06 June, 2026 11:44 AM IST | Mumbai | Darshini Vashi
કેક ઍન્ડ મચ મોરનાં કો-ફાઉન્ડર હર્ષા ક્ષેત્રાણયા અને રાશિ ચૌધરી
આજે સ્ત્રીઓ હાઉસવાઇફના ટૅગમાંથી બહાર આવી રહી છે અને પોતાનામાં રહેલી આવડતનો ઉપયોગ કરીને પોતાનો બિઝનેસ ઊભો કરી રહી છે એટલું જ નહીં, પરિવાર માટે ઇન્કમનો સ્રોત પણ ઊભો કરી રહી છે. આપણી સામે આજે આવાં અનેક ઉદાહરણો છે. દહિસરમાં રહેતાં હર્ષા અને રાશિ પણ એવું જ એક ઉદાહરણ છે. તેમણે પોતાની આવડતનો ઉપયોગ કરીને પોતાના બિલ્ડિંગમાં જ એક કૅફે શરૂ કર્યું છે જેનું નામ છે કેક ઍન્ડ મચ મોર.
કેક ઍન્ડ મચ મોરનાં કો-ફાઉન્ડર હર્ષા ક્ષેત્રાણયા કહે છે, ‘મારી મિત્ર રાશિ ચૌધરીની સાથે મળીને મેં થોડા સમય પહેલાં જ એક કેક શૉપ શરૂ કરી છે. રાશિના હસબન્ડ અને મારા હસબન્ડ એક જ ઑફિસમાં કામ કરે છે અને અમારા બન્નેની ફૅમિલી એક જ બિલ્ડિંગમાં રહે છે એટલે સ્વાભાવિક રીતે મારી અને રાશિ વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી. અમે બન્ને હાઉસવાઇફ હતાં. રાશિ બેકિંગનો કોર્સ કરી ચૂકી છે અને કેક બનાવવામાં સારીએવી પાવરધી છે. મને પણ કુકિંગનો ખૂબ શોખ છે અને એમાં કંઈ ને કંઈ નવું કરતા રહેવાનું ગમે છે. એક દિવસ મેં અને રાશિએ વિચાર કર્યો કે આપણે બન્ને મળીને પોતાનું કંઈક શરૂ કરીએ જેથી આપણી આવડત પણ બહાર આવે અને ઇન્કમ પણ થાય. આમ શરૂ થયું અમારું કેક ઍન્ડ મચ મોર નામનું કૅફે. આ કૅફે અમે અમારા બિલ્ડિંગમાં જ શરૂ કર્યું છે. અમે બન્ને સવારે ઘરનું કામ પતાવીને અમારી શૉપ પર આવી જઈએ છીએ. બપોરે ઘરે જઈને સાંજનું જમવાનું બનાવીને ફરી પાછા શૉપ પર બેસી જઈએ. રાશિની સાથે રહીને મને પણ બેકિંગ આવડી ગયું છે. અમે અલગ-અલગ જાતની કેક, પેસ્ટ્રી, બ્રાઉની બનાવીએ છીએ. આ ઉપરાંત અમે સ્નૅક આઇટમ્સ પણ રાખી છે. સૅન્ડવિચ, પીત્ઝા, બર્ગર, પનીની વગેરે આઇટમ્સ પણ અમે સર્વ કરીએ છીએ. કૅફેની અંદર અમે થોડાં ખુરસી અને ટેબલ પણ મૂક્યાં છે જેથી ગ્રાહકો બેસીને કેકની સાથે સ્નૅક્સની લહેજત માણી શકે. ઘરે બેસીને સમય પસાર કરવાને બદલે અમે બન્નેએ પોતાનામાં રહેલી આવડતનો ઉપયોગ કરીને વ્યવસાય શરૂ કર્યો છે જેથી ઘર ચલાવવામાં મદદરૂપ થઈ શકીએ.’
ક્યાં મળશે? : કેક ઍન મચ મોર, સુહાસિની પાવસકર માર્ગ, નીતિન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટની બાજુમાં, દહિસર-ઈસ્ટ
સમય : સવારે ૧૧થી બે અને સાંજે પાંચથી રાત્રે ૧૦ વાગ્યા સુધી (સોમવારે બંધ)