દરેક ઇન્ડસ્ટ્રિયલ એરિયાની પાસે પોતાની એક ફૂડ આઇટમ હોય

30 September, 2021 08:12 AM IST  |  Mumbai | Sanjay Goradia

જેતપુરની ડાઇંગ ઇન્ડસ્ટ્રી પાસે ઘૂઘરા છે. ત્રીસ રૂપિયાના ત્રણ નંગ ઘૂઘરા અને એકેક ઘૂઘરો હથેળી આખી ભરી દે એવડી સાઇઝનો. એક પ્લેટ ખાઓ એટલે તમારા બેથી ત્રણ કલાક સહેજે ટૂંકા થઈ જાય

દરેક ઇન્ડસ્ટ્રિયલ એરિયાની પાસે પોતાની એક ફૂડ આઇટમ હોય

ગુજરાતમાં હવે નાટકોની શરૂઆત થઈ ગઈ છે. આપણે ત્યાં ઑક્ટોબરમાં થિયેટર ખૂલવાનાં છે પણ ગુજરાતમાં કોવિડ કન્ટ્રોલમાં આવી જતાં ઑડિટોરિયમમાં સાઠ ટકાની કૅપેસિટી સાથે થિયેટરને પરમિશન આપી દેવામાં આવી છે એટલે મારો માંહ્યલો તો ઠેકડા મારવા માંડ્યો હતો કે ક્યારે ટૂર શરૂ થાય અને ક્યારે ગુજરાતની ફૂડ-ડ્રાઇવ ચાલુ કરીએ. ફાઇનલી દિવસ આવી ગયો અને અમારા નાટક ‘દે તાળી, કોના બાપની દિવાળી’ની ટૂર શરૂ થઈ. નાટકના શો માટે અમારે જેતપુર જવાનું થયું.
જેતપુરનું નામ ગુજરાતીઓએ ન સાંભળ્યું હોય એવું બને નહીં અને બહેનોએ તો ખાસ આ નામ સાંભળ્યું હોય. રાજકોટથી ૬પ કિલોમીટર દૂર આવેલું આ ગામ કૉટન સાડીના ​િપ્ર‌​િન્ટ‌ંગમાં દેશભરમાં પૉપ્યુલર છે અને એમાં પણ બાંધણી પૅટર્નની જેતપુરની કૉટન સાડી તો એક્સપોર્ટ પણ બહુ મોટા પાયે થાય છે. એક્સપોર્ટનું હબ હોય અને દેશભરને કૉટન સાડી સપ્લાય કરવામાં બેતાલીસ ટકા ફાળો ધરાવતું હોય એવા જેતપુરમાં કંઈક તો એવી વરાઇટી મળે જ મળે જેનો આસ્વાદ તમારા સુધી લઈ આવી શકાય. આવી ધારણા સાથે હું રાજકોટથી જેતપુર પહોંચ્યો મારા શો માટે અને મારી આ ધારણા સાચી પડી. મિત્રો, એક વાત યાદ રાખજો, ઇન્ડસ્ટ્ર‌િયલ એરિયામાં એવી એકાદ ફૂડ આઇટમ તો મળે જ જે નાના વર્ગને પોસાય અને એ પેટ ભરી શકે. જેતપુરની ડાઇંગ ઇન્ડસ્ટ્રીના કારીગરોને પોસાય એવા ઘૂઘરા મળે છે અહીં અને મળે છે એટલે બસ-સ્ટૅન્ડ રોડ પર તો દર પાંચમી દુકાન ઘૂઘરાની.
દિવાળીમાં ઘૂઘરા દરેક ગુજરાતી ઘરમાં બને એવા જ ઘૂઘરા પણ ત્રણ મેજર ફરક આ ઘૂઘરા અને દિવાળીના ઘૂઘરામાં. આ તેલમાં બને, પેલા ઘીમાં તળવામાં આવે. એ ઘૂઘરામાં માવાનું પૂરણ હોય અને એ ગળ્યા હોય, જ્યારે આ ઘૂઘરામાં બટાટા અને વટાણાનું પૂરણ હોય અને એ સ્વાદમાં નમકીન છે. ત્રીજો ફરક સાઇઝનો. દિવાળીના ઘૂઘરા નાના હોય પણ જેતપુરમાં મળતા ઘૂઘરા તમારી આખી હથેળી ભરી દે એવડા. ત્રીસ રૂપિયાની પ્લેટ અને એક પ્લેટમાં ત્રણ નંગ. ઘૂઘરાની એક પ્લેટ ખાઈ લો એટલે આરામથી તમારા બે-ત્રણ કલાક ટૂંકા થઈ જાય. 
કહ્યું એમ, બસ-સ્ટૅન્ડ રોડ પર તો અનેક ઘૂઘરાવાળા છે પણ એ બધામાં દિલીપના ઘૂઘરા બહુ ફેમસ. વર્ષોથી એ બનાવે છે. ઘૂઘરાને વચ્ચે તોડીને એમાં મીઠી ચટણી નાખે, એની ઉપર રાજકોટની પેલી પૉપ્યુલર કોઠાની ચટણીનું ઇમ્પ્રોવાઇઝ્ડ વર્ઝન અને એની ઉપર લસણની ચટણી નાખીને આપે. મેં એક ઘૂઘરો એમ જ ટેસ્ટ કર્યો. સ્વાદમાં બહુ સરસ, ક્ર‌િસ્પી, આછા સરખા ગળપણ અને પૂરણમાં લાલ કે લીલા કોઈ જાતના મરચાનો ઉપયોગ નહીં અને એ પછી પણ સરળતાથી ગળે ઊતરી જાય એવો. 
ચટણીની વાત કહું તમને. રાજકોટની પેલી કોઠાની ચટણી જેવી જે ચટણી હતી એ અને લસણની ચટણી બન્ને બહુ સરસ પણ એની જે મીઠી લાલ ચટણી હતી એ રીતસર કેસરી રંગની. ગુજરાતમાં ખજૂર-આમલીની મીઠી ચટણીનો બહુ ઓછો ઉપયોગ થતો હોય એવું મેં વારંવાર નોંધ્યું છે. બને કે સસ્તું આપવાની લાયમાં એ વાપરવાનું ટાળવામાં આવતું હશે. ઘૂઘરામાં જે મીઠી ચટણી હતી એમાં આરા લોટ નાખવામાં આવ્યો હતો. એક તો એનો સ્વાદ ખાસ મજા આવે એવો નહોતો અને એમાં એનો રંગ. રીતસર ખબર પડે કે એમાં આર્ટિફિશ્યલ કલર ઍડ કરવામાં આવ્યો છે. બધા ઘૂઘરાવાળાને ત્યાં એક જ રંગની ચટણી જોઈને એકને તો મેં પૂછી પણ લીધું કે એમાં કલર ઍડ થાય છે કે નહીં તો તેણે પણ સહજ રીતે કહી દીધું કે હા, એકાદ ટીપું નાખીએ.
ટાળજો એ ચટણી ખાવાનું પણ ઘૂઘરા ખાવાની મજામાં લગીરે ફરક નહીં પડે. ઘૂઘરામાં સાચી મજા તો એના પૂરણની જ છે. લસણની ચટણી તો એવી તીખી છે કે નાક-કાનમાંથી ધુમાડા નીકળી જાય પણ એની જ મજા છે સાહેબ. શરીરનો એકેક તાર ઝણઝણી ઊઠવો જોઈએ. 
એક વાર જેતપુર જાઓ તો બસ-સ્ટૅન્ડની બહાર ઘૂઘરાની જયાફત માણવાનું ભૂલતા નહીં.

columnists Sanjay Goradia Gujarati food mumbai food indian food