રચૂર માત્રામાં બી-૧૨ હોવાથી અને ફણગાવેલાં કઠોળમાં પ્રચૂર માત્રામાં પ્રોટીન હોવાથી આ ભેળ અતિશય હેલ્ધી છે.

 

ચિયા દલિયા પુડિંગ (એનર્જી બૂસ્ટર)

હર્ષા અશોક હેમાણી, કલ્યાણ-વેસ્ટ

સામગ્રી :  ચિયા સીડ્સ ૧ ચમચો, બાજરી, ઘઉં, જુવાર-નાની ૧ વાટકી, દોઢ વાટકી શેરડીનો રસ, દોઢ વાટકી ગોળનું પાણી, ૮થી ૧૦ નંગ કાજુ, ૮થી ૧૦ નંગ પલાળેલી બદામ, પાકી કેરીના નાના ટુકડા, ફુદીનાનાં પાન, ૧ ટીસ્પૂન એલચી પાઉડર, મિક્સ ડ્રાયફ્રૂટ્સ, શેકેલા મખાણા
રીત :  સૌપ્રથમ બાજરી, ઘઉં, જુવારને ૧-૧ ચમચી ઘીમાં અલગ-અલગ લાઇટ બ્રાઉન કલરના શેકવા. ઠંડા પડે એટલે દલિયા જેવા પીસવા. હવે એમાં શેરડીનો રસ અને ગોળનું પાણી નાખી કુકરમાં મિડિયમ તાપે ત્રણ સીટી વગાડવી. પલાળેલા કાજુ-બદામનું દોઢ 
વાટકી પાણી અને એલચી પા‍ઉડર ઉમેરી દૂધ તૈયાર કરવું. હવે એમાં ચિયા સીડ ઉમેરીને બે કલાક પલાળવા. એમાં તૈયાર કરેલા દલિયાના ફાડા અને ચિયા દૂધ મિક્સ કરીને ચારથી પાંચ કલાક ફ્રિજમાં મૂકવું. મિશ્રણને બહાર કાઢી એના પર કેરીના ટુકડા અને ફુદીનાથી ડેકોરેટ કરવું. સાથે ડ્રાયફ્રૂટ્સ અને શેકેલા મખાણા લઈ શકાય. 

life and style Gujarati food mumbai food indian food