રેસિપી કૉન્ટેસ્ટ : મળી લો આજના વિનર્સને...

22 May, 2022 12:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે વાંચો પાલક તાહિની રૅપ્સ, તાડગોલા આઇસ ડિલાઇટ ઇનોવેશન અને ગ્રિલ્ડ ઇડલી સૅન્ડવિચ ચાટની રેસિપી

પ્રતીકાત્મક તસવીર

પાલક તાહિની રૅપ્સ

પાલક તાહિની રૅપ્સ - ગીતા રમેશ ધરોડ, મુલુંડ-વેસ્ટ

સામગ્રી : રોટી માટે : ૨ કપ ઘઉંનો લોટ, ૧/૪ કપ પાલકની પ્યુરી, ૨ ટીસ્પૂન તેલ, ૧/૨ ટીસ્પૂન મીઠું
પૂરણ માટે : ૧ ૧/૨ કપ ખમણીને બાફેલાં મિક્સ શાકભાજી (ગાજર, ફણસી અને બટાટા), ૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા, ૨ લીલાં મરચાં ઝીણાં સમારેલાં, ૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર, ૨ ટીસ્પૂન તેલ, મીઠું સ્વાદ અનુસાર
તીખી તાહિની પેસ્ટ માટે : ૧/૨ કપ તલ, ૧/૩ કપ ચણાની દાળ, ૨ ટીસ્પૂન વિનેગર, ૨ ટેબલસ્પૂન તાજું દહીં, ૧ લસણની કળી સમારેલી, ૧ લીલું મરચું સમારેલું
પીસેલી મરચાં-લસણની પેસ્ટ માટે : ૪ સૂકાં લાલ કાશ્મીરી મરચાં પલાળેલાં, ૩થી ૪ લસણની કળી, ૧ ટીસ્પૂન લીંબુનો રસ, ૧ ટેબલસ્પૂન પાણી, મીઠું સ્વાદ અનુસાર
રોટી માટેની રીત : એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી એમાં જરૂરી પાણી ઉમેરી નરમ કણક તૈયાર કરી ૧/૨ કલાક બાજુ પર રાખો. આ કણકના ૬ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૫૦ મિ.મી. (૬”) વ્યાસના ગોળાકારમાં વણી રોટી તૈયાર કરો. દરેક રોટીને બન્ને બાજુએથી હલકી શેકીને બાજુ પર રાખો.
પૂરણ માટેની રીત : એક પૅનમાં તેલ ગરમ કરી એમાં કાંદા ઉમેરો. કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો. એમાં મિક્સ શાકભાજી, લીલાં મરચાં, કોથમીર અને મીઠું મેળવી વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો. હવે આ પૂરણના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
તીખી તાહિની પેસ્ટ માટેની રીત : એક તવા પર તલ અને ચણા દાળને અલગ-અલગ શેકી લીધા પછી એને મિક્સરમાં સાથે પીસીને ઝીણો પાઉડર તૈયાર કરો. આ પાઉડરને એક બાઉલમાં કાઢી લીધા પછી એમાં બાકી રહેલી બધી વસ્તુઓ મેળવીને સારી રીતે મિક્સ કરી લો. આ પેસ્ટને રેફ્રિજરેટરમાં લગભગ એક કલાક રહેવા દો.
આગળની રીત : એક સાફ અને 
સૂકી જગ્યા પર એક રોટી રાખો. એના પર સરખા પ્રમાણમાં સૅલડનાં પાન મૂકો. સૅલડનાં પાન પર તાહિની પેસ્ટનું પાતળું થર અને તૈયાર કરેલા પૂરણનો એક ભાગ પાથરો. છેલ્લે એના પર થોડી મરચાં-લસણની પેસ્ટ પાથરી રોટીને સખત રીતે રોલ કરી લો. આ જ પ્રમાણે બાકી રહેલી પેસ્ટ અને પૂરણ વડે બીજી પાંચ રોટી તૈયાર કરી લો. તરત જ પીરસો.

તાડગોલા આઇસ ડિલાઇટ ઇનોવેશન

તાડગોલા આઇસ ડિલાઇટ ઇનોવેશન - મમતા અનિલ જોટાણિયા, મુલુંડ-વેસ્ટ

સામગ્રી : ચારથી પાંચ તાડગોલા સ્કિન કાઢીને ઠંડા કરવા મૂકવા, ૧ ચમચી ગુલકંદ, ચારથી પાંચ ચમચી કાજુનો અધકચરો પાઉડર, બે ચમચી મિલ્ક પાઉડર, બે ચમચી કોપરાનું ખમણ, બેથી ત્રણ ચમચી ગુલાબની પાંદડી, બે ચમચી કાચી વરિયાળીનો પાઉડર, અડધી ચમચી ઇલાયચી પાઉડર, બે ચમચી નાગરવેલનાં કાપેલાં ઝીણાં પાન
રીત : સૌપ્રથમ મીડિયમ સાઇઝના સ્કિન કાઢેલા તાડગોલાને વચ્ચેથી કાપો જેથી એમાં સ્ટફિંગ ભરી શકાય.
સ્ટફિંગ માટેઃ એક બાઉલમાં કાજુનો અધકચરો ભૂકો, ગુલાબની પાંદડી, ગુલકંદ, કાચી વરિયાળીનો પાઉડર, મિલ્ક પાઉડર, કોપરાનું ખમણ, ઇલાયચી પાઉડર, નાગરવેલનાં ઝીણાં સમારેલાં પાન મિક્સ કરો. આ મિશ્રણનું સ્ટફિંગ કાપેલા તાડગોલામાં ભરી એને ફ્રિજમાં સેટ કરવા મૂકી દો અને ચિલ્ડ સર્વ કરો તાડગોલા આઇસ ડિલાઇટ. સીઝનલ ફ્રૂટ તાડગોલા ખાઓ અને આ ગરમીની સીઝનમાં તાડગોલા આઇસ ડિલાઇટની મસ્ત મજા લો.

ગ્રિલ્ડ ઇડલી સૅન્ડવિચ ચાટ

ગ્રિલ્ડ ઇડલી સૅન્ડવિચ ચાટ - કુસુમ કે. શાહ,  ઘાટકોપર-ઈસ્ટ

સામગ્રી : ઇડલી માટે : ૧ કપ રવો, અડધો કપ દહીં, મીઠું સ્વાદ અનુસાર, ૧ ટીસ્પૂન ઇનો, સ્ટફિંગ માટેઃ  ૧ કપ બાફીને છીણેલા બટાટા, અડધો કપ ગાજર છીણેલું, અડધો કપ કાંદા ઝીણા સમારેલા, પા કપ ફણસી ઝીણી સમારેલી, બે ટીસ્પૂન આદું-મરચાં-લસણની પેસ્ટ, ૧ ટીસ્પૂન લાલ મરચું, અડધી ટીસ્પૂન ચાટ મસાલો, અડધી ટીસ્પૂન હળદર, ૧ ટીસ્પૂન ગરમ મસાલો, ૨ ટીસ્પૂન કોથમીર, મીઠું સ્વાદ અનુસાર, વઘાર માટે તેલ અને હિંગ, ગાર્નિશિંગ માટે, તીખી ચટણી, મીઠી ચટણી, સેવ, કોથમીર
રીત : સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે એમાં હિંગ ઉમેરો. એ પછી આદું-મરચાં-લસણની પેસ્ટ સાંતળો. ત્યાર બાદ ગાજર, કાંદા, ફણસી સાંતળો અને બાફીને છીણેલા બટાટાનો માવો ઉમેરો. સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બાકીના મસાલા ઉમેરી મિશ્રણને મિક્સ કરો. તૈયાર થયેલા આ સ્ટફિંગમાંથી ઇડલીના માપની ટિક્કી તૈયાર કરો. 
ઇડલી બનાવવા માટે રવામાં દહીં મિક્સ કરી ખીરું તૈયાર કરો. ખીરાને અડધો કલાક ઢાંકીને રહેવા દો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને હલાવો. ૧ ચમચી ઇનો નાખી ઇડલી ઉતારી લેવી. ઇડલી ઠંડી પડે એટલે એને વચ્ચેથી કટ કરી ટિક્કી મૂકવી. પછી ઇડલીને ગ્રિલ કરી ઉપરથી તીખી-મીઠી ચટણી, સેવ, કોથમીર ભભરાવી ગાર્નિશ કરવું. ટમૅટો કૅચઅપ સાથે સર્વ કરવું. 
ખાસિયત : મેંદાના બ્રેડ ન ખાનારા લોકો માટે હેલ્ધી અને ચટપટો નાસ્તો તૈયાર.  

life and style Gujarati food mumbai food indian food