20 February, 2026 04:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક તસવીર
સોશ્યલ મીડિયા પર અત્યારે ફેસવૉશને બદલે ઍન્ટિ-ડૅન્ડ્રફ શૅમ્પૂથી મોઢું ધોવાનો એક નવો ટ્રેન્ડ વાઇરલ થયો છે. એવું માનવામાં આવે છે કે આ પદ્ધતિ પુખ્ત વયના લોકોમાં થતા ખીલને મટાડવામાં મદદ કરે છે. આ ટ્રેન્ડ પાછળનું મુખ્ય કારણ એ છે કે ઍન્ટિ-ડૅન્ડ્રફ શૅમ્પૂમાં ઝિન્ક પીરિથાયોન નામનું તત્ત્વ હોય છે જે ખીલ સામે લડવામાં મદદરૂપ થઈ શકે છે. લોકોનું માનવું છે કે ડૅન્ડ્રફ અને ખીલ બન્ને ઘણી વાર ફંગલ ઇન્ફેક્શનને કારણે થાય છે. આ જ તર્કના આધારે ઘણા લોકો ઍન્ટિ-ડૅન્ડ્રફ શૅમ્પૂનો ઉપયોગ ખીલ મટાડવા માટે કરવા લાગ્યા છે.
ઝિન્ક પીરિથાયોનમાં બૅક્ટેરિયા વિરોધી ગુણો હોવા છતાં ડર્મેટોલૉજિસ્ટ મોઢા પર ઍન્ટિ-ડૅન્ડ્રફ શૅમ્પૂ વાપરવાની સલાહ આપતા નથી. તે કહે છે, ‘ચહેરા પર આવા શૅમ્પૂનો વારંવાર ઉપયોગ કરવાથી ફાયદા કરતાં નુકસાન વધુ થઈ શકે છે. તમારા માથાની ત્વચા કરતાં ચહેરાની ત્વચા ઘણી વધુ નાજુક હોય છે. શૅમ્પૂ ચહેરાની ત્વચાના કુદરતી pH સંતુલનને બગાડી શકે છે. સમય જતાં આ શૅમ્પૂ ત્વચાના કુદરતી તેલને છીનવી લે છે જેનાથી ત્વચા શુષ્ક, ખરબચડી અને બળતરાયુક્ત બની શકે છે. જે લોકોને પહેલેથી જ રોસેસિયા, સોરાયસિસ કે ડર્મેટાઇટિસ જેવી સમસ્યા હોય તેમના માટે આ શૅમ્પૂ બળતરા અને સોજો વધારી શકે છે. એના નિયમિત ઉપયોગથી ત્વચાનું સુરક્ષા કવચ તૂટી શકે છે, જેના કારણે લાલાશ, ખંજવાળ અને સંવેદનશીલતા વધી શકે છે.’
નિષ્ણાતો કહે છે, ‘શૅમ્પૂમાં ફક્ત ઝિન્ક પીરિથાયોન જ નહીં, અન્ય કેમિકલ્સ પણ હોય છે જે વાળ સાફ કરવા માટે યોગ્ય છે. પણ ચહેરાની ત્વચા પર એનો ઉપયોગ કરવાથી કેમિકલ બર્ન થઈ શકે છે. એટલે ઍન્ટિ-ડૅન્ડ્રફ શૅમ્પૂનો ઉપયોગ સ્કિન-કૅર સોલ્યુશન તરીકે ક્યારેય ન કરવો જોઈએ. સોશ્યલ મીડિયા ટ્રેન્ડ્સને ફૉલો કરવાને બદલે ત્વચાની કોઈ પણ સમસ્યા માટે ડર્મેટોલૉજિસ્ટની સલાહ લેવી વધુ સુરક્ષિત છે. તેઓ તમારી ત્વચાના પ્રકાર મુજબ યોગ્ય ઉત્પાદનોની ભલામણ કરી શકે છે. ખીલ થવાનાં ઘણાંબધાં કારણો હોય છે. એટલે તમને ફંગલ ઇન્ફેક્શનને કારણે ખીલ થઈ છે કે બીજી કોઈ સમસ્યા છે એ ડર્મેટોલૉજિસ્ટ જ કહી શકે છે. એટલે ઘરે જાતે નિદાન કરવું જોખમી છે.’