‘ગોટી સોડા’, લસણિયા અને ભરેલાં મરચાં

14 October, 2021 08:47 PM IST  |  Mumbai | Sanjay Goradia

અમદાવાદમાં મયૂરનાં ભજિયાંનો નાસ્તો કર્યા પછી એટલું તો નક્કી જ છે કે હવે જ્યારે પણ અમદાવાદ જઉં ત્યારે એ ભજિયાંનું ભોજન પાક્કું

‘ગોટી સોડા’, લસણિયા અને ભરેલાં મરચાં

મારા હોમ પ્રોડક્શનમાં બનતી વેબસિરીઝ ‘ગોટી સોડા’નું શૂટિંગ અમદાવાદમાં પૂરું કર્યું; પણ મિત્રો, અમદાવાદમાં કામ વચ્ચે જલસા જ જલસા કર્યા. અમે નિયમ રાખ્યો હતો કે દરરોજ સાંજે અમદાવાદની કોઈ જાણીતી જગ્યાની ફેમસ આઇટમ ખાવાની અને એમ રોજ નવી-નવી વરાઇટી ટ્રાય કરવાની. એક દિવસ અમારા આર્ટ ડિરેક્ટર અને ગુજરાતી રંગભૂમિ-ફિલ્મોના જાણીતા ઍક્ટર પી. ખરસાણીના દીકરા ચીકા ખરસાણીએ અમારા માટે મયૂરનાં ભજિયાંની અરેન્જમેન્ટ કરી. મયૂરનાં ભજિયાં પર આવતાં પહેલાં આપણે વાત કરી લઈએ ચીકા ખરસાણીની. ચીકાભાઈએ અઢળક ગુજરાતી ફિલ્મોનું આર્ટ ડિરેક્શન કર્યું છે. પોતે બહુ સારા ઍક્ટર પણ ખરા અને મારા જેવા ખાવાના શોખીન એ લટકામાં. અમદાવાદમાં શું ખાવું એ નક્કી કરવાની જવાબદારી મેં ચીકાભાઈને સોંપી દીધી હતી અને ચીકાભાઈ પણ ખવડાવવાની બાબતમાં એવા જ ઉત્સાહી. પોતે જાય અને સરપ્રાઇઝ આપતા હોય એ રીતે બેસ્ટ આઇટમ સાથે લઈ આવે.
હવે વાત કરીએ મયૂરનાં ભજિયાંની. એક દિવસ તે તો પહોંચ્યા મયૂરનાં ભજિયાં લેવા. તેમણે મારી પાસે એનાં બહુ વખાણ કર્યાં એટલે મેં હા પાડી. પણ મિત્રો, સાચું કહું તો મને તો એમ કે ભજિયાંમાં તો વળી શું ખાસ હોવાનું? ભજિયાં એટલે ભજિયાં. પણ ના, હું ખોટો હતો. ભજિયાં એટલે ભજિયાં નહીં, પણ મયૂરનાં ભજિયાં એટલે ભજિયાં. એમાં પણ બે ભજિયાં તો મને એવાં દાઢે વળગ્યાં છે કે નક્કી કરી લીધું કે હવે જ્યારે અમદાવાદ જવાનું થાય ત્યારે એક વખત આ ભજિયાંનું ભોજન કરવું.
આ બે ભજિયાંમાંથી એક ભજિયાં એટલે લસણિયા ભજિયાં. લસણિયા ભજિયાંમાં બટાટી (હા, બટાટા નહીં, આપણી ગોટીની સાઇઝના બટાટા)ના બે ફાડા કરી એમાં લસણની લાલ ચટણી ભરી એ બટાટીને ચણાના લોટમાં બોળી એને ફ્રાય કરવામાં આવે. આ લસણિયા મેં અગાઉ ક્યારેય ખાધા નહોતા. લસણિયા સિવાયનાં ભજિયાં એટલે મરચાંનાં ભજિયાં. ગુજરાતમાં જે મોટા ઢોલર મરચાં આવે છે એ મરચાં ચીરી એમાં પૂરણ ભરવાનું અને પછી એ પૂરણ ભરેલાં મરચાંને ચણાના લોટમાં ઝબોળી એને તળીને ભજિયાં બનાવવાનાં. આ મરચાનાં ભજિયાંમાં કમાલ એના પૂરણની છે. ગળચટ્ટા પૂરણની સાથે મરચાનું લેયર અને એ મરચા ઉપર ચણાના લોટનું લેયર. શું અદ્ભુત કૉમ્બિનેશન. 
મરચાનાં ભજિયાંનું આ જે પૂરણ છે એ જ પૂરણ મયૂરમાં બટાટાવડાંમાં ભરવામાં આવે છે એટલે એ રીતે તો બટાટાવડાં પણ મને બહુ ભાવ્યાં, પણ કહ્યું એમ પૂરણના કારણે. મજા પડી ગઈ મયૂરનાં ભજિયાં ખાવાની. નાસ્તો હતો એટલે નાસ્તા જેટલાં જ એ ભજિયાં ખાધાં, પણ તમને કહ્યું એમ એ ભજિયાં ખાવાનું પૂરું કરતી વખતે જ નક્કી કરી લીધું કે હવે જ્યારે પણ અમદાવાદ જવાનું બને ત્યારે ભજિયાંનું ભોજન કરવું.
મયૂરનાં ભજિયાંની આગળની વાત કરતાં પહેલાં કહું કે એ ભજિયાં સાથેનો મારો જે ફોટો હતો એ ફોટો ‘ગોટી સોડા’ વેબસિરીઝના લુકનો છે. એ લુક રિવિલ કરવો પૉસિબલ ન હોવાથી એ ફોટો અત્યારે હું આપી શકું એમ નથી. પણ હા, ભજિયાંનો ફોટો તમને દેખાડીને તમારા મોઢામાં પાણી લાવવાનું પાપ તો હું કરીશ જ કરીશ.
મયૂર ભજિયાં હાઉસમાં તમે સાંજના સમયે જાઓ તો એટલી ભીડ હોય કે તમારે ઓછામાં ઓછો અડધો કલાક ઊભા રહેવું પડે. મજાની વાત કહું તમને. મયૂરનાં ભજિયાં જ લેવા માટે લોકો લાઇનમાં નથી ઊભા રહેતા. મયૂરની ખજૂરની ચટણી પણ એટલી વખણાય છે કે એ પણ કિલોના ભાવે વેચવામાં આવે છે અને જે મરચાનાં ભજિયાંના પૂરણની આપણે વાત કરી એ પૂરણ પણ છૂટું વેચવામાં આવે છે. મયૂર ભજિયાં હાઉસની અમદાવાદમાં બે બ્રાન્ચ છે. એક નારણપુરામાં અને બીજી ડ્રાઇવ-ઇન સિનેમા પાસે. જોકે તમને એક વાત કહેવાની તો રહી ગઈ. મયૂર ભજિયાં હાઉસ મૂળ જૂનાગઢના છે અને ગુજરાતમાં અનેક જગ્યાએ તેમના ભાઈઓએ ભજિયાં સેન્ટર ખોલ્યાં છે. મિક્સ ભજિયાંની પ્લેટનો ભાવ ૪૦ રૂપિયા અને તમે મિક્સ ભજિયાંની પ્લેટ લો તો જ એમને ત્યાં બનતાં બધાં ભજિયાંનું એકેક નંગ તમને ટેસ્ટ કરવા મળે.

Sanjay Goradia Gujarati food mumbai food indian food columnists