રેસિપી કૉન્ટેસ્ટ : મળી લો આજના વિનર્સને...

28 May, 2022 10:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે વાંચો ઘઉંના ફાડાની મસાલા ઇડલી, પાણીપૂરી વડા સાંભાર અને લાલ ખારેકનો હલવોની રેસિપી વિશે

રેસિપી કૉન્ટેસ્ટ

ઘઉંના ફાડાની મસાલા ઇડલી

ભારતી પ્રફુલ નાગડા,  થાણે-વેસ્ટ

સામગ્રી : ખીરા માટે
૧૦૦ ગ્રામ ઘઉંના ફાડા, 
૧૫૦ મિ.લિ. પાણી, સ્વાદ પ્રમાણે મીઠું.
મસાલા માટે : ૧ ટેબલસ્પૂન તેલ, ૧ ટીસ્પૂન રાઈ, ૧ ટીસ્પૂન જીરું, ચપટીક હિંગ, ૧ કપ કાંદો ઝીણો સમારેલો, ૧ કપ ટમેટાં સમારેલાં, ૧ કપ કૅપ્સિકમ સમારેલાં, બે ટીસ્પૂન આદું-મરચાં-લસણની પેસ્ટ, ૧૦ નંગ કડીપત્તાં, બે ટેબલસ્પૂન કોથમીર સમારેલી, ૧ ટીસ્પૂન હળદર, ૧ ટીસ્પૂન લાલ મરચાંનો પાઉડર, ૧ ટીસ્પૂન ધાણાજીરું પાઉડર, ૧ ટીસ્પૂન 
ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું.
બનાવવાની રીત : સૌપ્રથમ ઘઉંના ફાડાને ત્રણ કલાક પાણીમાં પલાળો. પલાળેલા ફાડાને પાણી સાથે મિક્સરમાં ચર્ન કરી લો. સ્મૂધ ખીરું તૈયાર કરો. એની મિની ઇડલી બનાવી લો.
મસાલો બનાવવા માટે : કડાઈમાં તેલ ગરમ કરી એમાં રાઈ, જીરું, હિંગનો વઘાર કરી એમાં કડીપત્તાં, થોડી કોથમીર, આદું-મરચાં-લસણની પેસ્ટ ઉમેરીને સાંતળો. હવે કાંદા, ટમેટાં, કૅપ્સિકમ નાખીને સાંતળો. સ્વાદ મુજબ મીઠું નાખીને હળદર, ધાણાજીરું, લાલ મરચાં પાઉડર, ગરમ મસાલો ઉમેરીને થોડી વાર સાંતળતા રહો. એમાં તૈયાર કરેલી મિની ઇડલી ઉમેરો. બધું મિક્સ કરો. હવે પ્લેટમાં કાઢી કોથમીરથી સજાવટ કરો. આ મસાલા ઇડલી ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. 

પાણીપૂરી વડા સાંભાર

અમી સચિન દેઢિયા, સાંતાક્રુઝ

સામગ્રી : ૪ પાણીપૂરીની પૂરી, બે મધ્યમ બાફેલા બટાટા, ઇડલીનું ખીરું, લાલ સૂકાં મરચાં, સાંભાર મસાલો, તેલ, હળદર, મીઠું, લાલ મરચાં, લીમડો, રાઈ-જીરું, અડદની દાળના થોડા દાણા.
સાંભાર બનાવવા માટેની સામગ્રી : તુવેરદાળ ૧ કપ, સરગવાની સિંગ, દૂધી ૧ મોટો કટકો, સાંભાર મસાલો, વઘારની સામગ્રી, આમલી, ગોળ, મીઠું, હળદર, મરચું, કોથમીર વડાં અને એની અંદરનું સ્ટફિંગ બનાવવાની રીત : પૂરણ બનાવવાની રીત અને વડા-સાંભાર બનાવવાની રીત : સૌપ્રથમ બાફેલા બટાટાના નાના ટુકડા કરીને અધકચરા છૂંદો. હવે એક કડાઈમાં બે ચમચી તેલ મૂકી બેથી ચાર નંગ સૂકાં લાલ મરચાં, રાઈ, લીમડો, અડદની દાળના દાણા, થોડું જીરું, હળદર નાખી સરખું હલાવી એમાં સ્મૅશ કરેલા બટાટા નાખી દેવા. ત્યાર બાદ 
મીઠું નાખી એને સરખું મિક્સ કરો. થોડો સાંભાર મસાલો અને કોથમીર નાખીને સાઇડ પર મૂકો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તૈયાર કરેલા બટાટાના પૂરણને પાણીપૂરીની પૂરીમાં નાખીને ઇડલીના ખીરામાં ડીપ કરીને તળી લો.  હવે સાંભાર રેડી કરો. સાંભાર બનાવવા માટે તુવેરની દાળમાં આમલી નાખી બાફી થોડી ઠંડી પડે એટલે ચર્ન કરી દો. દૂધી અને સરગવાની સિંગ પણ બાફવી. એક વાસણમાં તેલ ગરમ કરી એમાં સૂકાં લાલ મરચાં, રાઈ, લીમડો, અડદની દાળના દાણાનો વઘાર કરી એમાં ચર્ન કરેલી દાળ ઉમેરી દેવી. હવે સાંભાર મસાલો, ગોળ, મીઠું, લાલ મરચું, હળદર નાખી એમાં બાફેલી દૂધી અને સરગવાની સિંગ પણ ઉમેરી દો. ઊકળો આવે એટલે કોથમીર નાખવી. 
સર્વ કરવા માટે :
એક મોટી ડિશમાં વડાં મૂકવાં. એના પર ગરમ સાંભાર રેડીને સર્વ કરવું. તૈયાર છે પાણીપૂરી વડા સાંભાર. 

લાલ ખારેકનો હલવો

અમિતા પંકજ મિસ્ત્રી, મીરા રોડ

સામગ્રી : ૨૫૦ ગ્રામ લાલ ખારેક, ૧ કપ દૂધ, ૧ ટેબલસ્પૂન ઘી, પા કપ મલાઈ, પા કપ ખાંડ સ્વાદ પ્રમાણે, કાજુના ટુકડા જરૂરિયાત પ્રમાણે, બદામ-પિસ્તાંની કતરણ સજાવટ માટે, ખારેકની ચીરી સજાવટ માટે, પા ટીસ્પૂન એલચી પાઉડર (ઑપ્શનલ)
રીત : સૌપ્રથમ ખારેકના ટુકડા કરીને એને મિક્સરમાં ક્રશ કરો. જરૂર લાગે તો એકથી બે ટેબલસ્પૂન દૂધ નાખી શકાય. હવે જાડા તળિયાવાળા વાસણમાં ઘી ગરમ કરવા મૂકો. એમાં ખારેકનો પલ્પ નાખી ધીમા તાપે સતત હલાવતા રહેવું. લગભગ બેથી ત્રણ મિનિટ પછી એમાં દૂધ ઉમેરવું. બધું દૂધ બળી જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી કુક થવા દેવું. દૂધ બળી ગયા પછી મલાઈ અને ખાંડ નાખીને સતત હલાવતા રહો અને મિશ્રણને ઘટ થાય ત્યાં સુધી પકાવો. છેલ્લે એલચી પાઉડર અને કાજુના ટુકડા નાખીને બરાબર મિક્સ કરવું. સર્વિંગ બાઉલમાં ખારેકનો હલવો કાઢીને કાજુ, બદામ-પિસ્તાંની કતરણ તેમ જ ખારેકની ચીરીથી ગાર્નિશ કરી ઠંડો કે ગરમ સર્વ કરવો.

Gujarati food mumbai food indian food life and style