આટલી વરાઇટી અને આવો સ્વાદ હોય તો પૂડલા બારેમાસ

12 September, 2019 08:46 AM IST  |  | ફેમસ ફૂડ અડ્ડા - રુચિતા શાહ

આટલી વરાઇટી અને આવો સ્વાદ હોય તો પૂડલા બારેમાસ

ચોમાસામાં ગરમાગરમ પકોડા તો બધા ખાય, પણ એમાં ડાયટિંગવાળાઓને ખાઈને પણ જીવ બાળવા જેવું થાય! એટલે જ આ સીઝનમાં ગરમાગરમ પૂડલા ખાવા મળી જાય તો પકોડા જેવો જ સ્વાદ મળે અને ઑઇલી ખવાઈ ગયુંની ચિંતામાં જીવ પણ ન બાળે. પૂડલા જેટલો નિર્દોષ આહાર એકેય નથી એવો દાવો ઝવેરી બજારમાં વર્ષોથી શાખ જમાવનારા મોહનભાઈ પૂડલાવાળાના લાલાભાઈ કરે છે. તેમની અટક જ હવે પૂડલાવાળા બની ગઈ છે. 

ઝવેરી બજારની ખાઉગલી વર્લ્ડ ફેમસ છે. મુંબઈની ટૉપ ટેન ખાવાની જગ્યામાં આ સ્થળ મહત્ત્વનું છે. પાયધુનીથી ઝવેરી બજાર તરફ આવો અને ધનજી સ્ટ્રીટમાં એન્ટ્રી મારીને બીજો લેફ્ટ લઈ ફર્સ્ટ રાઇટ મારો એટલે નાસ્તાગલી તરીકે ઓળખાતી ત્રીજી અગિયારી લેન શરૂ થાય. આ લેનના અંતિમ ભાગમાં મોહનભાઈ પૂડલાવાળાની નાનકડી રેસ્ટોરાં-કમ-દુકાન છે. વર્ષોથી સ્વાદ અને ગુણવત્તામાં પોતાનું નામ બનાવનારા આ પૂડલા સેન્ટરમાં અમે જ્યારે પહોંચ્યા ત્યારે દુકાનના ૭૭ વર્ષના માલિક મોહનભાઈ પોતે કાઉન્ટર પર હતા અને તેમના દીકરા લાલાભાઈ પૂડલા બનાવતા હતા. લાલાભાઈની પૂડલા બનાવવાની સ્ટાઇલ અને તવા પર ઊતરી રહેલા પૂડલાની રંગરોનક જોઈને ભલભલી વ્યક્તિ થોડીક વાર માટે ત્યાં ઊભી રહી જાય. મટકું માર્યા વિના એ કરતબને નિહાળ્યા કરો.

અત્યારે ચોમાસું છે પણ અનુભવીઓ કહે છે કે ઉનાળાની બળબળતી ગરમીમાં જ્યારે લોકો લીંબુપાણી, છાશ કે શેરડીનો રસ શોધતા હોય એ સમયે આ પૂડલાવાળા ભાઈને ત્યાં હાઉસફુલ હોય છે. ટૂંકમાં ત્રણેય ઋતુઓમાં, બારેય માસ અહીં લોકોનો ધસારો હોય છે. બેસવાની લગભગ દસેક ટેબલની વ્યવસ્થા છે, પણ એકેય ખાલી નહીં એટલે રાહ જોવા સિવાય છૂટકો નહોતો. પૂડલા બનાવી રહેલા લાલાભાઈ સાથે દુકાનની બહાર જ એક ટેબલ લગાવીને વાતે વળગવાની સાથે તવા પર બની રહેલા એકથી એક ચડિયાતા અને જુદી-જુદી વરાઇટીના પૂડલાનું નિરીક્ષણ ચાલુ હતું. (અહીં એક વાત ઉલ્લેખનીય છે કે છેલ્લાં થોડાંક વષોર્થી મોહનભાઈ પૂડલાવાળા પૂડલાની સાથે પાંઉભાજી, રગડા-પૅટીસ, પુલાવ પણ વેચતા થયા છે જેથી લોકોને ફુલ મેનુ મળી રહે એટલે હવે આ એક ફાસ્ટ ફૂડ સેન્ટર બની ગયું છે.) કેમ શરૂ કર્યું અને શું કામ શરૂ કર્યુંની વાત કરતાં અમને પૂડલા બનાવવાની પેલા ભાઈની પદ્ધતિમાં વધુ રસ પડી રહ્યો હતો.

‘બેન, હવે તો આંખ મીંચીને પણ આવા જ ગોળ અને પાતળા પૂડલા બનાવી શકું.’ તેમની ઝડપ અને સચોટતા તેમના શબ્દોમાં પુરવાર થઈ રહી હતી. છેલ્લે મારો નંબર લાગ્યો. એક જગ્યા ખાલી થઈ. ટેબલ પર ગોઠવાઈ ગયા પછી આ શૉપમાં સૌથી વધુ વેચાતા અને લોકપ્રિય સાદા પૂડલાનો ઑર્ડર લઈને વેઇટર હાજર હતો. પૂડલાની સાથે તીખી-મીઠી ચટણી હતી. બન્ને ચટણીઓ અને પૂડલાનો સ્વાદ ‘માં કે હાથ કા ખાના’ની યાદ અપાવી દે. સ્ટ્રીટ-ફૂડ તો કેવું હોય, ક્વૉલિટીનાં કંઈ ઠેકાણાં ન હોય જેવી વાતો કહેનારા આ પૂડલા ખાઈને એ બધું ભૂલી જાય. બિલકુલ ઘર જેવી ક્વૉલિટીનો સ્વાદ એમાં મળે.

અહીંની ચટણીની કેટલીક ખાસિયતો એ ચટણીના મેકર મોહનભાઈ પોતે જ કહે છે. મોહનભાઈ અને તેમનો પરિવાર દહિસરમાં રહે છે. ૭૭ વર્ષના મોહનભાઈ રોજ સવારે સાડાચાર વાગ્યાની ચર્ચગેટ લોકલમાં બેસીને પોતાની શૉપમાં પહોંચી જાય. આવીને તેમનું પહેલું કામ ચટણીઓ બનાવવાનું. બરાબર સાફ કરેલાં કોથમીર-મરચાંની ચટણી, લગભગ ચારેક કિલો શ્રેષ્ઠ ક્વૉલિટીના આમચૂરને ઉકાળીને ગોળ-આમચૂરની મીઠી ચટણી અને લસણ તથા કાશ્મીરી મરચાંની ત્રીજી ચટણી. રોજની પાંચ કિલો તીખી ચટણી બને, દસેક કિલો મીઠી ચટણી બને અને દોઢથી બે કિલો લસણની ચટણી બને. લગભગ ત્રણ-ચાર કલાકમાં આ ચટણીઓ તૈયાર થાય એ પછી બીજી તૈયારીઓમાંથી પરવારે ત્યાં સુધીમાં દુકાન ખોલવાનો સમય થઈ જાય. મોહનલાલ કહે છે, ‘અમારી સ્પેશ્યલિટી અમારી ક્વૉલિટી અને ચટણીઓ છે. સારી ક્વૉલિટીના બેસન અને બટર સાથે જ અમારા ઉત્તપા બને છે એથી લોકો અહીં આવે છે.’

ચણાના લોટના પૂડલાના ખાસ શોખીન ન હોય એ લોકોને પણ આ પૂડલા ભાવે એવા છે. આ દુકાનમાં પૂડલા સાથે એક અથવા બે બ્રેડની સ્લાઇસ પણ સર્વ કરવામાં આવે છે, જેથી ખાનારી વ્યક્તિને પેટ ભરાયાનો અનુભવ થાય. બ્રેડ પૂડલા અને ટમૅટો પૂડલા વિથ ચીઝ પણ ખૂબ સ્વાદિષ્ટ લાગ્યા. ટમૅટો પૂડલા માગો તો સહેજ જાડા અને બ્રેડ પૂડલા બનવાની પ્રોસેસ વધુ ઇન્ટરેસ્ટિંગ હતી. બ્રેડ પકોડા બનતા તમે જોયા હશે, પણ અહીં જે રીતે આ લોકો બ્રેડ પૂડલા બનાવે છે એ જાણે ફ્રાઇડ પીત્ઝા કે ચોરસ આકારની કેક બની રહી હોય એવો અનુભવ આપશે.

આ પણ વાંચો: ચાલો ખાઈએ સિમ્પલ છતાં સ્વાદમાં નંબર વન સુરતી બટાટાવડાં

૧૯૬૮માં એક નાનકડા બાંકડા પર પૂડલા બનાવવાની શરૂઆત કરી ત્યારે ૪૦ પૈસામાં પૂડલા વેચાતા હતા. આજે એ ૪૦ રૂપિયામાં વેચાય છે. ચીઝ-ટમૅટો પૂડલા ૫૦ રૂપિયામાં. હવે બાંકડાનું સ્થાન બે દુકાનોને જોડીને બનાવેલી એક નાનકડી રેસ્ટોરાંએ લઈ લીધું છે. ચણાની દાળની વરાઇટી ઉપરાંત મગની દાળના પૂડલા પણ અહીં મળે છે એટલે જેમને ચણાની દાળની ઍલર્જી હોય અથવા એ ખાવાથી વાયુનો પ્રૉબ્લેમ થઈ જતો હોય તેઓે મગની દાળના પૂડલાનો લુત્ફ ઉઠાવી શકે છે. એમાંય જો વાંધો પડતો હોય તો રગડા-પૅટીસ, તવા પુલાવ, પાંઉભાજી કે મસાલા પાંઉનો ઑપ્શન તો છે જ. સાથે ઠંડું પાણી અને કોલ્ડ ડ્રિન્ક્સ પણ મળી રહેશે. મોહનભાઈ પૂડલાવાળાની બાપ-બેટાની જોડીએ એક મંત્ર નક્કી રાખ્યો છે કે આપણે ત્યાં આવનારો કસ્ટમર તૃપ્ત થઈને જ જવો જોઈએ. અહીં સર્વ થતા ફૂડની અને સ્વાદની ગુણવત્તાને આપણે ચાર સ્ટાર આપી શકીએ; પરંતુ ઍમ્બિયન્સ અને સ્વચ્છતામાં હજી પણ ઘણા ઇમ્પ્રૂવમેન્ટને અવકાશ છે. જોકે પૂડલા ન ભાવતા હોય એવા લોકો પણ એક વાર તો આ પૂડલા ખાઈને રાજી થઈ જાય એવા અમારો અનુભવ કહે છે.

indian food gujarati mid-day