દેસી ચાઇનીઝ

01 April, 2021 01:35 PM IST  |  Mumbai | Sejal Patel

૨૩ પ્લસ વાનગી ધરાવતી મહાકાય થાળી અમે ચાર જણે મળીને ટ્રાય કરી, ધરાઈ ગયા પછી પણ એ પૂરી તો ન થઈ શકી, પણ ખાવામાં કેવી લાગી એ વાંચો 

દેસી ચાઇનીઝ

ધ થાણે ક્લબમાં આવેલી ધ મિની પંજાબ ગ્રુપની મસાલેદાર રેસ્ટોરાંમાં થોડા દિવસ પહેલાં જ ઇન્ટ્રોડ્યુસ થઈ છે ઇન્ડિયાની બિગેસ્ટ ચાઇનીઝ થાળી. ૨૩ પ્લસ વાનગી ધરાવતી મહાકાય થાળી અમે ચાર જણે મળીને ટ્રાય કરી, ધરાઈ ગયા પછી પણ એ પૂરી તો ન થઈ શકી, પણ ખાવામાં કેવી લાગી એ વાંચો 

સેજલ પટેલ
sejal@mid-day.com 
થાળીનો કન્સેપ્ટ હંમેશાં ગુજરાતી કે પંજાબી ફૂડમાં જ વધુ ફેમસ રહ્યો છે, પણ ચાઇનીઝમાં થાળીનો કન્સેપ્ટ એટલો પ્રચલિત નથી. આપણી થાળી દાળ-ભાત, શાક, રોટલી, કચુંબર, અથાણું એમ વૈવિધ્યસભર ચીજોથી બૅલૅન્સ થયેલી હોય છે પણ ચાઇનીઝ થાળીમાં શું હોય? એ માણવા અમે થાણેની ધ થાણે ક્લબમાં આવેલી મસાલેદાર રેસ્ટોરાંમાં પહોંચ્યાં. આ રેસ્ટોરાંમાં હજી બે વીક પહેલાં જ ભારતની સૌથી મોટી ચાઇનીઝ થાળી લૉન્ચ થઈ છે. આ એ જ ચેઇન રેસ્ટોરાં છે જેની ત્રણ વર્ષ પહેલાં આવેલી દારા સિંહ થાળી બહુ ફેમસ થઈ હતી અને હજીયે છે. હવે અહીં ચાઇનીઝ થાળી આવી છે, પણ એ મિની પંજાબની માત્ર થાણેની રેસ્ટોરાંમાં જ મળશે. 
સ્વાભાવિક રીતે જ જ્યારે કોઈ બિગેસ્ટ થાળી લૉન્ચ થાય ત્યારે એને પૂરી કરવાની ચૅલેન્જ દ્વારા એનું માર્કેટિંગ કરવામાં આવે. જોકે આ થાળીમાં એવું નથી. એક તો અહીં પ્રી-ઑર્ડરથી જ થાળી બુક કરવામાં આવે છે અને એ પણ જો તમે ચારથી પાંચ જણ સાથે જમવા જવાના હો તો જ. હા, કોઈક પ્રોફેશનલ ઈટરને ટ્રાય કરવો હોય તો છૂટ છે. એક જ બેઠકે ૩૦ મિનિટમાં પૂરી કરી જશો તો થાળીના પૈસા ચૂકવવાના નહીં. 
ચાલો, તો શરૂ કરીએ આ ચાઇનીઝ થાળીનું ટેસ્ટિંગ. યસ ટેસ્ટિંગ જ કહેવાય, કેમ કે બધી જ આઇટમોમાંથી બે ચમચી ખાઓ એટલે તમારું પેટ ભરાઈ જ જવાનું. બે જણે ઊંચકીને લાવવી પડે એવડી મોટી આ થાળીમાં કેટલીક ફેમસ તો કેટલીક નવી ફ્લેવરની ડિશિસનો સમાવશ કરીને થાળીને એક કમ્પ્લીટ સ્વરૂપ આપવાનો પ્રયત્ન થયો છે. બે સૂપ, છ ઍપિટાઇઝર્સ, ચાર મેઇન કોર્સ ડિશ, ચાર ગ્રેવી અને સાથે બે સાઇડ ડિશિસ. સાથે ચારેક પ્રકારના સૉસિસ પણ ખરા જે તમારા મેઇન કોર્સને ગમતી ફ્લેવર આપી શકે. 
આટલુંબધું ભરેલી થાળી તમારી સામે મુકાય એટલે પહેલાં તો જોઈને થાય કે આટલુંબધું કઈ રીતે ખવાશે? પણ જો તમે ચાઇનીઝ ફૂડ લવર્સ હશો તો ફૂડમાંના બર્ન્ટ ગાર્લિકની સ્મેલ તમારી ભૂખ સતેજ કરી નાખશે. એમ છતાં વધુ ભૂખ ઉઘાડવા માટે સૂપથી શરૂઆત કરી શકાય. એક મન્ચાઉ સૂપ છે અને બીજો સ્વીટ કૉર્ન સૂપ. બન્ને સૂપની ખાસિયત એ છે કે એમાં પ્રમાણસર સ્ટાર્ચ વપરાયો છે, જેને કારણે એ જાડા રબડી જેવા પણ નથી અને પાતળા પાણી જેવા પણ નથી. મન્ચાઉ સૂપમાં તમને લીલા કાંદાનો સ્વાદ અલગ તરી આવતો જણાશે અને સ્વીટ કૉર્ન સૂપમાં શુગરની નહીં પણ કૉર્ન અને ગાજરની સ્વીટનેસ ડિશને હળવી સ્વીટનેસ આપે છે. રૂટીન બાઉલ કરતાં સૂપની ક્વૉન્ટિટી ઓછી છે, પણ પાંચથી છ જણ શૅર કરી શકે એટલી ઇનફ છે. 
ચાઇનીઝ ફૂડમાં ખરી મજા ઍપિટાઇઝર્સની જ છે. મન્ચિંગનો અનુભવ અહીં મસ્ત મળશે. સ્મોક્ડ ચિલી પનીર, વેજ સ્પ્રિંગ રોલ અને વેજ મોમોઝ જેવાં રૂટીન ઍપિટાઇઝર્સની સાથે અહીં બે ચીજો હટકે છે. એક છે વેજ લૉલીપૉપ. બાફેલાં મિક્સ વેજિટેબલ્સને ડીપ ફ્રાય કરીને તૈયાર કરેલી લૉલીપૉપમાં સ્ટિક વપરાઈ છે શુગરકેનની. યસ, વેજિટેબલ પલ્પની ફરતે બ્રેડ ક્રમ્સ રગદોળીને તૈયાર કરેલી લૉલીની વચ્ચે શેરડીની સ્ટિક ભરાવવામાં આવી છે. ડીપ ફ્રાય કરી હોવા છતાં તમારા હાથ કે મોંમાં ઑઇલ ફીલ નહીં થાય. લૉલીપૉપ ખાધા પછી શેરડીની સ્ટિક ચૂસીને તીખા ચાઇનીઝ ફૂડની વચ્ચે સ્વીટનેસની મજા માણી શકાશે. બીજી ડિશ છે ક્રન્ચી ફ્રાઇડ સ્પિનૅચ. ચાઇનીઝમાં બહુ પાલક વપરાતી હોય એવું આપણે સાંભળ્યું નથી છતાં આ વાનગી ચાઇનીઝ થાળીનો હિસ્સો છે. આટલીબધી વાનગીઓની વચ્ચે તળેલી પાલકના ઢગલાને હાથ લગાવવાનું કદાચ મન ન થાય એવું બને, પણ જો જરા ટેસ્ટ કરશો તો સ્પિનૅચનો ક્રન્ચ બહુ મજાનો છે. પાલકને ઝીણી સમારીને મીઠામાં રગદોળીને પાણી કાઢી નાખ્યું છે અને પછી ડીપ ફ્રાય કરી લીધી છે. અમારો અનુભવ કહે છે કે સૉલ્ટી અને એકદમ કરકરી પાલકની એક ચમચી જો તમે દરેક નવી વાનગી ટ્રાય કરતાં પહેલાં ખાશો તો દરેકનો સ્વાદ સરસ માણી શકાશે. સ્ટાર્ટર્સમાં હની ચિલી પટેટોનું ટેક્સ્ચર પણ સારું છે. ચાઇનીઝ લવર્સને ચાઇનીઝ ભેળ ન ભાવે એવું બને જ નહીં. અહીંની ચાઇનીઝ ભેળ ખાટીમીઠી અને સ્પાઇસી છે, જે મોંનો સ્વાદ ઉઘાડી દે છે. ગ્રેવીની વાત કરીએ તો વેજ મંચુરિયન રૂટીન આઇટમ છે, પણ સાથે એક્ઝૉટિક વેજિટેબલ સૉસ કાળાં મરીની તીખાશવાળો છે. બ્રૉકલી, બેલ પેપર અને ઝુકિની જેવાં વેજિટેબલ્સનો બ્લૅક પેપર સૉસ તમારા સાદા ફ્રાઇડ રાઇસને જુદી ફ્લેવર આપે છે. અહીંની બીજી એક વાનગી છે જે ફ્લૅટ નૂડલ્સ સાથે બને છે. ફ્રાઇડ નૂડલ્સમાં નાખવામાં આવેલા સ્પાઇસિસ એને ડિફરન્ટ બનાવે છે. પહેલા જ બાઇટમાં જાણે નૂડલ્સમાં એલચી હોય એવું લાગશે, પણ  એ સ્ટાર એનિસ એટલે કે બાદિયાનની સ્વીટનેસ અને સોડમ છે.  
ઓવરઑલ ચાઇનીઝ ફૂડનો ટેસ્ટ જોઈએ તો એ તીખા ઓડકાર અપાવે એવો સ્ટ્રૉન્ગ નથી. તમામ ફ્લેવર માઇલ્ડ, ઇન્ડિયન સ્ટાઇલના દેસી ચાઇનીઝની છે, ઑથેન્ટિક ચાઇનીઝની નહીં. 

 કાજુની ગ્રેવીમાં બનેલો કમ્બોડિયન સૉસ બાકીની તમામ ચાઇનીઝ વાનગીઓ કરતાં સાવ જ જુદો સ્વાદ ધરાવે છે. કાજુ પેસ્ટની સિલ્કીનેસ અને બારીક કાજુ અને લસણના ટુકડાનું કૉમ્બિનેશન હટકે છે.

વન ડે ઍડ્વાન્સ
ચાઇનીઝ થાળી ખાવી હોય તો એ માત્ર એક દિવસ ઍડ્વાન્સમાં ઑર્ડર બુક કરાવીને જ મળે છે. વેજ થાળીના ૧૪૯૯ રૂપિયા છે અને હા, આખીય થાળીનો જૈન ઑપ્શન પણ ઉપલબ્ધ છે.

ડીઝર્ટ 
ફ્લેવરફુલ થાળી ખાધા પછી ડીઝર્ટમાં છે સિઝલિંગ બ્રાઉની વિથ આઇસક્રીમ. આખી થાળી પૂરી કરવી હોય તો મિનિમમ પાંચથી છ જણે સાથે જવું પડે, પણ એક ડીઝર્ટ છ જણને પૂરું નહીં થાય.

Gujarati food indian food columnists sejal patel