ચાલો ખાઈએ સિમ્પલ છતાં સ્વાદમાં નંબર વન સુરતી બટાટાવડાં

Published: Sep 11, 2019, 08:38 IST | ઓલ્ડ ઍન્ડ એવરગ્રીન - દિવ્યાશા દોશી

ભુલેશ્વરથી સી.પી.ટૅન્ક જતાં વળાંક પર હીરાલાલ કાશીદાસ ભજિયાવાલાને ત્યાં તમને મળશે અસ્સલ સુરતી પદ્ધતિએ બનેલાં ગરમાગરમ ફરસાણ અને મીઠાઈઓ.

 એ અલગ વાત છે, પરંતુ તાજી વાનગી પીરસાય અને ખવાય એની મજા જ કંઈ ઓર હોય છે. આજે જે વાનગીઓની વાત કરવાની છે એનો ઇતિહાસ પણ છે. મુંબઈના ઇતિહાસ સાથે કેટલીક હોટેલનો પણ ઇતિહાસ સમજવો પડે, કારણ કે આ હોટેલની કોઈ બ્રાન્ચ નથી. આમ તો આ હોટેલનું નામ વાંચીને ફરસાણની દુકાન હોવાનું જણાઈ જ આવે, પરંતુ અહીં મળતી દરેક વાનગીની રસપ્રદ અને ચટાકેદાર વાત છે. ભુલેશ્વરથી સી. પી. ટૅન્ક જવાના રસ્તાના કૉર્નર પર જ હીરાલાલ કાશીદાસ ભજિયાવાલા મોટા અક્ષરે વાંચી શકાય છે. પ્યૉર સુરતી ફરસાણની રેસ્ટોરન્ટ. બે ગાળાની દુકાનને ૮૩ વરસ થયાં ૧૯૩૬ની સાલથી મુંબઈમાં શરૂ કરેલી આ દુકાનમાં ન સ્વાદમાં ફેર ન તો દુકાનમાં કોઈ ફેર. લાકડાની સફેદ સનમાઇકા લગાવેલી બેઠક અને ટેબલ. દીવાલ પર લાગેલા પંખા અને ફટાફટ પીરસાતી વાનગીઓ. થડા પર બેઠેલા બકુલેશભાઈ શાહ હીરાલાલના પૌત્ર થાય એટલે કે હીરાલાલ કાશીદાસની આ ત્રીજી પેઢી. સુરતનું જમણ અને કાશીનું મરણ એ કહેવત કેમ પ્રસિદ્ધ છે એ જાણવું હોય તો ખરું સુરતી ભોજન સુરતીઓની જેમ ખાવું પડે. 

વાનગીની વાત કરતાં પહેલાં પૂછી લીધું કે તમારી અટક શાહ કે ભજિયાવાલા? તો બકુલેશભાઈ કહે કે ‘ભજિયાવાલા અટક પડી અમારા કામ પરથી સુરતમાં, પણ જ્યારે ૧૯૪૭ની સાલમાં અમારા પિતાજી પ્રવીણભાઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરનું ભણવા વિદેશ જવાના હતા ત્યારે તેમને લાગ્યું કે ત્યાંની પ્રજા ભજિયાવાલા અટક યોગ્ય રીતે બોલી નહીં શકે એટલે તેમણે શાહ અટક અપનાવી. બાકી તો સુરતમાં અમારા દાદાનાં ભજિયાં એટલાં પ્રખ્યાત હતાં કે તેમને ભજિયાંવાલા તરીકે જ ઓળખતા હતા. બકુલેશભાઈ તેમના દાદા હીરાલાલની વાત કરતાં કહે કે કંદનાં ભજિયાં અમારા દાદા બનાવતાં એની કથા સાંભળવા જેવી છે. સુરતમાં આજથી સો વરસ પહેલાં જ્યારે નાત જમાડાય ત્યારે રસ્તા પર લોકો બેસીને ખાતા. ભોજનની શરૂઆત કંદનાં ભજિયાંથી થાય. એ કંદનાં ભજિયાં બનાવવા માટે મારા દાદાને બોલાવે. ભજિયાં પીરસાય પછી મારા દાદાને બે પંગત વચ્ચે ફરવું પડે અને લોકો કહે કે આ ભજિયાં આમણે બનાવ્યાં છે. એ ભજિયાં બનાવવા માટે મારા દાદાને એક ગિની અને શાલ એ સમયે ભેટમાં મળતી.’
હીરાલાલ કાશીદાસ મુંબઈ આવ્યા પછી શરૂઆતમાં બીજી ફરસાણની દુકાનો પર કામ કર્યું હતું. પછી પોતાની દુકાન શરૂ કરી જે આજે પણ એ જ સ્થળે ચાલી રહી છે. મોટે ભાગે ફરસાણની દુકાન સૌરાષ્ટ્રના લોકોની હોય પણ બકુલેશભાઈનું કહેવું છે કે મુંબઈમાં સુરતી ફરસાણની દુકાન શરૂ કરનાર તેમના દાદા પહેલાં જ છે. સુરતી ફરસાણ અને સૌરાષ્ટ્રના ફરસાણમાં ફરક હોય. અહીં ફાફડા ન મળે, પાપડી મળે. ફાફડામાં ખારો નાખવો પડે, પાપડીમાં ખારો ન નખાય. અહીંના કોઈ ફરસાણમાં ખારો નાખવામાં નથી આવતો. સ્વાદ માટે સુરતીઓ ખૂબ આગ્રહી હોવાને કારણે જ સુરતી વાનગીઓનો સ્વાદ અનોખો અને જુદો જ હોય છે.

થડા પર સરસિયા ખાજાંનાં પૅકેટ જોયાં. આ ખાજાં ખાસ સુરતથી આવે અને વરસમાં ત્રણ જ મહિના મળે. બકુલેશભાઈને અફસોસ છે કે લોકોને સુરતી ભોજનનો ઇતિહાસ ખબર નથી. હાલમાં મળતાં સરસિયા ખાજાં એ સરસિયા કહેવાય જ નહીં, કારણ કે એ સરસવના તેલમાં ન બનતાં હોય. જો એ સરસવના તેલમાં બને તો તાજાં જ ખાવાં પડે, કારણ કે નહીં તો એમાંથી વાસ આવવા લાગે. આ ખાજાં ચોમાસામાં જ સુરતીઓ ખાતા, કારણ કે શરદી ન થાય. ચોમાસામાં પલળ્યા પછી તાજા સરસવમાં તળેલાં, મરીથી ભરપૂર ખાજાં પર લીંબુ નિચોવીને ગરમાગરમ ખાવામાં આવે તો માંદા ન પડાય. સુરતીઓ સીઝન પ્રમાણે જમવાનું બનાવે અને ખાય. જેમ કે શિયાળામાં સાલમપાક, અડદિયા, દિવાળી અને ઉતરાણમાં ઘારી, સૂતરફેણી, ઘેબર.

અહીં હીરાલાલ કાશીદાસમાં સાંજના પાંચ વાગ્યા પછી સુરતની તાજી મીઠાઈઓ મળે. સૂતરફેણી, ઘારી વગેરે. શિયાળામાં રોજ સવારે સુરતથી તાજો પોંક આવે અને સાંજે મીઠાઈ આવે. સુરતી ઊંધિયું જે અહીંની વિશેષતા છે એનું શાક પણ રોજ સવારે ફ્લાઇંગ રાણીમાં તાજું આવે. બારેમાસ શનિ-રવિ ઊંધિયું મળે, પણ શિયાળામાં દરરોજ મળે. હીરાલાલ કાશીદાસના ઊંધિયાનો સ્વાદ એટલે અસલ સુરતી સ્વાદ. બકુલેશભાઈને અફસોસ છે કે લોકો તેલમાં તરતું ઊંધિયું નથી ખાતા એટલે તેલ નિતારીને તેઓ આપે છે. તેઓ તેલ નિતારીને રાખી મૂકે છે, કારણ કે અસલ સુરતી ખાનારા જો તેલ માગે તો તેઓ નિતારેલું તેલ એમાં નાખી આપે છે. ભજિયાવાળાને ત્યાં જઈએ અને ભજિયાં ન ખાઈએ એવું તો બને જ કેમ? અહીં મળતાં બટાટાવડાં આખા મુંબઈમાં અનોખાં છે. એક તો એની સાઇઝ ખૂબ જ નાની પૅટિસ જેવડી અને બીજું એનો સ્વાદ. બટાટાવડાનું એક બટકું મોંમાં મૂકતાં જ એનો સ્વાદ તમારે મમળાવવો પડે. હિંગ, જીરું, લીલું મરચું અને દેશી કોથમીરનો સ્વાદ તમને એક પછી એક ઊઘડતો જાય. મુંબૈયા વડાથી દેખાવ અને સ્વાદમાં જુદાં આ સુરતી બટાટાવડાં છે. એક વડાથી અટકી જવાય નહીં. એક વૉર્નિંગ આપવી પડે કે આ બટાટાવડાં ખાતી વખતે વાત ન કરી શકાય. સાથે બેસન અને પપૈયાની સુરતી અનોખી ચટણી. બીજું કે છાંટનાં ભજિયાં ચાખવાં જ પડે. આમ તો મેથીનાં ભજિયાં પણ પ્યૉર સુરતી ઢબે બનાવેલાં. અહીં લોટમાં મેથી ન નખાય, પણ મેથીને બાંધવા લોટ છાંટવામાં આવતો હશે એવું ચોક્કસ લાગે. મગની દાળનાં ભજિયાં, દાળવડાં વગેરે અનેક ભજિયાં મળી રહેશે; પણ છાંટનાં ભજિયાં અને બટાટાવડાં અહીંનાં ખાસ ખાવાં જ પડે. બટાટાવડાંમાં નખાતી હિંગ વરસોથી સ્પેશ્યલ જ વપરાય અને એક જ સ્થળેથી મગાવાય છે. બટાટાવડાંમાં એ હિંગનો સ્વાદ ડૉમિનન્ટ છે. હિંગને કારણે બટાટા વાયુ ન કરે.

આ પણ વાંચો:ફરાળી વાનગીઓનું ઉદ્ગમ સ્થાન એટલે પણશીકર

બકુલેશભાઈ આઇઆઇટી પવઈમાંથી સ્નાતક થયા છે, પણ અચાનક પિતાજીના અવસાનને કારણે દુકાનની જવાબદારી સ્વીકારવી પડી. તેમને પહેલાં તો કશું જ સમજાતું નહોતું, પણ જૂના સ્ટાફે તેમને બધું શીખવાડી દીધું. આજે બકુલેશભાઈ અને તેમના નાના ભાઈ ગૌરાંગ તેમના દાદાનો વારસો બરાબર જાળવે છે. અહીં બનતી દરેક વાનગી તાજી તેમ જ સ્વાદમાં સુરતને સાચવીને બેઠેલી હોય. સુરતીઓ સ્વાદમાં સાયન્સ જાળવતા હોય છે એ અહીંની દરેક વાનગી ખાઓ તો સમજાય છે. ખાટાં ઢોકળાંમાં તેઓ દહીં નથી નાખતા. અધકચરા મરી નાખેલાં આ ઢોકળાં સંધિવાતવાળા લોકો પણ ખાઈ શકે. એમાં ચીકાશ નથી. ખમણ વાટીદાળનાં જ બને. અહીં જઈને ખાઈ ન જોઈએ ત્યાં સુધી સુરતી ફરસાણ કે ભજિયાંનો સ્વાદ સમજાય નહીં. સાદો, સિમ્પલ દેખાવ છતાં સ્વાદમાં એક નંબર એવા આ ભજિયાવાળાને સલામ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK