✕

એક મહિનો શુગર બંધ કરો તો શું થાય?

27 November, 2026 03:02 PM IST  |  Mumbai | Heena Patel

જરાય આભ તૂટી ન પડે. ઊલટાનું સુસ્તી, ડાયાબિટીઝને કારણે શુગરમાં થતી વધઘટ કે પછી ફૅટી લિવર અને હૃદયરોગના જોખમ જેવી અનેક તકલીફોનું નિવારણ થઈ જાય. રોજિંદા આહારમાંથી સાકરને બાય-બાય કહેવાના ફાયદા જાણશો તો સાકરની બાધા જ લઈ લેવાનું મન થશે એ નક્કી છે

એક મહિનો શુગર બંધ કરો તો શું થાય?

જરાય આભ તૂટી ન પડે. ઊલટાનું સુસ્તી, ડાયાબિટીઝને કારણે શુગરમાં થતી વધઘટ કે પછી ફૅટી લિવર અને હૃદયરોગના જોખમ જેવી અનેક તકલીફોનું નિવારણ થઈ જાય. રોજિંદા આહારમાંથી સાકરને બાય-બાય કહેવાના ફાયદા જાણશો તો સાકરની બાધા જ લઈ લેવાનું મન થશે એ નક્કી છે

આપણા રોજિંદા આહારમાં શુગરનું પ્રમાણ કેટલું છે એનો અંદાજ પણ ઘણી વાર હોતો નથી. ચા, કૉફી અને મીઠાઈ જેવી દેખીતી મીઠી વસ્તુઓ ઉપરાંત પૅક્ડ જૂસ, સૉસ, ફ્લેવર્ડ યોગર્ટ અને હેલ્ધી ગણાતા કેટલાક સ્નૅક્સમાં પણ ઍડેડ શુગર હોય છે. એટલે ઘણી વાર જાણતાં-અજાણતાં આપણે જરૂર કરતાં વધારે શુગરનું સેવન કરતા હોઈએ છીએ. વધુ પડતી ઍડેડ શુગરનું સેવન વજન વધારે છે તથા ટાઇપ-2 ડાયાબિટીઝ, ફૅટી લિવર અને હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ વધારી શકે છે. આવી સ્થિતિમાં જો એક મહિના માટે ઍડેડ શુગરનું સેવન બંધ કરવામાં આવે અથવા નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવે તો શરીરમાં કયા ફેરફારો થઈ શકે? આ ફરક વીક બાય વીક કઈ રીતે શરીર પર દેખાય છે એ સમજીએ.
પહેલું અઠવાડિયું 
જો તમે નિયમિત રીતે વધારે શુગરનું સેવન કરતા હો અને અચાનક એને બંધ કરી દો તો શરૂઆતના દિવસો થોડા મુશ્કેલ બની શકે છે. શરીર અને મગજ રોજિંદી ખાવાની આદતમાં આવેલા આ ફેરફારને અનુકૂળ થવાનો પ્રયાસ કરે છે. આ સમયગાળામાં નીચે મુજબની તકલીફો પણ અનુભવાય છે.
 વારંવાર મીઠાઈ કે ગળ્યું ખાવાની ઇચ્છા થવી.
 થાક લાગવો અને એનર્જી ઓછી હોય એવું લાગવું.
 માથાનો દુખાવો થવો.
 સ્વભાવમાં ચીડિયાપણું આવવું અથવા મૂડ બદલાવો.
 કોઈ કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડવી.
 ઊંઘવામાં તકલીફ થવી અથવા ઊંઘ પૂરી થઈ હોવા છતાં થાક લાગવો.
આવું થવા પાછળ એક કારણ મગજની રિવૉર્ડ સિસ્ટમ પણ હોઈ શકે છે. શુગર ખાવાથી મગજમાં ડોપમીન નામના કેમિકલનું સ્તર વધે છે, જેનાથી આનંદની લાગણી થાય છે. વારંવાર મીઠી વસ્તુઓ ખાવાની આદત હોય ત્યારે મગજ આ અનુભવથી ટેવાઈ જાય છે. અચાનક શુગરનું સેવન ઘટાડવાથી શરૂઆતમાં ફરી મીઠું ખાવાની ઇચ્છા થઈ શકે છે. જોકે આ લક્ષણોને દરેક વ્યક્તિમાં જોવા મળતા ટિપિકલ વિથડ્રૉઅલ તરીકે ન સમજવાં જોઈએ.  
શું કરવું?ઃ આ સમયગાળામાં પૂરતું પાણી પીવું, નિયમિત ઊંઘ લેવી અને સમયસર ભોજન કરવું જરૂરી છે. ભોજનમાં પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવાથી પેટ લાંબો સમય ભરેલું રહે છે અને વારંવાર ભૂખ લાગવાની કે મીઠાઈ ખાવાની ઇચ્છા થવાની શક્યતા ઘટે છે.
બીજું અઠવાડિયું 
બીજા અઠવાડિયા સુધીમાં શરીર નવી ખાવાની આદતને અનુકૂળ થવા લાગે છે. શરૂઆતમાં વારંવાર થતી મીઠાઈ ખાવાની ઇચ્છા ધીમે-ધીમે ઘટી શકે છે. આ સમયગાળામાં કેટલાક લોકોને નીચે મુજબના ફેરફારો અનુભવાય છે.
 દિવસ દરમ્યાન એનર્જીનું સ્તર વધુ સ્થિર રહેવું.
 બપોરના સમયે થાક અને સુસ્તી ઓછી લાગવી.
 કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં સરળતા રહેવી.
 મૂડમાં વારંવાર થતા ફેરફારોમાં ઘટાડો થવો.
 પેટ ફૂલવાની સમસ્યામાં રાહત અનુભવાવી.
જો પહેલાં તમે વધુ પડતી મીઠી વસ્તુઓ, સૉફ્ટ ડ્રિન્ક્સ કે પૅક્ડ ફૂડનું સેવન કરતા હો તો એને ઘટાડવાથી પાચનને લગતી કેટલીક તકલીફોમાં પણ રાહત મળી શકે છે. કેટલાક લોકોને આ સમયગાળામાં ફળોનો સ્વાદ પણ પહેલાં કરતાં વધુ મીઠો લાગવા લાગે છે. જોકે આ અનુભવ દરેક વ્યક્તિમાં એકસરખો હોય એવું જરૂરી નથી.
શું કરવું? ઃ ભોજનનો સમય જાળવો અને લાંબો સમય ભૂખ્યા ન રહો. ફળો, શાકભાજી, કઠોળ અને આખા અનાજ જેવી વસ્તુઓને ડાયટમાં સ્થાન આપો. મીઠાઈ ખાવાની ઇચ્છા થાય ત્યારે ફળ ખાવાનો વિકલ્પ અપનાવી શકાય છે.
ત્રીજું અઠવાડિયું 
ત્રીજા અઠવાડિયા સુધીમાં ઍડેડ શુગરનું સેવન ઘટાડવાની આદત વધુ સહજ બનવા લાગે છે. વારંવાર મીઠાઈ ખાવાની ઇચ્છા થતી નથી અને ખાવાની પસંદગીમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. આ સમયગાળામાં કેટલાક લોકો નીચે મુજબના ફેરફારો અનુભવી શકે છે.
 ઊંઘની ગુણવત્તામાં સુધારો થવો.
 સવારે ઊઠ્યા પછી વધુ ફ્રેશ અનુભવવું.
 મીઠાઈ ખાવાની તીવ્ર ઇચ્છામાં ઘટાડો થવો.
 મૂડમાં સ્થિરતા રહેવી અને ચીડિયાપણું ઘટવું.
 વજન ઘટવાની શરૂઆત થવી.
 પેટ ફૂલવાની સમસ્યામાં રાહત મળવી.
ઍડેડ શુગરનું સેવન ઘટાડવાથી ભોજનની કુલ કૅલરીમાં ઘટાડો થઈ શકે છે. ખાસ કરીને શુગરી ડ્રિન્ક્સ અને વધુ શુગરવાળી વસ્તુઓની જગ્યાએ પૌષ્ટિક વિકલ્પો લેવામાં આવે તો વજન નિયંત્રણમાં રાખવામાં મદદ મળી શકે છે. આ ઉપરાંત શુગરનું સેવન ઘટાડવાથી બ્લડશુગરના સ્તરમાં થતી અચાનક વધઘટને નિયંત્રિત કરવામાં પણ મદદ મળી શકે છે.
ચોથું અઠવાડિયું 
એક મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં શરૂઆતમાં અનુભવાતી મીઠાઈ ખાવાની ઇચ્છા અને ખાવાની જૂની આદત પર નિયંત્રણ મેળવવું સરળ બની શકે છે. આ સમયગાળામાં શરીરને કેટલાક સકારાત્મક ફાયદા મળી શકે છે.
 દિવસ દરમ્યાન એનર્જીનું સ્તર વધુ સ્થિર રહેવું.
 મીઠાઈ અને શુગરી ડ્રિન્ક્સની ક્રેવિંગ્સમાં ઘટાડો થવો.
 વજન નિયંત્રણમાં રાખવામાં મદદ મળવી.
 દાંતમાં સડો થવાનું જોખમ ઘટાડવામાં મદદ મળવી.
 બ્લડશુગર અને ટ્રાઇગ્લિસરાઇડ્સના સ્તરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળવી.
 લાંબા ગાળે હૃદય સંબંધિત બીમારીઓ અને ટાઇપ-2 ડાયાબિટીઝનું જોખમ ઘટાડવામાં મદદ મળવી.
વધુ પડતી ઍડેડ શુગરનું સેવન ઘટાડવાથી ફૅટી લિવર અને સ્થૂળતાનું જોખમ ઘટાડવામાં પણ મદદ મળી શકે છે. જોકે આ બધા ફાયદા માત્ર એક મહિના સુધી શુગર ન ખાવાથી તરત જ મળી જાય એવું નથી. એની અસર વ્યક્તિની અગાઉની ખાવાની આદત, જીવનશૈલી, શારીરિક પ્રવૃત્તિ અને એકંદર આહાર પર આધાર રાખે છે.

શુગર છોડતી વખતે આટલું ધ્યાન રાખો
શુગર છોડવાનો અર્થ તમામ પ્રકારની મીઠી વસ્તુઓ બંધ કરવાનો નથી. ફળોમાં કુદરતી રીતે રહેલી શુગરની સાથે ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સ પણ હોય છે. એટલે આખાં ફળોને ડાયટમાંથી દૂર કરવાની જરૂર નથી. અહીં મેઇન ફોકસ ઍડેડ શુગર એટલે કે ફૂડમાં અલગથી ઉમેરવામાં આવતી શુગર ઘટાડવા પર હોવું જોઈએ. આ ઉપરાંત મધ, ગોળ અને બ્રાઉન શુગર પણ શરીર માટે ઍડેડ શુગરના જ વિકલ્પો છે. એટલે શુગરની જગ્યાએ આ વસ્તુઓનો વધુ પડતો ઉપયોગ કરવાથી ખાસ ફાયદો થતો નથી. શરૂઆતમાં એકસાથે બધી મીઠી વસ્તુઓ બંધ કરવાને બદલે ધીમે-ધીમે એનું પ્રમાણ ઘટાડવું વધુ સરળ બની શકે છે.

food and drink food news street food Gujarati food mumbai food indian food lifestyle news life and style diabetes