10 January, 2026 08:40 PM IST | Mumbai | Darshini Vashi
ગુજરાતી પીત્ઝા ખાવા છે?
મેંદો હેલ્થ માટે નુકસાનકારક છે એનો ગંભીર અનુભવ કરી ચૂકેલી મહિલાએ તેના આઉટલેટમાં ટ્રેન્ડિંગ ડિશમાંથી મેંદાને હટાવી દેવાનું સાહસ કર્યું છે. પીત્ઝાની કલ્પના પીત્ઝા બ્રેડ વગર કરવી મુશ્કેલ છે, પરંતુ એક ગુજરાતી ગૃહિણીએ કલ્પનાને હકીકતમાં ફેરવી દીધી છે.
પરેલ-ઇસ્ટમાં થોડા મહિના પહેલાં જ ગુજ્જુભાઈ કૅફે શરૂ કરવામાં આવી છે જ્યાં ઇટાલિયન, મેક્સિકન ઉપરાંત ગુજરાતી આઇટમ્સ પણ મળે છે; પરંતુ સૌથી યુનિક કહી શકાય એવું છે અહીંના ઢોકળા પીત્ઝા અને ઢોકળા સૅન્ડવિચ. એમાં બ્રેડના બદલે ઢોકળાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવો યુનિક આઇડિયા કેવી રીતે સૂઝ્યો એ વિશે જણાવતાં કૅફેનાં કો-ઓનર કલ્યાણી સોની કહે છે, ‘મારા હસબન્ડ પહેલાં અતિશય ફૂડી હતા પરંતુ મેંદાની વસ્તુઓના અતિશય સેવન અને જન્ક ફૂડને લીધે તેમનું આરોગ્ય બગડ્યું હતું. તેમની બન્ને કિડની પણ ખરાબ થઈ ગઈ હતી એટલે તેમનું ખાવાપીવાનું એકદમ જ સ્ટ્રિક્ટ થઈ ગયું હતું. તેઓ ખાવાના શોખીન હોઈ મારે તેમની હેલ્થનું ધ્યાન રાખીને એવી વસ્તુ ઘરમાં બનાવવી પડતી જે તેઓ ખાઈ શકે. ત્યાંથી નિર્માણ થયું ઢોકળા પીત્ઝા અને ઢોકળા સૅન્ડવિચનું. કૅફેની વાત કરું તો મારી એવી નાણાકીય સ્થિતિ નથી કે હું કૅફે શરૂ કરી શકું, પરંતુ મને કેટલાક મદદગાર લોકોએ ફન્ડિંગ કરીને આ કૅફે શરૂ કરવામાં મદદ કરી છે જ્યાં હું હવે દરેક આઇટમમાં હેલ્ધી વર્ઝન લાવવા માગું છું.’
ઢોકળા પીત્ઝામાં બેઝ તરીકે ઢોકળાની થાળી પાથરવામાં આવે છે અને એની ઉપર પીત્ઝાનાં વેજિટેબલ્સ અને ચીઝ નાખવામાં આવે છે. એમાં પણ ઑપ્શન આવે છે. જેમને ચીઝ નથી જોઈતું તેમને પનીરનો ઑપ્શન આપવામાં આવે છે. ઢોકળાના ખીરાને લીધે બેકિંગ બાદ પીત્ઝા એકદમ સૉફ્ટ બને છે અને એવી જ રીતે સૅન્ડવિચમાં પણ બ્રેડની જગ્યાએ ઢોકળાના ટુકડા મૂકવામાં આવે છે અને વચ્ચે વેજિટેબલ્સ ઉમેરવામાં આવે છે જેની ઉપર પણ ચીઝનો ઑપ્શન અવેલબલ છે. એ સિવાય અહીં પાનકી, હાંડવો, જૂસ વગેરે પણ મળે છે.
એકાદ મહિના પહેલાં વડાલામાં પણ ગુજ્જુભાઈઝ કૅફે શરૂ કરવામાં આવી છે જે કલ્યાણીબહેનના હસબન્ડ સંભાળે છે.
ક્યાં મળશે? : ગુજ્જુભાઈઝ કૅફે,
શૉપ-નંબર ૯, ઇકબાલ મૅન્શન, મહારાષ્ટ્ર ગેસ્ટહાઉસની બાજુમાં,
ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ, પરેલ (ઈસ્ટ), ગુજ્જુભાઈઝ કૅફે, યુનિટ-નંબર
૧૮, ગ્રાઉન્ડ ફ્લોર, બંસીધર બિલ્ડિંગ, CTS 4/853,
વડાલા-વેસ્ટ