રેસિપી કૉન્ટેસ્ટ : મળી લો આજના વિનર્સને....

05 June, 2022 03:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે વાંચો આ ત્રણ રેસિપી

પ્રતીકાત્મક તસવીર

સમોસાં આઇસક્રીમ ચાટ

અમી પ્રકાશ શાહ, ઘાટકોપર-ઈસ્ટ

સામગ્રી : મીડિયમ સાઇઝ ટોર્ટિલા, ચૉકલેટ ચિપ્સ ૧૫થી ૨૦ નંગ, કોઈ પણ ફ્લેવરની આઇસક્રીમ, સાકર અને તજનો પાઉડર મિક્સ, બટર, કોકોનટ પાઉડર
ચાટના ટૉપિંગ માટે : સમારેલાં ફળ, ચૉકલેટ સીરપ, વ્હિપ્ડ ક્રીમ, સમારેલાં નટ્સ, ગ્રેનોલા
રીત : સૌપ્રથમ ડબલ બોઇલર પદ્ધતિથી ચૉકલેટ ચિપ્સને ઓગાળો. હવે એક પૅનમાં થોડું બટર લગાવીને એના પર ટોર્ટિલાને બન્ને બાજુ શેકો. ત્યાર બાદ એક બાજુ થોડી સાકર છાંટીને મિક્સ કરો. ટોર્ટિલાને વચ્ચેથી કાપો એટલે બે ભાગ થશે. એમાંનો એક ભાગ લઈને કૉર્નર પર ઓગાળેલી ચૉકલેટ ચિપ્સનું મિશ્રણ લગાવો અને ફોલ્ડ કરીને સમોસાનો શેપ આપો. હવે એમાં આઇસક્રીમનો સ્કૂપ મૂકીને એની ધાર પર ચૉકલેટ ચિપ્સનું મિશ્રણ મૂકી સીલ કરો અને ધાર પર ચૉકલેટ ચિપ્સનું મિશ્રણ લગાવી કોકોનટ પાઉડરમાં રગદોળી પાંચ કલાક ફ્રીઝરમાં મૂકો. પછી બટર કાઢી એના પીસ કરો. ઉપર મિક્સ ફ્રૂટ્સ, ચૉકલેટ સીરપ, વ્હિપ્ડ ક્રીમ, નટ્સ, ગ્રેનોલા મૂકી ડેકોરેટ કરી સર્વ કરો. સરસમજાનું ટેસ્ટી ડિઝર્ટ તૈયાર. 

 

તેલ વગરનાં મિક્સ દાળનાં દહીંવડાં

ચંદ્રાબહેન મોણસી દેઢિયા, બોરીવલી-વેસ્ટ

સામગ્રી : ૧૦૦ ગ્રામ મગની દાળ, ૧૦૦ ગ્રામ અડદની દાળ, ૨૫ ગ્રામ ચણાની દાળ, ૫૦ ગ્રામ તુવેર દાળ, ૫૦ ગ્રામ ચોળાની દાળ, ૫૦૦ ગ્રામ દહીં, મીઠું, શેકેલા જીરાનો ભુક્કો, વાટેલાં આદું-મરચાં, લાલ મરચું, ચપટીક સોડા, ખજૂર-આમલીની ચટણી, કોથમીર.
રીત : બધી દાળને ચાળીને ધોઈને અલગ-અલગ વાસણમાં ચારથી પાંચ કલાક માટે પલાળી રાખવી. ત્યાર બાદ વાટીને બધી દાળ મિક્સ કરી ખૂબ ફીણવી. એમાં વાટેલાં આદું-મરચાં, મીઠું, સોડા નાખીને ફરી ફીણવી. ચાર-પાંચ વાટકીઓમાં તેલવાળો હાથ લગાવીને એમાં તૈયાર થયેલું ખીરું રેડવું. આ વાટકીઓને વરાળથી બાફી લેવી. બરાબર રંધાઈ ગયા બાદ એક બાઉલમાં વાટકીમાંનાં બાફેલાં વડાં નાખી વલોવેલું દહીં, ઉપર મીઠી ચટણી, જીરું, લાલ મરચું, કોથમીર નાખીને સર્વ કરવું. 
ખાસિયત : વડાં બાફેલાં હોવાથી આરોગ્યની દૃષ્ટિએ આ વાનગી અત્યંત પૌષ્ટિક છે. 

 

હેલ્ધી બાઇટ્સ

મનાલી ચિંતન પંડ્યા, મીરા રોડ-ઈસ્ટ

સામગ્રી : ૧ મોટી વાટકી રોલ્ડ ઓટ્સ, ૧ વાટકી રાગીનો લોટ, ૧૫થી ૨૦ નંગ ખજૂર, ૧૫થી ૨૦ નંગ બદામ, જરૂરિયાત પ્રમાણે મધ, કોપરાનું ખમણ.
રીત : રાગીના લોટને ઘી કે તેલ મૂક્યા વગર ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ શેકી લેવો (સહેજ સુગંધ આવે અને કલર બદલાય ત્યાં સુધી). રોલ્ડ ઓટ્સને પણ ઘી-તેલ મૂક્યા વગર ત્રણથી ચાર મિનિટ ધીમા તાપે શેકી લેવા (સહેજ સુગંધ આવે અને કલર બદલાય ત્યાં સુધી). બદામ અથવા મનગમતાં ડ્રાયફ્રૂટ્સને પણ બેથી ત્રણ મિનિટ શેકી લેવાં. રોલ્ડ ઓટ્સ અને બદામ ઠંડાં પડે એટલે મિક્સરમાં ક્રશ કરી લેવાં (બદામના ટુકડા પણ કરી શકાય). ખજૂરમાંથી બી કાઢી લેવાં અને નવશેકા પાણી (૧ ગ્લાસ)માં ૧૫ મિનિટ પલાળી રાખવાં. ત્યાર પછી મિક્સરમાં ક્રશ કરી એની સ્મૂધી બનાવી લેવી (પાણી સાથે ક્રશ કરીને). એક મોટા વાસણમાં રાગી, ઓટ્સ, બદામ, ખજૂરની પેસ્ટ મિક્સ કરીને હલાવો. બેથી ત્રણ ચમચી મધ નાખવું. ગળપણ ઓછું લાગે તો વધુ બેથી ત્રણ ચમચી મધ ઉમેરી શકાય. હવે બન્ને હાથમાં ઘી લગાડીને નાના-નાના ચૉકલેટ સાઇઝના બૉલ બનાવવા. આ બૉલને કોપરાના ખમણમાં રગદોળવા. બોલ્સ સરખા ન વળાતા હોય તો ખજૂરની પેસ્ટ ઉમેરી શકાય અને બોલ્સ ઢીલા વળાતા હોય તો ઓટ્સ કે રાગી ઉમેરી શકાય. 
ખાસિયત: ફ્રિજમાં ઠંડા કરેલાં આ હેલ્ધી બાઇટ્સ બાળકોને ચોકલેટની જગ્યાએ આપી શકાય. 

life and style Gujarati food indian food mumbai food