બ્લૅક પાઉંભાજી, અમદાવાદની ટૂર અને ટ્રેનમાં ફૂડ ડ્રાઇવ

12 August, 2021 01:17 PM IST  |  Mumbai | Sanjay Goradia

હા, આ વખતે ફૂડ ડ્રાઇવનું પાર્સલ બોરીવલીથી સાથે લીધું અને અમદાવાદની ટ્રેનમાં બેઠાં-બેઠાં ફૂડનો રિવ્યુ કરીને ખરા અર્થમાં ફૂડ ડ્રાઇવનો આનંદ માણ્યો

ટ્રેનમાં બ્લૅક પાંઉભાજી, મસાલા પાંઉનો લુત્ફ ઉઠાવવાની મજા જ કંઈક ઑર છે.

આ વખતની ફૂડ ડ્રાઇવ સાચે જ ડ્રાઇવ સાથેની રહી. બન્યું એવું કે અમદાવાદમાં મારા નાટક ‘બૈરાઓનો બાહુબલી’ના બે શો હતા. રવિવારે શો એટલે અમદાવાદ જવા માટે શનિવારે રાતે દસ વાગ્યાની મેં ટ્રેન પકડી. આ દસ વાગ્યાનો ટાઇમ બહુ ઑકવર્ડ છે. બોરીવલીમાં રહેતા હો તો ઠીક છે, પણ જો મારી જેમ તમારે લોખંડવાલા કે પાર્લાથી આવવાનું હોય તો તમારે સાડાઆઠ વાગ્યે તો નીકળી જવું પડે અને જો તમે સાડાઆઠે નીકળો તો ન તો ઘરે વ્યવસ્થિત જમી શકો કે ન તો તમને ટ્રેનમાં કંઈ બરાબર જમવા મળે. જોકે તકલીફને પણ તક બનાવે એનું નામ ગુજરાતી.
આપણે ઉપાડી લીધો આ સફરનો લાભ અને નક્કી કર્યું કે ફૂડ પાર્સલ સાથે લઈ લેવું. બોરીવલીની આઇટમ યાદ કરતો હતો એમાં યાદ આવી ગઈ મારુતિ પાઉંભાજી. આ મારુતિ પાઉંભાજીની શરૂઆત પાર્લા-વેસ્ટના બજાજ રોડ પર એક નાનકડી લારીથી થઈ હતી. જોકે પાઉંભાજી એવી તે પૉપ્યુલર થઈ કે વાત ન પૂછો. પાર્લામાં તમે કોઈને પણ પૂછો તો તેણે એ પાઉંભાજી ખાધી જ હોય. મારુતિ પાઉંભાજીની ખાસિયત એ કે એ કાળા મસાલાની પાઉંભાજી બનાવે છે. એની સાથે લસણની જે ચટણી આપે છે એ પણ બહુ સરસ છે. 
બજાજ રોડ પરથી નીકળ્યા પછી અને સમય જતાં બધા ભાઈઓ છૂટા પડતા બે ભાઈઓએ પાર્લામાં દુકાન ચાલુ કરી તો એક ભાઈએ બોરીવલીમાં દુકાન કરી. બોરીવલીની મારુતિમાં જઈને મેં કોવિડની ગાઇડલાઇન મુજબ પાર્સલ તૈયાર કરાવ્યું. આમ તો પાઉંભાજીમાં જ મારી પેટપૂજા થઈ જાય, પણ આ સ્વાદયાત્રા તમારા માટે હતી એટલે મેં પાર્સલ થોડું મોટું જ કરાવી નાખ્યું અને બ્લૅક પાઉંભાજીની સાથે બાબુ પાઉં અને મસાલા પાઉં પણ લીધા. આ ઉપરાંત મારુતિની મસાલા પાઉં સૅન્ડવિચ પણ પૉપ્યુલર છે. 
વાતની શરૂઆત કરીએ આપણે મસાલા પાઉંથી. તવામાં બટર નાખી એના પર લસણની ચટણી, ચિલી પાઉડર, કોથમીર, કાંદા અને બીજી આઇટમ નાખી એની જાડી ગ્રેવી બનાવવામાં આવે અને પછી પાઉંનાં બે ફાડિયાં કરી એને ગ્રેવીમાં ઝબોળીને તમને આપે. ઝબોળેલા આ પાઉંની ઉપર કોથમીરનું ગાર્નિશિંગ થયું હોય. એમાં તમારા ભાગે ચાવવામાં માત્ર પાઉં હોય, પણ એની તીખાશ ખતરનાક છે. લસણની ચટણીની ખૂશ્બુ પણ આવે અને તીખાશ પણ તમને સતત ઝંકૃત રાખે. કહો કે તમારી સ્વાદેન્દ્રિય ખોલી નાખે. 
હવે વાત બાબુ પાઉંની. આ બાબુ પાઉં માટે મારું માનવું છે કે એ વડીલો કે બાળકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા હશે. બટર તવા પર નાખી એમાં કોથમીર છાંટી એની ગ્રેવી બનાવી પાઉંનાં બે ફાડિયાંને એમાં ઝબોળી કોથમીરનું ગાર્ન‌િશિંગ કરીને આપે. સાહેબ એટલા સૉફ્ટ પાઉં કે એને દાંત જ નહીં, પેઢાંથી પણ ચાવી શકાય. સૉફ્ટ પાઉં પાછો બટરમાં અને જલસો કરાવી દે એવો મસાલો. આ બાબુ પાઉં તીખો નથી એટલે કહ્યું એમ એ વડીલો અને બાળકો આરામથી ખાઈ શકે.
ત્રીજી આઇટમ મસાલા પાઉં સૅન્ડવિચ. એમાં પાઉં વચ્ચે બાફેલા બટાટા અને ટમેટાં હોય અને એમાં સાથે મસાલા પાઉંનો મસાલો હોય. દાંતને બટાટા અને ટમેટાંનો સાથ મળે અને જીભને મસાલા પાઉંની તીખાશનો સંગાથ મળે.
મિત્રો, બ્લૅક પાઉંભાજીનો પેલો બ્લૉક મસાલો શેમાંથી બને છે એ જાણવા મળ્યું નથી, કારણ કે એ તે લોકોની સીક્રેટ રેસિપીમાં આવે છે. જોકે મારું અનુમાન છે કે એમાં ઘાટી મસાલાનો ઉપયોગ થતો હશે. કોલ્હાપુર ઘાટ પછીનો જે એરિયા છે એને ઘાટી એરિયા કહેવામાં આવે છે. એ ઘાટી એરિયામાં ઘાટી મસાલો જે મળે છે એ કાળી મરીના બેઝનો હોય છે તો સાથોસાથ એમાં બીજા પણ તેજાના વાટીને ભેળવવામાં આવે છે. એ ઘાટી મસાલા સાથે તમે ઘરે પાઉંભાજી બનાવવાની કોશિશ કરો તો બને કે મારુતિ જેવી પાઉંભાજી બને. હા, એક ખાસ વાત કહેવાની તો રહી ગઈ. આટલી આઇટમ લીધા પછી તેમણે મને એક ખડાભાજી કૉમ્પ્લિમેન્ટરી આપી હતી. એમાં મોટા ટુકડામાં સમારેલાં શિમલા મિરચી અને બટાટા હતાં અને બન્નેમાંથી બાફની સુગંધ અદ્ભુત આવતી હતી. 

ક્યાં છે?
બોરીવલીમાં કોરા કેન્દ્રના બ્રિજની સામે મૅક્ડોનલ્ડ્સની બાજુમાં જ મારુતિ પાઉંભાજી છે. હું તો કહીશ કે મ.કા.બો. આઇલૅન્ડ ક્રૉસ કરીને છેક પાર્લા સુધી લાંબા થવાની જરૂર નથી. અદ્ભુત સ્વાદ છે અને બધી વરાઇટી અદ્ભુત છે. આજે જ દોડો.

Sanjay Goradia columnists Gujarati food mumbai food indian food