રેસિપી કૉન્ટેસ્ટ : મળી લો આજના વિનર્સને...

27 May, 2022 10:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે વાંચો ગોંદ કતીરા ફાલૂદા (સમર ડ્રિન્ક - ડિઝર્ટ), કોરોના બૉલ્સ વિથ મીઠા લીમડાની ચટણી અને કાજુ મૅન્ગો રોલની રેસિપી વિશે

રેસિપી કૉન્ટેસ્ટ

ગોંદ કતીરા ફાલૂદા (સમર ડ્રિન્ક - ડિઝર્ટ)

પૂજા અમિત મોદી, કાંદિવલી વેસ્ટ

સામગ્રી : ગોંદ કતીરા ૧ ચમચો, તકમરિયાં (સબ્જા સીડ્સ) ૧ ચમચો, દૂધ ૧ લીટર, સાકર પા કપ, મિલ્ક પાઉડર પા કપ, કાજુ-બદામ-પિસ્તાં-કિસમિસ-ટુટીફ્રૂટી થોડી, રોઝ સિરપ બે ચમચી, ફાલૂદા સેવ, કૉર્નફ્લોર અડધો કપ, રોઝ પૅટલ થોડી, ચેરી
રીત : ગોંદ કતીરા અને તકમરિયા ૧ કલાક અલગ-અલગ પલાળવાં. ફાલૂદા સેવ બનાવવા માટે એક પૅનમાં દોઢ કપ પાણી નાખી એ પાણીમાં કૉર્નફ્લોર ઓગાળી ગરમ કરવું. મિશ્રણ પૅન છોડે ત્યાં સુધી ઘટ્ટ થવા દેવું અને ગરમ જ સંચામાં ભરી ઠંડા પાણીમાં સેવ પાડીને ફ્રિાજમાં ૧ કલાક રાખવું. દૂધમાં સાકર, મિલ્ક પાઉડર નાખી ઉકાળીને ઠંડું થવા દેવું. તૈયાર થયેલા દૂધને બહાર કાઢી એક ગ્લાસમાં રોઝ સિરપ, ગોંદ કતીરા, તકમરિયાં, ફાલૂદા સેવ, થોડાં કાજુ-બદામ-પિસ્તાં-કિસમિસ નાખી રેડી ઉપર ફરીથી ડ્રાયફ્રૂટ ચેરી, ટુટીફ્રૂટી, રોઝ પૅટલ નાખી તૈયાર કરવું. 
ખાસિયત : ગરમીમાં ગોંદ કતીરા અને તકમરિયાં ખૂબ ઠંડક આપે છે. આ ગોંદ કતીરા તકમરિયાં ખાસ ગરમીની સીઝનનું પીણું છે. 

કોરોના બૉલ્સ વિથ મીઠા લીમડાની ચટણી

કોરોના બૉલ્સ વિથ મીઠા લીમડાની ચટણી - કસ્તૂર રામજી વીરા, ઘાટકોપર ઈસ્ટ

સામગ્રી : ખીચું માટેની સામગ્રી : ૧ કપ ચોખાનો બારીક લોટ, ૧ ટીસ્પૂન જીરું, ૧ ટીસ્પૂન આદુ-મરચાંની પેસ્ટ, ૨ કપ પાણી, સ્વાદ મુજબ મીઠું.
પૂરણની સામગ્રી : ૨ નંગ બાફેલાં કાચાં કેળાં, પા કપ ખમણેલું ગાજર, ૧ ટીસ્પૂન ઝીણાં સમારેલાં શિમલાં મરચાં, ૧ ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ, વઘાર માટે ૧ ટેબલસ્પૂન તેલ, પા ટીસ્પૂન, હળદર, પા ટીસ્પૂન હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું (ખાતા હો તો કાંદા, લસણ, બટેટા નાખી શકો)
બહારનું પડ તૈયાર કરવા માટે: અડધો કપ (બે કલાક પલાળેલા) બાસમતી ચોખા
મીઠા લીમડાની ચટણી માટે : ૧ કપ ધોઈને કોરા કરેલા મીઠા લીમડાનાં પાન, ત્રણ નંગ લીલાં મરચાં, ૧ નંગ લીંબુનો રસ, ૭થી ૮ નંગ પલાળેલાં કાજુ, સ્વાદ મુજબ મીઠું, જરૂર મુજબ પાણી
નોંધ :  કાજુ નાખવાથી ચટણી કાળી પડતી નથી. 
ડેકોરેશન માટે : ગાજરમાંથી તૈયાર કરેલાં ફ્લાવર, મીઠા લીમડાનાં પાન, કોથમીર
રીત: ખીચું બનાવવા માટે ગૅસ પર એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો. એની અંદર જીરું, મીઠું, આદું-મરચાંની પેસ્ટ નાખી ઊકળવા દો. ઊકળે એટલે ગૅસ સ્લો કરી ચોખાનો લોટ નાખી હલાવી મિક્સ કરો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે ઠંડું કરવા મૂકો. પછી એક કડાઈમાં વઘાર માટે તેલ લો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ, હળદર, લીલાં આદું-મરચાંની પેસ્ટ, શિમલા મરચાંના બારીક ટુકડા નાખી સાંતળો. એની અંદર ખમણેલું ગાજર નાખી હલાવો. મીઠું અને કાચા કેળાનો માવો નાખી પૂરણ તૈયાર કરો. હવે આ પૂરણના નાના બૉલ્સ બનાવી લો. તૈયાર થયેલા ખીચામાંથી નાની થેપલી જેવું બનાવી એની અંદર આ નાના બૉલ્સ મૂકી એને કવર કરી દો. હવે પલાળેલા ચોખાને નિતારી પ્લેટમાં નાખીને તૈયાર કરેલા બૉલ્સ રગદોળી દો. ગરમ કરેલા ઢોકળિયાની અંદર ૨૦થી ૨૫ મિનિટ સુધી આ બધા બૉલ્સને સ્ટીમ કરવા મૂકી દો. જે તૈયાર થશે એ છે કોરોના શેપના બોલ્સ. એ રેડી છે સર્વ કરવા માટે. 
ચટણી : ચટણી જારમાં ચટણીની તમામ સામગ્રી ભેગી કરી ઝીણી વાટી તૈયાર કરી બાઉલમાં કાઢી લો. 
એક સર્વિંગ પ્લેટમાં ડેકોરેશન કરી, ચટણી મૂકી કોરોના બૉલ્સ સર્વ કરો. 

કાજુ મૅન્ગો રોલ

કાજુ મૅન્ગો રોલ - જાગૃતિ જગદીશ જોષી, ભાઈંદર ઈસ્ટ

સામગ્રી : કાજુ ૫૦ ગ્રામ, ખાંડ ૨૫ ગ્રામ, મૅન્ગો પલ્પ ૫૦ ગ્રામ, ખાંડ ૨- ચમચી (અથવા તો સ્વાદ પ્રમાણે કે પછી કેરીમાં મીઠાશ હોય એ પ્રમાણે), કેસર ૧૦થી ૧૫ તાંતણા, ઘી ૨-૩ ચમચી, દૂધનો પાઉડર ૩-૫ ચમચી
બનાવવાની રીત: સૌથી પહેલાં કાજુનો પાઉડર કરી એને સારી રીતે ચાળીને રાખવો. એક પૅનમાં ખાંડ નાખી એમાં ખાંડ ઓગળે એટલું જ પાણી નાખી હલાવવું. ચાસણી નથી બનાવવાની, ફક્ત ખાંડ ઓગળે અને એક ઊભરો આવે એટલે કાજુ પાઉડર નાખી સતત હલાવતા રહેવું. ૪થી ૫ મિનિટમાં એક ગોળા જેવું તૈયાર થશે. ગૅસ પરથી ઉતારીને પણ ઠંડું થાય ત્યાં સુધી હલાવતા રહેવું. ત્યાર બાદ એક ચમચી ઘી નાખી સરખું હલાવી ચોરસ સર્ફેસ પર પાથરીને વેલણથી વણી લેવું.
હવે મૅન્ગોનું ફિલિંગ તૈયાર કરવા માટે એક પૅનમાં મૅન્ગો પલ્પ નાખી સતત હલાવવું. થોડું ગરમ થાય એટલે એમાં બેથી ત્રણ ચમચી ખાંડ નાખીને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવવું. થોડું ઘટ્ટ થઈ જાય એટલે એમાં દૂધનો પાઉડર નાખો. સતત હલાવતા રહેવું. ૧૦ થી ૧૫ મિનિટમાં ઘટ્ટ થઈ જશે. પછી ૧ ચમચી ઘી નાખવું અને એકરસ કરી દેવું. ગૅસ બંધ કરો, પલ્પ ઠંડો થઈ જાય એટલે કાજુના મિશ્રણ ઉપર સારી રીતે સરખો પાથરી દો. ૧૦થી ૧૫ મિનિટમાં સેટ થઈ જશે. સેટ થઈ જાય એટલે રોલ વાળી લેવા અને નાની સાઇઝમાં કટ કરીને ઉપર કેસરથી ગાર્નિશ કરીને સર્વ કરવું. 
ટિપ : આ મીઠાઈને હેલ્ધી બનાવવા માટે બ્રાઉન શુગરનો ઉપયોગ કરી શકો છો.

Gujarati food life and style mumbai food indian food