રેસિપી કૉન્ટેસ્ટ : મળી લો આજના વિનર્સને....

18 May, 2022 10:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે વાંચો મૅન્ગો શ્રીખંડના ગોલગપ્પા, જાફરાની પરવળ સંદેશ અને ઇડલી પાસ્તાની રેસિપી

રેસિપી કૉન્ટેસ્ટ

મૅન્ગો શ્રીખંડના ગોલગપ્પા

નમ્રતા રમેશ ઠક્કર,  મુલુંડ-વેસ્ટ, મૅન્ગો શ્રીખંડના ગોલગપ્પા

સામગ્રી :  મૅન્ગો શ્રીખંડ માટે ૧ કિલો દહીં, ૧/૨ કપ મૅન્ગો પ્યુરી, ૧ ટીસ્પૂન એલચી પાઉડર, ૧ ચપટી કેસર, ૧/૪ કપ દળેલી સાકર, સુશોભન માટે ડ્રાયફ્રૂટ 
રીત :  શ્રીખંડ માટે 
દહીંને ઘટ કરવા અને એમાંથી વધારાનું પાણી કાઢી નાખવા એને એક મોટા બાઉલ પર રાખી મલમલના કપડામાં નાખી દો. દહીંને બેથી ત્રણ કલાક લટકાવી રાખો. હવે એકઠા કરેલા આ જાડા ચક્કા જેવા દહીંમાં બાકીની તમામ વસ્તુઓ મિક્સ કરો. સરસ રીતે એકરસ હલાવો અને પીરસવા માટેના બાઉલમાં કાઢી લો. બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરો. પૂરી સાથે એને ઠંડું પીરસવામાં આવે છે.
નોંધ : ૧. તમે લીધેલી મૅન્ગો એકદમ પાકી અને રસદાર હોવી જોઈએ. 
૨. ઘરે બનાવેલા દહીંને ઓછામાં ઓછું એક કલાક મલમલના કપડામાં રાખવું. બહારના દહીંનો ઉપયોગ પણ કરી શકાય, પણ એને લટકાવવાની જરૂર નથી, કારણ કે એ પહેલેથી જ એકદમ જાડું હોય છે.
૩. આ વાનગી વ્રત-ઉપવાસમાં લઈ શકાય.
૪. મૅન્ગો પ્યુરી સાથે દહીં મિક્સ કરવા માટે બ્લેન્ડરનો ઉપયોગ ક્યારેય ન કરવો. એ દહીંને પાતળું બનાવશે. દરેક વસ્તુને મિશ્રિત કરવા માટે હંમેશાં હાથથી જ હલાવવું.
સામગ્રી : પૂરી માટે
૧/૪ કપ ચોખાનો લોટ, ૧/૪ કપ ઘઉંનો લોટ, ૧/૪ કપ મેંદો, પાંચ ચમચી પાણી, મીઠું, તળવા માટે તેલ
ગોલગપ્પા બનાવવાની રીત: ચોખાનો લોટ, ઘઉંનો લોટ, મેંદો અને મીઠું લઈને એમાં થોડું પાણી ઉમેરીને કણક બાંધો. કણકને સરખી મસળીને સમાન ભાગમાં લૂઆ બનાવો. પાતળી પૂરી વણો. કટરની મદદથી પૂરીને વર્તુળમાં ગોળ કાપો. ૩થી ૪ પૂરી ફ્રાઇંગ પૅનમાં ગરમ કરેલા ​​તેલમાં ધીમા તાપે બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. વધારાનું તેલ કાઢી નાખવા ટિશ્યુપેપર પર પૂરીને કાઢી લો. બાકીની કણકમાંથી પણ આ જ રીતે પૂરી તૈયાર કરી તળી લો.
પીરસવાની રીત : પૂરીમાં ચમચી અથવા આંગળીથી નાનું કાણું કરો. ચમચીની મદદથી આ કાણું કરેલી પૂરીની અંદર શ્રીખંડ નાખો અને તમારી પસંદગીના ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરો. તરત જ ખાઓ અને આ સ્વાદિષ્ટ મીઠાઈનો આનંદ માણો.
ખાસિયત : ક્રિસ્પી પૂરીની અંદર મૅન્ગો શ્રીખંડ ભરેલી આ સ્વાદિષ્ટ મીઠાઈ આંગળાં ચાટતાં કરી દે છે.

જાફરાની પરવળ સંદેશ 

દક્ષા ભરત શહાનંદ, મુલુંડ-ઈસ્ટ, જાફરાની પરવળ સંદેશ

સામગ્રી :  ૨૫૦ ગ્રામ પરવળ આશરે ૧૦થી ૧૧ નંગ, ૧ લિટર ગાયનું દૂધ, ૧ ટીસ્પૂન લીંબુનાં ફૂલ, ૨-૩ ટીસ્પૂન એલચી પાઉડર, ૮થી ૧૦ ટેબલસ્પૂન દળેલી સાકર, ચપટી ગ્રીન ફૂડ કલર, અડધો લિટર પાણી
ગાર્નિશિંગની સામગ્રી : ૮થી ૧૦ નંગ કેસર, કેસરી પાણી, ડ્રાયફ્રૂટ પાઉડર, પિસ્તાની કતરણ
બનાવવાની રીત : ૧. પરવળની છાલ કાઢવી, વચ્ચેથી એક કાપો આપવો અને પાછળથી અંદરનો ગર કાઢી નાખવો. લિટર પાણીમાં સાકરનો પાઉડર અને ગ્રીન ફૂડ કલર નાખીને ઉકાળવું. એક ઊકળો આવ્યા પછી એ પાણીમાં પરવળ નાખવાં. ૧૦ મિનિટ સુધી ઢાંકીને પાણીને ઉકાળવું. ત્યાર બાદ ગૅસ બંધ કરીને પરવળને ચાયણીમાં કાઢી લેવાં જેથી પરવળનું વધારાનું પાણી નીકળી જાય.
૨. એક લિટર ગાયનું દૂધ ઉકાળીને ગૅસ બંધ કરવો. બે સ્પૂન પાણીમાં ૧ ટીસ્પૂન લીંબુ ફૂલને ઓગાળીને દૂધમાં નાખતાં-નાખતાં હલાવવું. દૂધ ફાટે ત્યાં સુધી નાખવું. દૂધ ફાટ્યા પછી એમાં બે ગ્લાસ સાદું પાણી નાખવું. મલમલના કપડામાં ફાટેલા દૂધને ગાળીને એને સાદા પાણીથી ધોવું અને કપડું બાંધીને ૧ કલાક માટે રાખી દેવું. પાણી નીકળી જાય પછી એક થાળીમાં લઈને એમાં સાકર પાઉડર, એલચી પાઉડર નાખી હાથથી પાંચથી ૧૦ મિનિટ સુધી મસળવું. મસળીને સંદેશને લિસ્સું કરી નાખવું. 

૩. બનેલા સંદેશને પરવળની અંદર દાબીને ભરી દેવું, પછી સફેદ સંદેશ પર કેસરનું પાણી આંગળીથી લગાડવું અને ડ્રાયફ્રૂટ પાઉડર અને પિસ્તાની કતરણ ભભરાવવાં.

ઇડલી પાસ્તા 

શ્રુતિ રમણિક સતરા,  બોરીવલી-ઈસ્ટ, ઇડલી પાસ્તા 

સામગ્રી : ૧૨ ઇડલી, ૧કપ સમારેલા કાંદા, ૧ કપ બારીક સમારેલાં કૅપ્સિકમ, ૧કપ બારીક સમારેલાં ટમેટાં, ૧ ટેબલસ્પૂન તેલ, ૧ ચપટી હિંગ,  ૧ ટીસ્પૂન રાઈ, ૧ ટીસ્પૂન જીરું, ૧ ટીસ્પૂન મીઠું, ચમચી લાલ મરચું પાઉડર, લીલાં મરચાં, ૧ લાલ મરચું, સમારેલું, ૧ ટેબલસ્પૂન વિનેગર, ૨ ટેબલસ્પૂન સોયા સૉસ, ૧ ટેબલસ્પૂન પાસ્તા સૉસ, મુઠ્ઠીભર બારીક સમારેલી કોથમીર
બનાવવાની રીત : ઇડલીના પાસ્તા શેપના નાના ટુકડા કરો. હવે ઊંડી કડાઈમાં તેલ લઈને એમાં હિંગ, રાઈ, જીરું નાખી સમારેલાં વેજિટેબલ સાંતળો. કાંદો, ટમેટાં અને કૅપ્સિકમને મીઠું તથા લાલ મરચું ઉમેરીને સાંતળી લો. હવે એમાં લીલાં મરચાં, લાલ મરચું, વિનેગર, પાસ્તા સૉસ અને સોયા સૉસ નાખી સરખું મિક્સ કરો. હવે આ મિશ્રણમાં ઇડલી ઉમેરીને બધું એકસાથે સાંતળો. ઇડલી પર બધો મસાલો વ્યવસ્થિત લાગે ત્યાં સુધી મિક્સ કરો અને સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. 

Gujarati food mumbai food indian food life and style