ગુલાબ જેવી સૉફ્ટનેસ અને જાંબુની સ્વીટનેસનો અદ્ભુત સુમેળ

15 July, 2021 07:58 PM IST  |  Mumbai | Sanjay Goradia

ઓરિજિનલ ગુલાબજાંબુમાં ચાસણી ગુલાબજળની બને, જેને લીધે ગુલાબની આછી ખુશ્બૂ છેક ગળા સુધી પ્રસરી જાય

દાંત વિનાનો પણ આસાનીથી ખાઈ શકે અને મારા જેવા ડાયાબિટીઝવાળાને પણ એકથી સંતોષ ન થાય એવાં ગુલાબજાંબુ જામા સ્વીટ્સમાં મળે છે.

આપણે ગયા અઠવાડિયે ચેમ્બુર કૅમ્પ અને કૅમ્પમાં આવેલી વિગ રેસ્ટોરન્ટનાં દાલ-પકવાન અને છોલે-ભટૂરેની વાત કરી. ચેમ્બુર કૅમ્પમાં અનેક રેસ્ટોરન્ટમાં ઑથેન્ટિલક ટેસ્ટવાળી આ બે વરાઇટીઓ અને એ બે ઉપરાંત બીજી પંજાબી અને સિંધી આઇટમો મળે છે એ તમારી જાણ ખાતર. આવું શું કામ એ તમારે જાણવું હોય તો ચેમ્બુરના ભૂતકાળમાં જવું પડે.
વાત છે ૧૯૪પની. એ અરસામાં ચેમ્બુરને મુંબઈમાં સમાવવામાં આવ્યું. મુંબઈમાં સમાવેશ થયો ત્યારે એનું નામ ચેમ્બુર નહીં પણ ચેમ્બુરી હતું. હા, ચેમ્બુરી. મરાઠીમાં ચેમ્બુરી એટલે મોટા કરચલા એવો અર્થ થાય. પહેલાં આ વિસ્તારમાં મોટા કરચલા પુષ્કળ થતા અને એટલે આ આખો એરિયા મરાઠીઓમાં બહુ જાણીતો હતો. સમય જતાં ચેમ્બુરીનું અપભ્રંશ થઈને એનું નામ ચેમ્બુર થઈ ગયું. 
૧૯૪૭માં ભારત-પાકિસ્તાનના ભાગલા થયા એ સમયે ચેમ્બુરમાં રેફ્યુજી કૅમ્પ બનાવવામાં આવ્યો, જેને લીધે ચેમ્બુર પૉપ્યુલર થયું. ચેમ્બુરમાં બનેલો એ કૅમ્પ આગળ વધતો-વધતો છેક સાયન-કોલીવાડા સુધી પહોંચ્યો અને એમાં હજારો શરણાર્થીઓ રહેતા. સમય જતાં ચેમ્બુરમાં જ્યાંથી કૅમ્પની શરૂઆત થઈ હતી એ જગ્યા ચેમ્બુર કૅમ્પ તરીકે જ ઓળખાવા માંડી. આજે પણ અહીં પાકિસ્તાનથી આવેલા સિંધી અને પંજાબીઓ વસે છે. વસી ગયેલા આ લોકોએ સમય જતાં ત્યાં જ પોતપોતાના બિઝનેસ શરૂ કર્યા. શરૂ થયેલા એ બિઝનેસમાં રેસ્ટોરન્ટ વધારે શરૂ થઈ, જે આજે પણ મોટા ભાગે અકબંધ રહી છે. ચેમ્બુર કૅમ્પની મોટી ખાસિયત એ કે અહીંની અડધોઅડધ રેસ્ટોરન્ટ પચાસ-સાઠ વર્ષથી ચાલે છે અને એ જ ફૅમિલી ચલાવે છે જે એક સમયે શરણાર્થી હતા. ચેમ્બુર કૅમ્પમાં મળતા જામાના ગુલાબજાંબુ બહુ પૉપ્યુલર છે. મોતીચૂરના લાડુ પણ એટલા જ વખણાય. જામા સ્વીટ્સની શરૂઆત પણ આઝાદીના અરસામાં જ થઈ હતી.
રાજ કપૂર જામાની આ બન્ને વરાઇટીના શોખીન. આર. કે. સ્ટુડિયોઝમાં તેઓ અવારનવાર જામામાંથી આ બન્ને વરાઇટીઓ મગાવે. હવે તો ચેમ્બુર મેઇન રોડ પર ડાબી બાજુએ પણ જામાની બ્રાન્ચ શરૂ થઈ છે પણ એની મધર બ્રાન્ચ કૅમ્પમાં જ છે.
હું તો જામા સ્વીટ્સ પહોંચ્યો. ત્યાં બેસીને ખાવાની કોઈ અરેન્જમેન્ટ નથી એટલે તમારે એ પાર્સલ જ કરાવવું પડે. આમ તો મને ડાયાબિટીઝ છે એટલે આવી સ્વીટ્સનું નામ પણ મારાથી લેવાય નહીં પણ વાત મારા રીડર્સની હોય તો પછી ઇન્સ્યુલિન વધારે લઈ લેવાની આપણી તૈયારી પહેલેથી જ હોય છે.
આપણી એક આંગળીની સાઇઝનું ગુલાબજાંબુ, કિંમત પચીસ રૂપિયા અને સૉફ્ટનેસ ગુલાબના ફૂલની પાંદડી જેવી. ચાવવાનું જ નહીં, મોઢામાં મૂકો એટલે ઓગળી જાય. ગૅરન્ટી મારી. ગુલાબજાંબુની એક ખાસિયત છે જે સોમાંથી પંચાણું સ્વીટ શૉપમાં હવે પાળવામાં આવતી નથી એવો મારો અનુભવ છે. આ ખાસિયત એના નામમાં છે. ગુલાબજાંબુ. હવે બધા જાંબુ બનાવે છે, ગુલાબનો ઉપયોગ થતો જ નથી. પહેલાંના સમયમાં ગુલાબજાંબુની જે ચાસણી બનતી એ ચાસણીમાં રોઝ-વૉટરનો ઉપયોગ થતો, જેને લીધે બનેલા એ જાંબુમાં ગુલાબની આછી સોડમ પ્રસરી જાય અને છેક ગળા સુધી એ સુગંધનો અનુભવ થાય. પણ હવે ગુલાબજાંબુમાં રોઝ-વૉટરનો ઉપયોગ સાવ જ બંધ થઈ ગયો છે એવું કહું તો પણ ચાલે. હવે ગુલાબજાંબુ એટલે તૈયાર થઈ ગયેલા જાંબુ પર ગુલાબની પાંખડીનો છંટકાવ કરી દેવાનો એટલે જાંબુ ગુલાબજાંબુ બની જાય.

columnists Sanjay Goradia Gujarati food mumbai food indian food