11 July, 2026 03:41 PM IST | Mumbai | Darshini Vashi
બોરીવલીમાં આવેલું આ કૅફે હનુમાનજીને સમર્પિત છે
કોઈ પણ કૅફે કે રેસ્ટોરાંમાં જાઓ તો ખૂણામાં નાની ભગવાનની મૂર્તિ હોય એ સ્વાભાવિક છે, પરંતુ બોરીવલીના ગોરાઈમાં એક એવું કૅફે છે જેનું ઇન્ટીરિયર હનુમાનજીને સમર્પિત છે. રોજ અહીં હનુમાનજીના ધૂપ અને ધૂનથી અનેરું વાતાવરણ રચાય છે.
બન મસ્કા વિથ ચા રૂ. 65
આ કૅફે વિશે વાત કરતાં મિતાલી સાવંત કહે છે, ‘મારી મમ્મીનું એક સપનું હતું કે તેમનું એક કૅફે હોય. તેમને આમ પણ અલગ-અલગ વરાઇટી બનાવવાનું બહુ ગમે અને એમાં પાવરધા પણ એટલાં જ. એટલે અમે પહેલાં જૂસનો એક સ્ટૉલ શરૂ કર્યો હતો. અહીં અમે અનેક જાતના વૉટર-બેઝ્ડ અને મિલ્ક-બેઝ્ડ જૂસ વેચતાં હતાં. એક દિવસે અમે હિંમત કરી. મેં, મારા ભાઈ વેદાંગ અને મમ્મી શુભાંગીએ મળીને એપ્રિલમાં આ કૅફે શરૂ કર્યું. અમે પહેલેથી હનુમાનના ભક્ત હતાં. આજે અહીં સુધી પહોંચી શક્યા છીએ એના માટે અમે તેમના એટલા જ આભારી છીએ એટલે તેમની વંદના કરવા અમે અમારા કૅફેને હનુમાનજીને સમર્પિત કર્યું છે. એટલે અહીં હનુમાનજીનું વિશાળ ચિત્ર પણ મૂક્યું છે. અલગ-અલગ જગ્યાએ ભગવાનની, સુવચનોની, રામનામ લખેલી અને અમારા ગુરુની છબિ પણ મૂકેલી છે. ઘણી વખત શનિવારે અમે ભજન મંડળીને બોલાવીને ભજન પણ કરીએ છીએ. આ કૅફેને સંપૂર્ણ આધ્યાત્મિક લુક આપવાની સાથે આવનારાને એનો અનુભવ પણ મળે એ માટે અહીં રોજ રાત્રે ૯.૩૦ વાગ્યા પછી ધીમા સૂરમાં હનુમાનનાં ભજનો, જાપ અને મંત્રોચ્ચાર મૂકીએ છીએ. સાથે-સાથે ધૂપ, દીવા અને અગરબત્તી તો ચાલતાં જ હોય છે. અમે ત્રણે જણ અહીં ફુલફ્લેજ્ડ કામ કરીએ છીએ. અમારી ટીમમાં બીજા પણ છે જેઓ કૅફેનું કિચન અને અન્ય કામકાજ સંભાળે છે.’
લોટસ બિસ્કોફ કૉફી રૂ. 180
અહીંના ફૂડની વરાઇટીની વાત કરીએ તો અહીંની વેજ ક્રિસ્પી ગ્રિલ્ડ સૅન્ડવિચ અને પીત્ઝા ઘણા ફેમસ છે. આ સિવાય અહીંની બન મસ્કા-પાંઉ વિથ મસાલા ટી અત્યારે ખૂબ ટ્રેન્ડમાં છે. કૉફીમાં અહીં ઘણી વરાઇટી છે. જેમ કે લોટસ બિસ્કોફ કૉફી, આઇસ કૉફી, કોલ્ડ કૉફી વગેરે. અહીં પહેલાં તેઓ જૂસનો જ સ્ટૉલ ધરાવતાં હતાં એટલે આ કૅફેમાં જૂસ પણ અનેક જાતના મળે છે.
ગ્રિલ્ડ સૅન્ડવિચ રૂ. 70
ક્યાં આવેલું છે? : ફ્રૂટકટ્ટા, રજનીગંધા અપાર્ટમેન્ટ, નાલંદા કૉલેજની બાજુમાં, ગોરાઈ 2, બોરીવલી-વેસ્ટ.