28 June, 2026 06:47 PM IST | Mumbai | Darshini Vashi
કેદારનાથમાં ગૌરવ વાઘેલાનો ભજિયાં-ગાંઠિયાનો ઢાબો.
કહેવાય છે કે આપણા ગુજરાતીઓ ક્યાંય પાછા પડતા નથી. પહેલાં એમ કહેવાતું હતું કે કોઈ પણ સ્થળે ફરવા જાઓ ત્યાં તમને કોઈ ને કોઈ ગુજરાતી તો મળી જ જશે, પરંતુ હવે એમ પણ કહેવું પડશે કે તમે કોઈ પણ સ્થળે ફરવા જાઓ ત્યાં તમને ગુજરાતી ભોજન પણ મળી જ રહેશે. ચારધામ યાત્રાને હિન્દુ ધર્મમાં ખૂબ જ ધાર્મિક અને મહત્ત્વની ગણવામાં આવી છે એટલે દરેક પ્રાંતના લોકો આ યાત્રામાં જોડાય છે. એમાં ગુજરાતી સમુદાયની સંખ્યા પણ ઘણી મોટી છે. જાત્રાથી પાછા ફરનારા ગુજરાતી યાત્રિકોની હંમેશાં ફરિયાદ રહેતી હોય છે કે ત્યાં ગુજરાતી ખાવાનું મળતું નથી એટલે ભોજનનો સંતોષ મળતો નથી. જોકે હવે તેમને આવી ફરિયાદ કરવાનો મોકો મળશે નહીં, કેમ કે ગુજરાત અને મુંબઈના ગુજરાતીઓએ કેદારનાથમાં ગુજરાતી ફૂડ જમાડવાનું શરૂ કર્યું છે. પહાડી કમ્યુનિટીનો દબદબો હોય એવા વિસ્તારમાં તેમની વચ્ચે જઈને પોતાની રેસ્ટોરાં શરૂ કરવી અને એ પણ અલગ જ વાનગી સાથેની એ કોઈ સરળ વાત નથી. એમ છતાં ગુજરાતીઓએ અહીં પોતાનો ફૂડ-બિઝનેસ શરૂ કર્યો છે એટલું જ નહીં, તેઓ રસોઈની સામગ્રી પણ છેક ગુજરાતથી મગાવી રહ્યા છે.
ગાંઠિયા અને ભજિયાં
એક જ્યોતિર્લિંગ ધામમાં જન્મ થયો અને બીજા જ્યોતિર્લિંગ ધામમાં મન પરોવાઈ ગયું અને પછી અહીં જ વાસ કરી દીધો એમ જણાવતાં મૂળ ગીર-સોમનાથના રહેવાસી ગૌરવ વાઘેલા કહે છે, ‘અન્ય યાત્રિકોની જેમ હું પણ કેદારનાથમાં બાબા કેદારનાં દર્શન કરવા આવ્યો હતો. હું સોલો પ્રવાસી હતો એટલે અહીં થોડા દિવસ રોકાયો પણ હતો અને કોણ જાણે કેમ મારું મન અહીં એવું લાગી ગયું કે પાછા જવાનું મન જ થયું નહીં. મારી આ જાત્રા દરમ્યાન મને અહીંના કેટલાક સ્થાનિક લોકો અને નાના-મોટા સ્ટૉલ અને ઢાબા ચલાવતા પહાડી લોકો સાથે ઓળખાણ પણ થઈ ગઈ હતી. એટલે હું તેમની પાસે જઈને બેસતો. એ દરમ્યાન મેં જોયું કે અહીં ગુજરાતી ખાવાનું મળતું નથી. હું પોતે ગુજરાતી અને એમાં પાછો સૌરાષ્ટ્રનો એટલે ગુજરાતી ભાણા વગર વધારે સમય આપણને ન ચાલે એટલે મેં વિચાર કર્યો કે મારા જેવા તો અહીં કેટલાય લોકો આવતા હશે, તેઓ પણ લાંબી જાત્રામાં ગુજરાતી ભાણું યાદ કરતા હશે એટલે મેં વિચાર્યું કે કેમ નહીં હું અહીં ગુજરાતી ખાવાનું બનાવીને પીરસું. વિચાર સારો હતો, પણ એને અમલ મૂકવો એટલો જ અઘરો હતો. પડકારો અનેક હતા. સૌથી પહેલાં તો અહીં સ્થાનિક લોકો બહારના લોકોને સ્ટૉલ નાખવા દેતા નથી. બીજું, અહીં ઉપર સુધી સામાન લાવવો પણ એક મોટો ટાસ્ક હતો. ત્રીજું, ગુજરાતીઓની વસાહત શૂન્ય હતી. એમ છતાં મેં સાહસ કર્યું. અહીંનો એક સ્થાનિક ઢાબાવાળો મારો મિત્ર બની ગયો હતો. તેની સાથે મળીને મેં અહીં જૉઇન્ટ્લી આ વર્ષે જ ઢાબો શરૂ કર્યો. ચારધામની જાત્રા શરૂ થઈ ત્યાર બાદ જ મેં એ શરૂ કર્યો. મારો મિત્ર અને ઢાબાનો ભાગીદાર અહીં પહાડી વાનગી બનાવે અને હું અહીં કાઠિયાવાડી સ્ટાઇલના ગાંઠિયા, ભજિયાં, બટાટાની ચિપ્સ બનાવું. આમ પણ લોકો ચડાણ ચડીને આવ્યા હોય છે અને હજી આગળ લાઇનમાં જઈને ઊભા પણ રહેવાનું હોય છે એટલે તેઓ પેટ ભરીને ખાવાનું ટાળતા હોય છે. તેથી અહીં ગુજરાતી નાસ્તાની આઇટમો જ રાખી છે, જેથી જેમ-જેમ લોકો આવતા જાય તેમ-તેમ તેમને ગરમ-ગરમ નાસ્તો આપી શકાય. મેં હવે અહીં રસોઈયા પણ રાખ્યા છે. ધીરે-ધીરે અહીં યાત્રિકોનો ધસારો એટલો બધો વધી ગયો છે કે હું એકલા હાથે પહોંચી નહોતો વળતો એટલે મેં અહીંના લોકલ લોકોને રાખ્યા છે. અહીંના સ્થાનિક લોકોને મેં ગુજરાતી ફરસાણ બનાવતાં શીખવાડી દીધું છે. હું પોતે અહીં બે વર્ષથી રહું છું. મારો ઢાબો કેદારનાથના મુખ્ય મંદિરથી માત્ર ૫૦૦ મીટર દૂર છે. મંદિરથી ભલે મારો ઢાબો નજીક છે, પરંતુ મેઇન માર્કેટથી મારે ઘણું અંતર છે. માર્કેટ છેક નીચે છે અને અમે ઉપર. એટલે રોજેરોજ રસોડામાં જોઈતો સામાન લેવા માટે ભારે મહેનત કરવી પડે છે. અમુક સામાન તો રોજેરોજ જોઈતો હોય છે. આપણે તો ગુજરાતી એટલે કોઈનીયે સાથે તરત દોસ્તી કરી લઈએ. મારી પણ અહીં અમુક સ્થાનિક લોકો સાથે દોસ્તી થઈ ગઈ છે, જેઓ મને સામાન ઉપર સુધી લાવવામાં મદદ કરે છે. અહીં આવતા ગુજરાતી યાત્રિકો હવે મારી રીલ બનાવીને સોશ્યલ મીડિયા પર મૂકે છે, જેને લીધે ઘણા લોકો મારા ઢાબા પર આવે છે. મારાં ભજિયાં અહીં ઘણાં વખણાય છે. અહીં કેદારનાથના રસ્તા પર મેં મારા ઢાબાનું ગુજરાતીમાં મોટું બૅનર પણ લગાવ્યું છે જેમાં લખ્યું છે : ગુજરાતી ભજિયાં અને ગાંઠિયા ખાવાં હોય તો અહીં આવી જજો. આ બૅનર જોઈને જેઓ ગુજરાતી નથી પરંતુ ગુજરાતી ખાવાના શોખીન છે તેઓ પણ અહીં આવે છે. ફરસાણની સાથે હું અહીં યાત્રિકોને રહેવા માટે કૅમ્પ પણ આપું છું અને એ પણ હું મારા અહીંના મિત્રની સાથે જ કરું છું.’
ગૌરવ વાઘેલાનો 86796 93924 નંબર પર સંપર્ક કરી શકાય
પતિ-પત્ની જમાડે છે થાળી
કેદારનાથનું ચડાણ શરૂ થાય છે ત્યાં આ વર્ષે જ ગુજરાતી રસોડું શરૂ કરનાર સોમનાથના જ રાહુલ કામરિયા (સોમનાથવાસી) કહે છે, ‘અહીં માત્ર ને માત્ર ગુજરાતી ખાવાનું બનાવીને આપનારા અમારા સિવાય બીજા કોઈ નથી. નીચે હરિદ્વાર તરફ તમને અનેક ગુજરાતી હોટેલો અને ખાણી-પીણીની વસ્તુઓ મળી જશે, પરંતુ અહીં ઉપર કોઈ ગુજરાતી નથી જે માત્ર ગુજરાતી જ વસ્તુ બનાવતો હોય. હૃષીકેશથી લઈને કેદારનાથ સુધીના રસ્તામાં અમારા સિવાય બીજી કોઈ જગ્યા નથી જ્યાં માત્ર ગુજરાતી ભાણું બનાવવામાં આવતું હોય - એ પણ પોતાના હાથથી. મેં કોઈ રસોઈયો રાખ્યો નથી. અહીં દરેક વસ્તુ હું અને મારી પત્ની બન્ને જણ સાથે મળીને જ બનાવીએ છીએ. હું ગુજરાતથી અહીં કેવી રીતે પહોંચ્યો એ વિશે કહું તો ૨૦૨૪ની વાત છે. મને ટ્રેકિંગ કરવું ગમે છે. પહાડોની સાથે પહેલેથી પ્રેમ. એ અરસામાં હું સોમનાથથી કેદારનાથ પગપાળા આવ્યો હતો. પછી ત્યાંથી હું પશુપતિનાથ સુધી ચાલીને ગયો હતો. એ સમયે હું ગુજરાતની એકમાત્ર એવી વ્યક્તિ હતો જે પગપાળા કેદારનાથ સુધી ગયો હતો. આ જાત્રા દરમ્યાન મેં જોયું કે આ ધામોમાં ગુજરાતી ખાવાનું મળતું નથી અને મને ખબર છે કે જ્યાં સુધી એક ગુજરાતીને તેનું રોજનું ભાણું ન મળે ત્યાં સુધી તેને મજા આવતી નથી. બસ, અહીંથી મારું ગુજરાતી રસોડું શરૂ કરવાના વિચારના શ્રીગણેશ થયા. પછી વિચાર આવ્યો કે આટલું મોટું સાહસ અને આખું રસોડું હું એકલો કેવી રીતે સંભાળીશ એટલે મેં મારી પત્ની અને બાળકોને પણ અહીં બોલાવી લીધાં. એટલે હવે અમે આખી ફૅમિલી અહીં જ છીએ. અહીં સ્થાનિક લોકોની વચ્ચે ભાડેથી ઘર લેવું અને રસોડું ચલાવવું સરળ નથી એટલે મેં મારું પોતાનું ઘર લઈ લીધું છે જેમાં આગળ રસોડું ચાલે છે અને પાછળ અમે લોકો રહીએ છીએ. બાળકોને પણ અહીંની સ્કૂલમાં જ મૂક્યાં છે. અમારા ઘરમાં અમે યાત્રિકોનો સામાન મૂકવાની વ્યવસ્થા પણ કરી છે જેના માટે કોઈ પૈસા લેતા નથી. તેઓ યાત્રા કરીને નીચે આવે ત્યારે સામાન પાછો લઈ જાય છે. મારું આ રસોડું શરૂ થયાને આજે બે મહિનાથી ઉપર થઈ ગયા છે. અહીં આવતા લોકોને હું ફુલ થાળી જ જમાડું છું. અહીં સુધી હું મસાલા અને લોટ સુધ્ધાં ગુજરાતથી લઈને આવ્યો છું. ૬ મહિના ચાલે એટલો સામાન હું ગુજરાતથી પૅક કરીને અહીં લઈ આવ્યો છું. સિંગતેલના ડબ્બા હું હરિદ્વારથી ગુજરાતી પેઢી પાસેથી મગાવું છું. શાકભાજી પણ હું નીચેથી જ લાવું છું. હા, મહેનત અને શ્રમ ઘણો પડે છે, પરંતુ મારું માનવું છે કે જો તમે ગુજરાતી જમણ આપતા હો તો તમારે દરેક સામગ્રી પણ ગુજરાતની જ વાપરવી જોઈએ, નહીંતર તમને એનો ટેસ્ટ નહીં મળે. બીજું એ કે ગુજરાતી રસોઈ એક ગુજરાતી જ બનાવે તો એનો ટેસ્ટ જ અલગ આવે છે. એટલે અમે બન્ને જણ મળીને જ ગુજરાતી રસોઈ બનાવીએ છીએ. જેમ-જેમ લોકો આવે તેમ-તેમ અમે ગરમાગરમ બનાવીને પીરસીએ છીએ. ઘણા લોકો મને ઍડ્વાન્સમાં ફોન કરીને પણ કહી દે છે કે અમે ૧૦ જણ છીએ અને બપોર સુધીમાં ત્યાં પહોંચીશું તો અમારી રસોઈ રાખજો. એટલે અમે એ પ્રમાણે જમવાનું બનાવી રાખીએ છીએ. મારે તો ઉપર મંદિરની નજીક જ રસોડું શરૂ કરવું હતું, પરંતુ અહીં વાતાવરણ ગમે ત્યારે પલટો મારે છે ત્યારે ફૅમિલી સાથે મુશ્કેલી વધી જાય છે એટલે મેં કેદારનાથની તળેટીમાં જ રસોડું શરૂ કરી દીધું. અહીં તમે કોઈ પણ બિઝનેસ કે વ્યવસાય કરો એ સીઝનલ જ ચાલે છે, કેમ કે અહીંનાં કપાટ વર્ષમાં માત્ર ૬ મહિના સુધી જ ખુલ્લાં રહેતાં હોય છે. બાકીના દિવસોમાં અહીં પુષ્કળ બરફ પડે છે અને વાતાવરણ પણ અનિશ્ચિત બની જાય છે. એવામાં અહીં ટકી રહેવું મુશ્કેલ હોય છે. એટલે ૬ મહિના પછી મારે શું કરવું એનો પણ વિચાર કરી રહ્યો છું, પરંતુ અત્યારે અહીં આવતા ગુજરાતીઓના પેટનો ખાડો પૂરી શકું છું એ જ મારા માટે મુખ્ય છે.’
બે બાળકો અને પત્ની સાથે રાહુલ સોમનાથવાસી, જે થાળી જમાડે છે.
રાહુલ સોમનાથવાસીનો 90160 27697 નંબર પર સંપર્ક કરી શકાય
સુરતની સામગ્રી, સુરતનું જમણ
કહેવાય છે કે ગુજરાતીના લોહીમાં જ ધંધો હોય છે. તેઓ ફરવા જતા હોય છે ત્યારે પણ ધંધો શોધી જ કાઢતા હોય છે. સુરતમાં રહેતા કુણાલ વ્યાસને પણ ફરતાં-ફરતાં જ એટલે કે ટ્રેકિંગ કરતાં જ વિચાર આવ્યો કે કેદારનાથમાં જ્યાં ગુજરાતીઓ અને એમાં પણ ખાસ કરીને સિનિયર સિટિઝનો વધારે આવે છે તેમને અહીં ક્યાંય ગુજરાતી ખાવાનું મળતું નથી તો એક રેસ્ટોરાં શરૂ કરી શકાય. આ વિશે વધુ માહિતી આપતાં કુણાલ વ્યાસ કહે છે, ‘હું ટ્રેકિંગ કરવાનો શોખ ધરાવું છે જે મને અહીં રેસ્ટોરાં શરૂ કરવા માટે દોરી ગયો હતો. આ સાથે હું જ્યારે-જ્યારે ટ્રેકિંગ પર જતો હોઉં છે ત્યારે ત્યાંની જગ્યાનું વિશ્ળેષણ પણ કરતો હોઉં છું. જેમ કે સ્પીતિ, લદ્દાખ એવી જગ્યાએ હું જાઉં છું તો ત્યાં પણ ગુજરાતી ફૂડ મળતું નથી. જોકે ત્યાં એક વખત ગુજરાતી જમણ ન મળે તો ચાલી જાય, પરંતુ ચારધામ જેવાં સ્થળોએ જ્યાં વડીલોનું આગમન વધારે થતું હોય અને તેમને વધારે બહારનું અને લોકલ ફૂડ ભાવતું ન હોય એટલે તેઓ ઘરેથી થેપલાં વગેરે લઈને આવતા હોય છે. એને બદલે હવે હું જ તેમને આ બધું બનાવીને પીરસું છું એટલે તેમને રાહત થઈ ગઈ છે. એક તો તેમને ફ્રેશ ખાવાનું મળે અને સાથે ગુજરાતી ભોજન પણ મળે છે. મારી એક રેસ્ટોરાં નીચે સોનપ્રયાગ પાસે પાર્કિંગમાં છે જેનું નામ સુરતનું જમણ છે. ત્યાં સુરતી વાનગીઓનો સ્વાદ માણવા મળે છે. બીજી હોટેલ ઉપર મુખ્ય મંદિરની સામે છે જેનું નામ વાઇટ હાઉસ છે. ત્યાં માત્ર રહેવાની સગવડ છે. ત્યાં પહેલાં જમવાનું શરૂ કર્યું હતું, પરંતુ કૉસ્ટિંગ વધારે થવાથી જમણ મોંઘું પડતું હતું અને સામાન્ય પરિવારોને એ પરવડી શકે એમ નહોતું એટલે હવે ત્યાં માત્ર રહેવાની જ વ્યવસ્થા રાખી છે. ગુજરાતી જ નહીં, નૉન-ગુજરાતી લોકો પણ સુખેથી અમારે ત્યાં જમણ કરીને બહાર નીકળે છે. ગરમાગરમ થેપલાં ચારધામમાં ખાવા મળશે એવું તો તેમણે વિચાર્યું પણ નહોતું. અહીં આવીને તેમને એ ખાવા મળે એટલે ખુશ-ખુશ થઈ જાય છે. થેપલાં, ફાફડા સાથે ગરમ ચા મળી જાય તો પછી મજા પડી જાય એટલે મેં ચા પણ રાખી છે; પરંતુ અહીંની લોકલ નહીં, ગુજરાતની જે પ્રખ્યાત ચા છે એ જ ચાની ભૂકી હું અહીં લઈ આવ્યો છું અને એમાંથી જ ચા બનાવીને પીવડાવું છું એટલે તેમને એવું જ લાગે જાણે પોતાના ઘરમાં જ બેસીને ચા પીતા હોય. રસોડામાં વપરાતી મુખ્ય સામગ્રી હું સુરતથી લઈ આવું છું. બાકી જે રનિંગ આઇટમ છે એ હું લોકલની જ વાપરું છું. જે વસ્તુથી ટેસ્ટ પકડાય એ વસ્તુ જો તમે ગમે એવી વાપરો તો મજા ન આવે એટલે એમાં હું ખાસ ધ્યાન રાખું છું. એટલે જ હું બધું સુરતથી લઈ આવું છું. અહીં સવારના નાસ્તાથી લઈને રાતના જમણ સુધીનું બધું મળે છે. સૌથી સારી વાત એ છે કે મને લોકલ લોકોનો પણ સારોએવો સપોર્ટ મળે છે. આપણે તેમનામાં દખલ કરવાની નહીં તો તેઓ પણ આપણને હેરાન કરે નહીં. આ વખતે આમ પણ ચારધામની યાત્રામાં ગિરદી ઘણી વધારે છે અને અહીં ચોમાસું પણ જલદી શરૂ થઈ ગયું છે એટલે હોટેલમાં આવનારા લોકો પણ વધ્યા છે. મારી એક હોટેલ ગંગોત્રીમાં પણ છે જે સૌથી પહેલાં શરૂ કરી હતી. ૨૦૧૫માં મેં અહીં હોટેલ શરૂ કરી હતી જ્યારે કોઈ ગુજરાતી અહીં હતો નહીં. આ હોટેલ માત્ર રહેવા માટે જ છે, ત્યાં ફૂડ મળતું નથી. પહાડી વિસ્તારોની લાઇફસ્ટાઇલ ઘણી કઠિન હોય છે. અહીં ઠંડી પણ પુષ્કળ પડે છે અને વરસાદ પણ એટલો જ પડે છે. અહીંના લોકલ લોકો આવા વાતાવરણથી પરિચિત હોય છે એટલે તેમને વાંધો આવતો નથી, પરંતુ બહારના લોકો માટે અહીં લાંબા સમય સુધી ટકી રહેવું મુશ્કેલ બને છે અને એ જ કારણે અહીં બહારના લોકો વ્યવસાય કરવા આવતા નથી. એમાં ગુજરાતીઓની સંખ્યા તો આંગળીના વેઢે ગણાય એટલી જ છે. આ ઉપરાંત અહીં ૬ મહિના બધું બંધ રહે છે એટલે પણ ઘણા અહીં આવવાનું સાહસ કરતા નથી.’
કુણાલ વ્યાસનું સુરતનું જમણ.
કુણાલ વ્યાસનો 93163 46615 નંબર પર સંપર્ક કરી શકાય.
મુંબઈનાં મહિલાનું સાહસ
પુરુષોએ તો અહીં પહાડી વિસ્તારોમાં આવીને બિઝનેસ શરૂ કર્યો છે, પણ એક સ્ત્રી માટે આવા વિસ્તારમાં આવીને બિઝનેસ શરૂ કરવો કોઈ સરળ વાત નથી. એમ છતાં મુંબઈનાં એક ગુજરાતી લેડી આફ્ટર સિક્સ્ટી એટલે કે ઉંમરનાં ૬૦ વર્ષ પછી અહીં આવ્યાં અને દીકરા સાથે મળીને પોતાની હોટેલ શરૂ કરી. આ વિશે વધુ માહિતી આપતાં મુંબઈનાં સિનિયર સિટિઝન જાગૃતિ ચાંદરાણી કહે છે, ‘૨૦૨૦ની સાલમાં મારા હસબન્ડનું નિધન થઈ ગયું હતું. હું નિરાશ થઈ ગઈ હતી. ત્યારે મારા દીકરાએ હિંમત આપીને કહ્યું કે ચાલ તને પહાડો ઉપર લઈ જાઉં, વાતાવરણ બદલાશે તો તને સારું પણ લાગશે. એટલે હું તેની સાથે જવા તૈયાર થઈ ગઈ. મને તેણે બે મહિના ઉત્તરાખંડમાં ફેરવી. દરેક ધાર્મિક સ્થળે લઈ ગયો. જોકે મને ખબર નહોતી કે મારી લાઇફ અહીં આવીને સાવ બદલાઈ જશે. હું અહીં પહાડોમાં આવી અને મને લાગ્યું કે મારે મારું બાકીનું જીવન અહીં જ વિતાવવું છે. અહીં એવું લાગતું હતું કે આપણે ભગવાનની નજીક આવીને વસ્યા હોઈએ. મેં આ વાત મારા દીકરાને કરી. મારા દીકરાએ નેહરુ ઇન્સ્ટિટ્યૂટમાંથી પર્વતારોહણનો કોર્સ પણ કરેલો છે એટલે તેને તો અહીં પહેલાંથી ગમતું જ હતું. મારું પણ મન હવે મુંબઈ જવા માટે તૈયાર હતું નહીં ત્યારે મારા દીકરાએ કહ્યું કે આપણે અહીં જ રહી જઈએ તો? પહેલાં મને અજીબ લાગ્યું, પણ પછી તેણે તેના વિચાર જણાવ્યા અને મારી સાથે મળીને એક હોટેલ શરૂ કરવાનો નિર્ણય લીધો. આજે આ હોટેલ શરૂ કર્યાને પાંચ વર્ષ થઈ ગયાં છે. હું અને મારો દીકરો જ બધો કારભાર સંભાળીએ છીએ. શરૂઆતમાં અજાણી જગ્યાએ આવીને રહેવાનું અને નવેસરથી આખું એમ્પાયર શરૂ કરવાનું અમારા માટે સહેલું નહોતું. અનેક ચૅલેન્જ આવી, અનેક અવરોધો આવ્યા છતાં અમે એકબીજાના સહારે અહીં સુધી આવી પહોંચ્યાં છીએ. માત્ર એક રેસ્ટોરાં શરૂ કરવી અને આખેઆખી હોટેલ શરૂ કરવી, એ પણ રેસ્ટોરાં સાથે એ કોઈ સરળ વાત નથી. છતાં ભગવાનની દયાથી બધું થઈ ગયું. અમારી આ હોટેલ ગૌરીકુંડની નજીક છે, જેનું નામ સર્વહિત યોગા ઍન્ડ રિટ્રીટ છે. સ્ટે અને રેસ્ટોરાં એમ બન્ને અહીં છે. કુલ ૧૫ રૂમ છે અને પંચાવન બેડ છે. રેસ્ટોરાંમાં અમે ગુજરાતી, મહારાષ્ટ્રિયન અને પંજાબી ફૂડ એમ ઘણુંબધું આપીએ છીએ. મારો દીકરો કરણ અહીં યોગ પણ કરાવે છે. મહિલાઓને સશક્ત થવાની કેટલી જરૂર છે એ મને ૨૦૨૦ પછી સમજાયું એટલે મેં અહીંની લોકલ મહિલાઓને પણ સશક્ત કરવા માટે લેડીઝ સ્ટાફ વધારે રાખ્યો છે. તેઓ અહીંનું હાઉસકીપિંગ વગેરેનું કામ સંભાળે છે. અહીં હોટેલમાં જ્યારે કોઈ આવે અને તેને ખબર પડે કે હું મુંબઈની છું અને ગુજરાતી છું તો તેમને પણ નવાઈ લાગે છે. કોઈ ગુજરાતી અહીં આવે તો તેઓ મારા પર ગર્વ પણ કરે છે.’
મુંબઈનાં મહિલા જાગૃતિ ચાંદરાણી અને તેમની હોટેલ.
જાગૃતિ ચાંદરાણીનો 99871 05576 નંબર પર સંપર્ક કરી શકાય.